સીઆઇડી ક્રાઇમે રૂપિયા ૧૫ લાખની બનાવટી નોટો સાથે ત્રણને ઝડપી લીધા
જુહાપુરામાં રહેતા વ્યક્તિએ બનાવટી ચલણી નોટો મંગાવી હતી
રાજસ્થાનના જલાવર જિલ્લામાં રહેતા ત્રણ વ્યક્તિઓએ મધ્યપ્રદેશના મંદસોર નજીક મકાન ભાડે રાખીને ઝેરોક્ષ મશીનથી બનાવટી નોટો તૈયાર કરી હતી
અમદાવાદ,
ગુરૂવાર
દેશના અર્થતંત્રને નુકશાન કરવાના ઇરાદે મોટાપાયે બનાવટી ચલણી નોટોને બજારમાં ફરતી કરવાના મોટા કાવતરાનો પર્દાફાશ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યો છે. જુહાપુરામાં રહેતા મોઇનુદ્દીન સૈયદ નામના વ્યક્તિએ બનાવટી ચલણી નોટોનો મોટો જથ્થો મંગાવ્યો હોવાની બાતમીને આધારે રામોલ પાસેથી રાજસ્થાનના જલાવર જિલ્લાના ત્રણ લોકોને રૂપિયા ૧૫.૩૦ લાખની બનાવટી ચલણી નોટો સાથે ઝડપી લીધા હતા. આ બનાવટી નોટો મધ્યપ્રદેશના મંદસોર નજીક આવેલા ગામમાં એક મકાન ભાડે રાખીને ત્યાં ઝેરોક્ષ પ્રિન્ટથી તૈયાર કરવામાં આવી હતી. આ અગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે જુહાપુરા રોયલ અકબર ટાવર નજીક રહેતા મોઇનુદ્દીન સૈયદ ઉર્ફે મોઇન બાપુએ મોટા પ્રમાણમાં ભારતીય ચલણની બનાવટી નોટો મંગાવી છે. આ બનાવટી નોટો સપ્લાય કરવા માટે રાજસ્થાન જલાવર જિલ્લામાં રહેતા ત્રણ વ્યક્તિઓ અમદાવાદ આવવાના છે. આ બાતમીને આધારે પોલીસે રામોલ બ્રીજ પાસે બુધવારે બપોરના સમયે વોચ ગોઠવી હતી. જેમાં પોલીસે સતીશ જીનવા, અનિલ ધોબી અને કાલુરામ મેઘવાલ (તમામ રહે.જલાવાર જિલ્લો, રાજસ્થાન)ને ઝડપીને તપાસ કરતા તેમની પાસેથી રૂપિયા ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ના દરની બનાવટી ચલણી નોટોનો કુલ રૂપિયા ૧૫.૩૦ લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં તમામ કરન્સી એક જ નંબરની હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સતીશ અને તેના સાગરિતોએ ગુજરાતમાં બનાવટી ચલણી નોટો ફરતી કરવા માટે નેટવર્ક સેટ કર્યું હતું . જેમાં મોઇનુદ્દીને તેમની પાસેથી બનાવટી ચલણી નોટો મંગાવી હતી. આ બનાવટી ચલણી નોટો તૈયાર કરવા માટે આરોપીઓએ મધ્યપ્રદેશના મંદસોર પાસે ભેસોદામંડીમાં એક મકાન ભાડે રાખીને ત્યાં અસલી નોટો જણાય આવે તેવી ઝેરોક્ષ ખાસ પ્રકારના કાગળની મદદથી તૈયાર કરી હતી. આ અંગે સીઆઇડી ક્રાઇમ દ્વારા મોઇનુદ્દીન સૈયદની પણ શોધખોળ હાથ ધરી છે. મોઇનુદ્દીન સૈયદ દ્વારા અગાઉ પણ બનાવટી નોટો મગાવવામાં આવી હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.
આરોપીઓએ દેશમાં લાખોની બનાવટી નોટો ફરતી કર્યાની આશંકા
સીઆઇડી ક્રાઇમ દ્વારા ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરવામાં આવી
હતી. સમગ્ર દેશમાં મોટા પ્રમાણમાં નોટો સપ્લાય
કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસની એક ટીમ દ્વારા મધ્યપ્રદેશના મંદસોર પાસ આવેલી ઓરડીમાંથી
ઝેરોક્ષ મશીન, ખાસ પ્રિન્ટીંગ
કાગળો અને કોમ્પ્યુટર સહિતની મત્તા જપ્ત કરી છે. સાથેસાથે પોલીસે આરોપીઓના ગુજરાત કનેકશન
અંગે પણ તપાસ શરૂ કરી છે.
એક લાખના બનાવટી ચલણ સામે મોઇનુદ્દીન ૧૫ હજાર ચુકવતો હતો
સીઆઇડી ક્રાઇમ દ્વારા આ કેસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા
કરવામાં આવ્યા છે. જેમાં સતીશ અને તેના માણસોને
તે એક લાખની બોગસ કરન્સીની સામે ૧૫ થી ૨૦ હજાર રૂપિયા ચુકવતો હતો. બાદમાં ચલણી
નોટો બજારમાં ફરતી કરવા માટે તે યુવકો અને તેની સાથે જોડાયેલા લોકોને નાની ખરીદી માટેે તેને વટાવતો હતો.