અમેરિકાના કબુતરબાજીના કેસમાં મહેસાણાના એજન્ટ દંપતિની ધરપકડ
યુવકને ૫૫ લાખમાં અમેરિકા મોકલવાનું નક્કી થયું હતું
યુવક ત્રણ મહિના સુધી દુબઇમાં ફસાયેલો રહ્યો ઃ સીઆઇડી ક્રાઇમ દ્વારા અગાઉ ગુનો નોંધવામાં આવ્યો હતો
અમદાવાદ,રવિવાર
દુબઇથી ખાનગી એરલાઇનના ખાસ વિમાનમાં ગેરકાયદેસર રીતે નિકારાગુઆ જતા સમયે ફ્રાન્સમાં શંકાને આધારે તપાસ કરતા ભારતમાંથી ચાલતા કબુતરબાજીના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જે અંગે સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ દરમિયાન મહેસાણા એજન્ટ દંપતિની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે મહેસાણાના યુવકને અમેરિકાના મોકલવાના બદલામાં ૫૫ લાખની ડીલ નક્કી કરી હતી. ગત ડિસેમ્બર મહિનાની ૨૧મી ડિસેમ્બરના રોજ લિજેન્ડ એરલાઇનનું વિમાન દુબઇથી ફ્રાન્સ વિટ્રી એરપોર્ટ પર ફ્યુઅલીંગ માટે આવ્યુ તે સમયે શંકાને આધારે ૩૦૦ જેટલા લોકોને કબુતરબાજીના કૌભાડ અંતર્ગત નિકારાગુઆથી અમેરિકા લઇ જવાના હોવાનો ખુલાસો થયો હતો. આ મુસાફરોમાં ૬૬ ગુજરાતીઓ હતા. જે અંગે ગુજરાતના સીઆઇડી ક્રાઇમ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેના આધારે શનિવારે મહેસાણાથી ફાલ્ગુની રાવલ અને તેના પતિ પુષ્કર રાવલની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે મહેસાણાના એક યુવકને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે ૫૫ લાખની રકમ નક્કી કરી હતી. જે પૈકી ૧૦ લાખ એડવાન્સ લીધા હતા અને બાકીના નાણાં અમેરિકા પહોંચ્યા બાદ આપવાના હતા. જો કે યુવક ટુરીસ્ટ વિઝા પર દુબઇ ગયા બાદ તે બે થી ત્રણ મહિના ત્યાં જ રહ્યો હતો અને લિજેન્ડ એરલાઇનમાં જતા ફ્રાન્સથી ઝડપાઇ ગયો હતો. આ દંપતિએ અગાઉ પણ અન્ય લોકો અમેરિકા મોકલ્યાની વિગતો પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે. સીઆઇડી ક્રાઇમે બંનેના ૨૪ તારીખ સુધીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.