વસ્ત્રાલમાં નવી પાણીની ટાંકીમાંથી નળ જોડાણ આપવાની કામગીરી શરૂ
- સિલ્વર 34 સોસાયટીમાં પાણીનું સૌપ્રથમ જોડાણ અપાશે
- 20 સોસાયટીઓની અરજી મંજુર પરંતુ ફક્ત પાંચ સોસાયટીએ જ પૈસા ભર્યા છે
અમદાવાદ,તા.23 મે 2022, સોમવાર
વસ્ત્રાલમાં નવનિર્મિત ૨૫ લાખ લીટર પાણીની ટાંકીમાંથી ૨૦ સોસાયટીઓને પાણીનું જોડાણ આપવાની કામગીરી પૂર્વ ઝોનના ઇજનેર ખાતા દ્વારા હાથ ધરાઇ છે. આજે સિલ્વર ૩૪ સોસાયટીને સૌપ્રથમ પાણી માટે નળ જોડાણ આપવામાં આવ્યું હતું.
પૂર્વ ઝોનના ઇજનેર ખાતાના આસી.સીટી ઇજનેર હિરેન બારોટના જણાવ્યા મુજબ વસ્ત્રાલ ગામમાં નવી બનાવવવામાં આવેલી પાણીની ટાંકીમાંથી આજુબાજુની સોસાયટીઓને પાણીનું જોડાણ આપવાની કામગીરી હાથ ધરાઇ છે.
અત્યાર સુધીમાં ૨૦ સોસાયટીઓએ પાણીના જોડાણ માટેની અરજી કરી છે. તમામ અરજીઓને મંજૂરી આપી દેવામાં આવી છે. તેમ છતાંય અત્યાર સુધીમાં ફક્ત પાંચ સોસાયટીઓએ જ આ માટેના પૈસા ભરીને જોડાણ માટે આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે. જેના અનુસંધાને આજે સોમવારે સિલ્વર ૩૪ સોસાયટીમાં ખોદકામ કરીને પાણીનું જોડાણ આપવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.
બાકીના તમામ સોસાયટીના રહીશો સમયસર પૈસા ભરી દેશે તો તેઓને પણ ઝડપથી પાણીનું જોડાણ આપી દેવામાં આવશે. તેવું મ્યુનિ.અધિકારીઓ જણાવી રહ્યા છે.