હત્યાના ઓરોપીઓએ ફરિયાદીને જેલમાંથી ફોન કરીને ધમકી આપી
મિરઝાપુરમાં છ મહિના પહેલા યુવકની હત્યા કરી હતી
અંગત અદાવતમાં યુવકને છરીના ૨૯ ઘા મારીને મોતને ઉતાર્યો હતોઃ કોલ કરીને સમાધાન કરવા ધમકી આપી
અમદાવાદ,
મંગળવાર
શહેરના મિરઝાપુરમાં છ મહિના પહેલા જાહેરમાં યુવકને છરીને ૨૯ ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જે સંદર્ભમાં ચાર આરોપીઓ સામે શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. જેમાં મુખ્ય આરોપી મોહસીન સૈયદે મૃતકના ભાઇ અને હત્યા કેસના ફરિયાદીને સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ફોન કરીને સમાધાન કરવા માટે ધમકી આપી હતી. સાથેસાથે કહ્યું હતું કે જો સમાધાન ન કરે તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. આ અંગે શાહપુર પોલીસને જાણ કરતા તપાસ શરૂ કરવામાં આવી છે.
(મૃતકનો ફાઇલ ફોટો)
મિલ કંપાઉન્ડમાં રહેતા મોહમંદ અરબાઝ બેલીમના ભાઇ મોહંમદ
બિલાલને છ મહિના પહેલા મિરઝાપુર પેરેડાઇઝ કોમ્પ્લેક્સ પાસે છરીને ઘા મારીને મોતને ઘાટ
ઉતારવામાં આવ્યો હતો. જે અંગે શાહપુર પોલીસે મોહસીન કરીમ સૈયદ , ઇમરાન સૈયદ અને વસીમ
સૈયદ નામના ત્રણ ભાઇઓ અને તેના પિતા કરીમખાન
સૈયદ સામે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.જેમાં પોલીસે તમામ આરોપીઓને ધરપકડ
કરીને જેલમાં મોકલી આપ્યા હતા. આ દરમિયાન કેસના
ફરિયાદી અરબાઝ બેલીમને સમાધાન કરવા માટે આડકતરી ધમકી મળતી હતી. જો કે તેણે સમાધાન કરવાની ના કહી હતી. આ દરમિયાન ગત શનિવારે
અરબાઝના મોબાઇલ ફોન અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જે ફોન મોહસીને કર્યો હતો. તેણે
ધમકી આપી હતી કે આ કેસમાં તુ સમાધાન નહી કરે તો તારા હાલ પણ તારા ભાઇ જેવા થશે. કોર્ટમાં
અમારા વિરૂદ્વ અરજી કરવાનું પણ બંધ કરી દેજે. આમ, તેણે ધમકી આપતા અરબાઝ ગભરાઇ ગયો હતો. લગભગ ચાર મિનિટ અને છ સેકન્ડ
સુધી આવેલા ફોન અંગે તપાસ કરતા જાણવા મળ્યું
હતું કે મોહસીને સાબરમતી જેલમાંથી ફોન કરીને
ધમકી આપી હતી. આ અંગે તાત્કાલિક શાહપુર પોલીસ
મથકે રજૂઆત કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે આ કેસમાં હત્યાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ
થયો હતો. જેમાં હત્યારાઓ જાહેરમાં એક પછી એક
છરીના ઘા ઝીંકતા જોવા મળ્યા હતા. સીસીટીવી ફુટેજ સમગ્ર ઘટનાનો સૌથી મોટો પુરાવો છે. જે કેસની તપાસ માટે મહત્વનો છે. સામાન્ય રીતે જેલમાં જ્યારે કોઇ આરોપીને બહાર કોલ કરવાનો હોય
ત્યારે તે કોને કોલ કરે છે?
તે કોણ છે? તે સહિતના
વિગતો જેલમાં લખાવવી પડી છે. ત્યારે આ કેસમાં
તેણે સતત ચાર મિનિટ સુધી કોલ કરીને ધમકી આપતા જેલ પ્રસાશન પર પણ શંકાની સોઇ
ચિંધાઇ તેમ છે.