અમદાવાદમાં કોરોનાના નવા ૧૧ કેસ,૨૫ હજારને વેકિસન અપાઈ
રેલ્વે, એસ.ટી. સ્ટેશન ઉપરાંત વસ્ત્રાપુરલેક ખાતે ટેસ્ટ શરુ કરવામાં આવ્યા
અમદાવાદ,રવિવાર,14 નવેમ્બર,2021
અમદાવાદ શહેરમાં દિવાળી પર્વ બાદ કોરોના સંક્રમણમાં સતત
વધારો જોવા મળી રહ્યો છે.શનિવારે દસ કેસ નોંધાયા બાદ રવિવારે નવા ૧૧ કેસ નોંધાવા
પામ્યા છે.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.ચાર દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી
ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.મ્યુનિ.દ્વારા હાથ ધરવામાં આવેલા ટેસ્ટીંગને કારણે
પશ્ચિમના વિસ્તારમાં કેટલાક વધુ કેસ મળ્યા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા
મળ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ,અમદાવાદ શહેરમાં દિવાળી પર્વ બાદ કોરોનાના કેસની સંખ્યા વધતા રવિવારે વધુ નવા ૧૧ કેસ નોંધાવા પામ્યા છે. રેલ્વે સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટ માટે ત્રણ ટીમ ફરજ ઉપર મુકવામાં આવી છે.જે પૈકી એક ટીમ આર.ટી.પી.સી.આર અને બે ટીમ એન્ટીજન ટેસ્ટ કરવાની કામગીરી કરે છે.એસ.ટી.સ્ટેશન ખાતે પણ કોરોના ટેસ્ટ શરુ કરવામાં આવ્યા છે.વસ્ત્રાપુર લેક ખાતે પણ કોરોના ટેસ્ટ માટે ડોમ શરુ કરવામાં આવતા રવિવારે સવારથી લોકો કોરોના ટેસ્ટ કરાવવા માટે લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા.રવિવારે શહેરમાં ૨૯૩૨ લોકોને કોરોના રસીનો પહેલો અને ૨૨૨૩૮ લોકોને બીજો ડોઝ આપવા સાથે કુલ ૨૫૧૭૦ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.ઘર સેવા વેકિસનેશન યોજના હેઠળ ૩૩૭૧ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા અત્યાર સુધીમાં ૨૮૨૨ લોકોને રસી આપવામાં આવી છે.