૫૦ના સ્ટેમ્પ પર એફિડેવિટની જોગવાઈ છતાં ૩૦૦નો સ્ટેમ્પ વાપરવાની પડાતી ફરજ
ડેક્લેરેશન રૃા. ૩૦૦થી ઓછા સ્ટેમ્પ પેપર પર આપવામાં આવ્યું હોય તો તે માન્ય રખાતું નથી
(પ્રતિનિધિ તરફથી) અમદાવા,બુધવાર
ગુજરાત સ્ટેમ્પ એક્ટની અનસૂચિ એકના અનુક્રમ નંબર (૪)માં દસ્તાવેજ માટેની સ્ટેમ્પ ડયૂટી અંગે કરવાના ડેક્લેરેશન પાંચમી ઓગસ્ટ ૨૦૧૯થી ૫૦ રૃપિયાના સ્ટેમ્પ પેપર પર કરવાની જોગવાઈ કરવામાં આવી હોવા છતાંય તે ડેક્લેર્શન ૩૦૦ના સ્ટેમ્પ પેપર પર કરવાની ફરજ પાડીને લોકોને વધુ ખર્ચના ખાડામાં ઉતારવામાં આવી રહ્યા છે. પાંચમી ઓગસ્ટ ૨૦૧૯ પહેલા આ જ દસ્તાવેજ પર રૃા. ૨૦ની સ્ટેમ્પ ડયૂટી ભરવાની સૂચના હતી.રૃા. ૩૦૦થી ઓછા મૂલ્યના સ્ટેમ્પ પેપર વાપરીને એફિડેવિટ કરવામાં આવે તો તેને માન્ય રાખવામાં આવતી નથી. કલમ 33ની જોગવાઈ હેઠળ ઓછો સ્ટેમ્પ વાપરનારાઓના દસ્તાવેજો જપ્ત કરી લેવામાં આવે છે.
બારમી મે ૧૯૮૨ અને ચોથી એપ્રિલ ૧૯૯૪ પછીના જૂના એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટ, પઝેશન લેટર પર સ્ટેમ્પ ડયૂટી ભરવા માટે ડેક્લેરેશન આપવું જરૃરી છે. નાયબ કલેક્ટર-સ્ટેમ્પ ડયૂટી સમક્ષ આ ડેક્લેરેશન આપવાની ફરજિયાત કરવામાં આવેલું છે. આ સોગંદનામું એકલા મિલકત માલિકે જ કરવાનું હોય છે. આ ડેક્લેર્શન માટે રૃા. ૫૦ના મૂલ્યનો સ્ટેમ્પ પેપર વાપરવાની જોગવાઈ પાંચમી ઓગસ્ટ ૨૦૧૯થી કરવામાં આવેલી છે. તેમ છતાંય આ ડેક્લેરેશન રૃા. ૩૦૦થી ઓછા સ્ટેમ્પ પેપર પર આપવામાં આવ્યું હોય તો તે માન્ય રખાતું નથી. આ અંગે સરકાર તરફથી જાહેરજનતાના હિતમાં ખુલાસો કરવામાં આવે તેવી અપેક્ષા છે.
તદુપરાંત અમદાવાદ શહેર તથા તેની પરિસરના વિસ્તારમાં આવેલા ગામડાં, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, ગામતળમાં આવેલા તમામ મકાનો, ચાલીઓ તથા ચાલીની ઓરડીઓ, ટ્રસ્ટની મિલકતો, દુકાનો, દુકાનો, ઓફિસો અને ફ્લેટ્સના દસ્તાવેજો કરવા માટે રજૂ કરવામાં ઓ છે ત્યારે સરકારે ઇનપુટ રદ કરીને નવું ૩૨-ક હેઠળનું ફોર્મ બહાર પાડયું છે. આ ફોર્મમાં પ્લાન પાસ, રજા ચિટ્વી, બિલ્ડિંગ યુઝની પરમિશન વગેરે વિના દસ્તાવેજોની નોંધણી ન કરવાની જોગવાઈ દાખલ કરી છે. આ નવી સૂચનાનો અમલ કરવાની તારીખ અંગે સરકાર તરફથી ફોડ પાડવામાં આવ્યો નથી.મહેસૂલ ખાતાએ એકાએક નોટિફિકેશન બહાર પાડીને રાતોરાત તેનો અમલ કરવાનો નિર્ણય કરી લીધો છે.
પરિણામે મિલકતનું વેચાણ કરનાર કે પછી મિલકતની ખરીદી કરનાર વચ્ચે નાણાંકીય લેવડદેવડ થઈ ગઈ હોય અને કોઈ કારણોસર બેમાંથી એક પક્ષકાર ગુજરી ગયો હોય કે ગુજરી જાય તો સોદો કરનારાઓની પરેશાની વધી રહી છે.આ તકલીફનું તત્કાળ નિરાકરણ લાવી આપવાની માગણી પણ સ્ટેમ્પ ડયૂટી સાથે સંકળાયેલા જાણકારો અને એડવોકેટ્સ દ્વારા કરવામાં આવી છે.
મિલકતની બજાર કિંમત નક્કી કરવાને લગતા નવા ફોર્મ નંબર ના નિયમો ૧૯૮૪ની કલમ ૩૨-એ હેઠળ ગુજરાત વિધાનસભામાં પસાર કરાવ્યા પછી જ અમલમાં મૂકવું જોઈએ તેવી લાગણી અને માગણી સંબંધિત ક્ષેત્રના વકીલો દ્વારા કરવામાંઆવી છે.