બુકી પાસેથી રૂ.૨૧.૩૦ કરોડના બેલેન્સની સટ્ટાની ત્રણ એપ્લીકેશન મળી આવી
થલતેજમાં આવેલા આસોપાલવ બંગ્લોઝમાં સીઆઇડી ક્રાઇમની કાર્યવાહી
રૂપિયા ૧.૫૦ કરોડની કિંમતની લક્ઝરી કાર જપ્ત કરીઃ જમીન દલાલીનું કામ કરતો પ્રવિણ જૈન ઘરેથી મોટા પ્રમાણમાં દરરોજ સટ્ટો બુક કરતો હતો
અમદાવાદ,ગુરૂવાર
સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સોમવિલા બંગ્લોઝમાં દરોડો પાડીને વિવિધ દેશોમાં રમાઇ રહેલી ક્રિકેટ મેચ પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાડતા પ્રવિણ જૈન નામના બુકીને ઝડપી લીધો હતો. પોલીસે તપાસ કરતા વિવિધ એપ્લીકેશનમાંથી પોલીસના રૂપિયા ૨૧.૩૦ કરોડ રૂપિયાનું માતબર બેલેન્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત, રૂપિયા ૧.૫૦ કરોડની કિંમતની લક્ઝરી કાર પણ જપ્ત કરવામાં આવી હતી. પ્રવિણ જૈન નામનો બુકી ક્રિકેટ સટ્ટો રમાડવા માટે લાખો રૂપિયામાં આઇડીનું વેચાણ કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે.સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એ સી ઇસરાણીને બાતમી મળી હતી કે થલતેજમાં આવેલા સોમવીલા બંગ્લોઝમાં રહેતો પ્રવિણ જૈન નામનો બુકી શ્રીલંકાના કોલંબોમાં રમાઇ રહેલી ટી-૨૦ મેચ પર મોટાપાયે સટ્ટો રમાડવાનું કામ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં તપાસ કરતા ૧૦ મોબાઇલ ફોન અને એક લેપટોપ મળી આવ્યું હતું. આ તમામ મોબાઇલ ફોનમાં તે ક્રિકેટ સટ્ટાની અલગ અલગ મોબાઇલ એપ્લીકેશનથી સટ્ટો બુક કરતો હતો અને લેપટોપના બ્રાઉઝરમાં એક સટ્ટા બેટિંગની વેબસાઇટમાં લાઇવ મેચ રમાઇ રહી હતી. પોલીસને એક મોબાઇલ ફોનમાં તપાસ કરતા તેમાં રૂપિયા ૧૮ કરોડની બેલેન્સ શીટ મળી આવી હતી. જેમાં અવેલેબલ બેલેન્સ ૧.૩૯ કરોડ રૂપિયા હતું. જ્યારે અન્ય એક મોબાઇલ ફોનના સટ્ટા આઇડીમાં ૫૦ લાખ રૂપિયાની બેલેન્સ શીટ હતી અને ૧૫ લાખ અવેલેબલ બેલેન્સ હતું. જે આઇડી તેણે કપીલ બાલોતરાને રૂપિયા ૩૦ લાખમાં વેચાણે આપ્યું હતું. જ્યારે ૨૫ લાખ અને ૩૦ લાખની બેલેન્સ ધરાવતા અન્ય બે આઇડી પણ મળી આવ્યા હતા. આમ, કુલ ૨૧.૩૦ કરોડ રૂપિયાના બેલેન્સ ધરાવતા આઇડી મળી આવ્યા હતા. જેના દ્વારા પ્રતિદિન મોટા પ્રમાણમાં સટ્ટા બેટિંગ રમાડવામાં આવતું હતું.આ ઉપરાંત, પોલીસને રૂપિયા દોઢ કરોડની કિંમતની પોર્શે કાર મળી આવી હતી. જે તેને સટ્ટા બેટિંગના નાણાંથી ખરીદી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. સટ્ટા બેટિંગના કરોડોના નાણાંકીય વ્યવહાર કેટલીક આંગડિયા પેઢી દ્વારા કરવામાં આવતા હોવાની યાદી પણ પોલીસે જપ્ત કરી છે. આ અંગે સીઆઇડી ક્રાઇમે પ્રવિણ જૈન સહિત તેની સાથે સંકળાયેલા આઠ બુકીઓ વિરૂદ્વ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.