Get The App

વડોદરામાં વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે તે માટે વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈ શરૂ

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
વડોદરામાં વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે તે માટે વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈ શરૂ 1 - image


- વોર્ડ નંબર 5 માં આવી 1000 ચેમ્બરો સાફ કરી દેવાઈ 

- સમગ્ર શહેરમાં ચેમ્બરોની સફાઈ પરત્વે પૂરતું ધ્યાન અપાય તો જળબંબાકારની સમસ્યામાંથી મુક્તિ મળે 

વડોદરા,તા.24 ફેબ્રુઆરી 2024,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે ઉનાળાના પ્રારંભથી જ વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર પાંચમાં આવી 1000 ચેમ્બરો સાફ કરી દેવામાં આવી છે, આ વોર્ડમાં આશરે અઢી હજાર જેટલી ચેમ્બરો છે. શહેરના ચારેય ઝોનમાં ચેમ્બરોની સફાઈ માટેની કામગીરી સોંપી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. વરસાદી ગટરોની ચેમ્બરો સાફ કરીને તેમાં જામેલો કચરો બહાર કાઢવામાં આવે છે, જેથી કરીને વરસાદ પડે ત્યારે આ કચરાને લીધે પાણીના નિકાલ આડે કોઈ વિઘ્ન ના આવે.

શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા આમ પણ બહુ રહે છે. એક તો હાઇવે બાજુથી પાણી આવે છે અને બીજું ચેનલોની અપૂરતી સફાઈ હોવાથી પાણીનો નિકાલ નહીં થતા જળબંબાકારના પ્રશ્નો સર્જાય છે. જોકે આવું વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં બનતું આવ્યું છે, અને દર વખતે ફરિયાદો ઉઠે છે કે કોર્પોરેશનના દાવા મુજબ વરસાદી ગટરોની ચેમ્બરોની સફાઈ બરાબર કરવામાં આવી નથી. તંત્ર દ્વારા ચેમ્બરોની સફાઈ કરીને બહાર કચરો કાઢ્યા બાદ તાત્કાલિક ઉઠાવી લેવો જોઈએ, તે ઉઠાવતો નથી અને કચરો સુકાઈને ફરી પાછો ચેમ્બરોમાં જતો રહે છે. જેથી સફાઈ ઉપર પાણી ફરી વળી જાય છે. વરસાદી ગટરો સાથે ડ્રેનેજના જોડાણ પણ કરેલા હોવાથી તેનું પાણી પણ વરસાદી ગટર ભરેલું હોવાથી મલબો-કાદવ કીચડ ખૂબ જામેલો રહે છે અને વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકતો નથી. કોર્પોરેશનનું તંત્ર વરસાદી ગટરોની સફાઈ પર પૂરતું ધ્યાન આપે તો જળબંબાકારના પ્રશ્નો સર્જાવાની સમસ્યા માંથી મુક્તિ મળી શકે.


Google NewsGoogle News