કંપનીના સહ ડીરેક્ટરે કરોડોની પ્રોપર્ટી બનાવટી દસ્તાવેજથી વેચાણે લઇ લીધી
ક્રાઇમબ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધ્યો
બનાવટી દસ્તાવેજ સાથે મુળ માલિકને બદલે અન્યને રજીસ્ટ્રાર ઓફિસમાં રજૂ કરીને મકરબામાં આવેલી ૧૨ કરોડની મિલકતના દસ્તાવેજ તૈયાર કર્યા
અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદમાં આવેલી એક કંપનીના સહ ડાયરેક્ટરે અન્ય ડાયરેક્ટરના બનાવટી ઓળખપત્ર તૈયાર કરીને તેમના બદલે અન્ય વ્યક્તિને રજીસ્ટ્રાર ઓફિસમાં રજૂ કરીને મકરબામાં આવેલી કરોડો રૂપિયાની મિલકતનો બારોબાર સોદો કરીને જમીન પચાવી લીધાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છેે. જે અનુસંધાનમાં પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર લોકો સામે કાર્યવાહી કરી છે. પ્રહલાદનગર આર્શીવાદ બંગ્લોઝમાં રહેતા ધુ્રવિશ મહેતા ઓઇલનો વ્યવસાય કરે છે.તેમણે વર્ષ ૨૦૧૪માં સંજયભાઇ સુતરિયા પાસેથી રૂપિયા ૨.૨૩ કરોડમાં પ્રોપર્ટી ખરીદી કરી હતી.
થોડા દિવસ પહેલા ધુવ્રિશભાઇને તેમના પિતાએ જણાવ્યું હતું કે તે જે મિલકત ખરીદી કરી કરી છે. તે મિલકત વેચાણ માટે કેટલાંક લોકો બજારમાં ફરી રહ્યા છે. જેથી ધુ્રવિશભાઇએ તપાસ કરી ત્યારે ચોંકી ઉઠયા હતા. કારણ કે તેમની અન્ય એક કંપનીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા પાર્થ શાહ (રહે. ગૌૈતમકૃપા એપાર્ટમેન્ટ, વાસણા)એ ધુ્રવિશભાઇની જાણ બહાર મિલકતના દસ્તાવેજોની નકલો મેળવ્યા હતા. સાથેસાથે ધુ્રવિશભાઇના બનાવટી ઓળખપત્ર બનાવીને તેમની જગ્યા પર અન્ય વ્યક્તિનો ફોટો લગાવીને તે વ્યક્તિને જ રજીસ્ટ્રાર ઓફિસમાં રજૂ કરીને વેચાણ દસ્તાવેજ બનાવ્યા હતા. આ દસ્તાવેજમાં સાક્ષી તરીકે મેહુલ પરીખ (રહે.રેવતી ટાવર, જોધપુર), કિશોર પંચાલ (રહે. ન્યુ નિકિતા પાર્ક બંગ્લોઝ, થલતેજ)ના નામ હતા. તેમજ ૧૨ કરોડમાં સોદો કરાયાનો ઉલ્લેખ હતો. આ માટે ખોટા ડોક્યુમેન્ટના આધારે બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું હતું. આ અંગે સમગ્ર છેતરપિંડી અંગે આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.