ગોત્રીની અર્બન રેસિડેન્સીના ગાર્ડનમાં નવરાત્રી માટેની મીટિંગમાં ગણેશોત્સવના હિસાબના મુદ્દે મારામારી
વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં આવેલી અર્બન રેસિડેન્સીમાં ગઇરાતે નવરાત્રી માટેની મીટિંગ દરમિયાન મારામારી થતાં બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધાવી છે.
ભાયલી કેનાલ રોડ પર આવેલી અર્બન રેસિડેન્સી-૮ના જિગ્નેશ પરમારે પોલીસને કહ્યું છે કે,અમારી રેસિડેન્સીમાં મારા પત્ની મંત્રી છે.જ્યારે,હસમુખ પંડયા ઉપપ્રમુખ અને મંદાર શિન્દે ખજાનચી છે.ગઇરાતે નવેક વાગે ગાર્ડનમાં નવરાત્રી માટે મીટિંગ રાખી હતી.જે દરમિયાન રણજિત બળદેવભાઇ વાઘેલાએ તમે ગણપતિનો હિસાબ આપતા નથી તો નોરતાનો ફાળો કોણ આપશે તેમ કહેતાં મારી પત્નીએ વચ્ચે કેમ બોલો છો તેમ કહ્યું હતું.
આ વખતે અમે હાલમાં નવરાત્રીનીવાત કરો તેમ કહેતાં રણજીત વાઘેલાએ મારા પર લાકડા વડે હુમલો કર્યો હતો.જ્યારે મારી પત્નીને ધક્કો મારી પ્રદીપભાઇ સાથે પણ હાથાપાઇ કરી હતી.
સામે પક્ષે રણજીતભાઇ વાઘેલાએ કહ્યું છે કે,મીટિંગમાં ગણપતિના હિસાબની માંગણી કરતાં મંદારે બાજુમાં બોલાવી તમે લોકોને ચડાવો છો..તેમ કહ્યું હતું.આ વખતે હસમુખ પંડયા,જિગ્નેશ પરમાર,પ્રદીપ પંચાલ,ચેતન પરમાર, કાર્તિક પરમાર અને મીનાક્ષીબેને મને માર માર્યો હતો.જેથી ગોત્રી પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી છે.