૧૫ એજન્ટોએ એક કરોડ સુધીની રકમ લઇને ૬૬ ગુજરાતીઓને મોકલ્યા હતા

ગેરકાયદેસર અમેરિકા જતા ઝડપાઇ જવાનો મામલો

પાસપોર્ટમાં વિઝા સ્ટેમ્પ વિના જ નિકારાગુઆ જતા હોવાથી પોલીસના હાથે ઝડપાયા હતાઃ ટ્રમ્પ વોલ ક્રોસ કરવાના એક હજાર ડોલરનો ચાર્જ નક્કી થયો હતો

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
૧૫  એજન્ટોએ  એક કરોડ સુધીની રકમ લઇને ૬૬ ગુજરાતીઓને  મોકલ્યા હતા 1 - image

,મંગળવાર

દુબઇથી ગેરકાયદેસર રીતે ફ્લાઇટ ભાડે કરીને જતા ૨૬૦ ભારતીયો સાથે ૩૦૦ જેટલા લોકોને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ફ્યુલ પુરાવતા સમયે સ્થાનિક પોલીસે શંકાને આધારે ઝડપી લીધા હતા. આ ૨૬૦ ભારતીયો પૈકી ૬૬  જેટલા ગુજરાતીઓ હોવાનું જાણવા મળ્યું હતું. કબુતરબાજીના ગુજરાતના સૌથી મોટા કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં તમામ ગુજરાતીઓની પુછપરછમાં ૧૫ એજન્ટોના નામ ખુલ્યા છે. જેમણે વ્યક્તિ  ૮૦ લાખથી એક કરોડની ડીલ નક્કી કરવામાં આવી હતી. જો  કે પ્રાથમિક તપાસમાં તમામ લોકોના પાસપોર્ટ દુબઇથી નિકારાગુઆ જવા માટેનો વિઝા સ્ટેમ્પ ન મળતા આ આતંરરાષ્ટ્રીય કોભાંડમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. ગત ૨૨ ડિસેમ્બરના રોજ દુબઇથી નિકારાગુઆ જતી ફ્લાઇટ ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ફ્યુલ માટે ઉતરી તે સમયે ફ્રાંસ પોલીસે  શંકાને આધારે પેસેન્જરોના પાસપોર્ટ તપાસ્યા ત્યારે  પાસપોર્ટમાં નિકારાગુઆ જવાના વિઝા સ્ટેમ્પ ન જોવા મળતા ફ્લાઇટમાં રહેતા ૩૦૩ જેટલા લોકોની અટકાયત કરી હતી. જે ગેરકાયદેસર રીતે મેક્સિકો બોર્ડરથી અમેરિકા જતા હતા.જેમાં ૨૬૦ ભારતીય પેસેન્જરો હતો. જે પૈકી ૬૬ લોકો ગુજરાતીઓ હતા. જેમાં કેટલાંક સગીર પણ હતા. આ તમામ મુસાફરો મહેસાણા, આણંદ,ગાંધીનગર  અને અમદાવાદના રહેવાસી હતા.  ગુજરાતના સૌથી મોટા કબુતરબાજીની કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં તમામ ૬૬ મુસાફરોના નિવેદનો નોંધવાની સાથે તેમના સગાઓ અને મિત્રોની પણ પુછપરછ કરવામાં આવતા સીઆઇડી  ક્રાઇમને  ૧૫ એજન્ટોના નામ અને મોબાઇલ નંબર મળ્યા હતા. ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે એજન્ટોએ ૮૦ લાખથી એક કરોડની રકમ નક્કી કરી હતી.  એક કરોડની પેકેજમાં મેક્સિકો-અમેરિકા બોર્ડર પરથી ટ્રમ્પ વોલ ક્રોસ કરવા દેવાની  ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલાંક એજન્ટોએ નિકારાગુઆથી મેક્સિકો જવા માટે વિવિધ સુવિદ્યાઓ આપવા માટે એક હજાર ડોલરથી ત્રણ હજાર ડોલર સુધીની રકમ નક્કી થઇ હતી. આ અંગે માહિતી આપતા સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી સંજય ખરાતે જણાવ્યું કે  ૬૬ ગુજરાતીઓ અમદાવાદ, મુંબઇ અને દિલ્હીથી  ૧૦ ડિસેમ્બરથી ૨૦ ડિસેમ્બર દરમિયાન દુબઇ પહોંચ્યા હતા. બાદમાં ૨૧મી ડિસેમ્બર લિજેન્ડ એરલાઇન્સની ફ્લાઇટમાં નિકારાગુઆ જવા માટે નીકળ્યા હતા. જો કે પાસપોર્ટમાં વિઝાના સ્ટેમ્પ ન હોવાથી ટિકિટની વ્યવસ્થા કઇ રીતે કરવામાં આવી હતી? આ ફ્લાઇટ કોણે બુક કરાવી હતી? આ તમામ વિગતો દુબઇથી મેળવવા માટે સીબીઆઇનો સંપર્ક કરાયો છે. ૬૬ મુસાફરોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  મોટાભાગના ધોરણ ૮થી ૧૨ સુધી ભણેલા છે. જેના કારણે સારા પગારની નોકરી ન મળતા  ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું.    બીજી તરફ તમામ ૧૫ એજન્ટો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમને ઝડપી લેવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.ત્યારે તમામની ધરપકડ બાદ અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.


Google NewsGoogle News