Get The App

લિકર પરમિટ અપાવવાનું કહીને ગઠીયાએ અનેક લોકોને ચુનો લગાવ્યો

અનેક સિનિયર સિટીઝનને ટારગેટ કરાયા

સિવિલ હોસ્પિટલમાં તપાસ કરતા છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો, પોલીસ વિભાગને તપાસ માટે રજૂઆત કરવામાં આવી

Updated: May 7th, 2023


Google NewsGoogle News
લિકર પરમિટ અપાવવાનું કહીને ગઠીયાએ અનેક લોકોને ચુનો લગાવ્યો 1 - image

અમદાવાદ,રવિવાર

લિકર પરમિટ મેળવવા માટે સરકારે ચોક્કસ નિયમો બનાવેલા છે. તે માટે જરૂરી ફોર્મ  ભરવાની સાથે દસ્તાવેજ આપીને તેમજ મેડિકલ રિપોર્ટને આધારે અરજદારને લિકર પરમિટ મળે છે. જેમાં આરોગ્યના કારણસર પણ અનેક લોકોને લિકર પરમિટની જરૂર હોય છે. જેમાં સિનિયર સિટીઝનનો વધારે સમાવેશ થાય છે. ત્યારે સિનિયર સીટીઝનને લિકર પરમિટની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે  એજન્ટ તરીકે નિમણૂંક થઇ હોવાનું જણાવીને હિરેન શાહ નામના વ્યક્તિએ અનેક સિનિયર સિટીઝન્સ અને લોકો પાસેથી નાણાં લીધા હોવાની વિગતો બહાર આવી છે. શહેરના ગુલબાઇ ટેકરામાં રહેતા સિનિયર સિટીઝન અને વકીલને આરોગ્યના કારણસર લિકર પરમિટની જરૂર હોવાથી તેમના પરિવારજનોએ પરમિટ મેળવવા માટે તપાસ કરાવી હતી. આ દરમિયાન તેમને હિરેન શાહ નામના વ્યક્તિ અંગે માહિતી મળતા તેનો સંપર્ક કરીને પરમિટ લેવા માટેની વિગતો જાણવા માટે પ્રયત્ન કર્યો હતો.  જો કે હિરેન શાહે જણાવ્યું હતું કે સિનિયર સિટીઝનને અગવડતા ન પડે તે માટે તેમને એજન્ટ તરીકે કામગીરી સોપી છે અને પરમિટ લેવા માટેની પ્રક્રિયામાં આવતા તમામ સરકારી વિભાગોમાં તેના દ્વારા કામગીરી કરવામાં આવે છે. જેથી વકીલે વિશ્વાસ કર્યો હતો. બાદમાં  હિરેન શાહે પરમિટ માટે ૪૫ હજાર રૂપિયા લીધા હતા અને ફોર્મ ભરાવીને કામગીરી શરૂ કરાવી હતી. જો કે મેડિકલ રિપોર્ટ લઇને સિનિયર વકીલ અને તેમના સગા સિવિલ હોસ્પિટલ ખાતે ગયા ત્યારે મેડિકલ રિપોર્ટ  અંગેની ફી ભરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. 

જે અંગે તપાસ કરતા એમ પણ જાણવા મળ્યું હતું કે  સરકારે લિકર પરમિટ માટે સિનિયર સિટીઝનને મુશ્કેલી ન પડે તે માટે કોઇ એજન્ટની નિમણૂંક કરી નથી અને હિરેન શાહ નામના વ્યક્તિએ અનેક લોકોને  લિકર પરમિટ કઢાવી આપવાનું કહીને  ૪૫ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની રકમ ગેરકાયદેસર રીતે  ઉઘરાવીને છેતરપિંડી આચરી હતી.  જે બાદ વકીલે જરૂરી ફી ભરીને લિકર પરમિટની પ્રક્રિયા શરૂ કરી હતી.  જે બાદ હિરેન શાહનો સંપર્ક કરતા તેણે ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા.  જે બાબત સિવિલ હોસ્પિટલના સંલંગ્ન વિભાગના ધ્યાને આવતા ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવતા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ આ મામલે જરૂરી પુરાવા સાથે આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવનાર છે.


Google NewsGoogle News