ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું : 8 શહેરમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન
- નલિયા 8.5 ડીગ્રી સાથે ઠંડુંગાર, અમદાવાદમાં 14.1
- આગામી 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રીથી વધુ ગગડતાં ઠંડીમાં હજુ પણ વધારો થઇ શકે છે : હવામાન વિભાગ
અમદાવાદ, તા. 17 ડિસેમ્બર, 2020, ગુરૂવાર
ગુજરાતમાં શિયાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૂ કરતાં ઠંડીના પ્રભુત્વમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. નલિયા 8.5 ડિગ્રી સાથે રાજ્યનું 'કોલ્ડેસ્ટ સિટી' રહ્યું હતું જ્યારે 8 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 13 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન ઠંડીના પ્રભુત્વમાં હજુ પણ વધારો થવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ઉત્તર દિશાના પવન ફૂંકાવવાને પગલે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. આગામી 24 કલાકમાં સરેરાશ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી.
પરંતુ આ પછી આગામી 2-3 દિવસ સુધી લઘુતમ તાપમાન 2-3 ડિગ્રી સુધી ગગડી શકે છે. આમ, આગામી 3 દિવસમાં ઠંડીના પ્રભુત્વમાં હજુ વધારો થાય તેની પૂરી સંભાવના છે. ગુજરાતના અન્ય શહેરોમાં કે જ્યાં તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું તેમાં ભૂજ-ડીસા-રાજકોટ-ગાંધીનગર-કેશોદ-અમરેલીનો સમાવેશ થાય છે.
આ સિવાય વલસાડ-સુરેન્દ્રનગર-અમદાવાદ-વલ્લભ વિદ્યાનગર-દીવમાં તાપમાન 13થી 15 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. અમદાવાદમાં 26.6 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો જ્યારે 14.1 ડિગ્રીૂ સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.4 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે જાય તેની પૂરી સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી 28 ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાન 12-13 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
ગુજરાતમાં ક્યાં સૌથી ઓછું તાપમાન?
શહેર |
તાપમાન |
નલિયા |
૮.૫ |
ભૂજ |
૧૧.૨ |
ડીસા |
૧૧.૨ |
રાજકોટ |
૧૧.૪ |
ગાંધીનગર |
૧૧.૫ |
કંડલા |
૧૨.૦ |
કેશોદ |
૧૨.૨ |
અમરેલી |
૧૨.૮ |
વલસાડ |
૧૩.૦ |
સુરેન્દ્રનગર |
૧૩.૦ |
વલ્લભ વિદ્યાનગર |
૧૩.૭ |
અમદાવાદ |
૧૪.૧ |
વેરાવળ |
૧૪.૫ |
દીવ |
૧૪.૮ |
વડોદરા |
૧૫.૦ |
ભાવનગર |
૧૫.૬ |
સુરત |
૧૭.૦ |