Get The App

મંદિર બનાવવાના નામે 1.76 કરોડની છેતરપિંડી, વડતાલ સ્વામિનારાયણ સાધુઓ સામે વધુ એક ગુનો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
મંદિર બનાવવાના નામે 1.76 કરોડની છેતરપિંડી, વડતાલ સ્વામિનારાયણ સાધુઓ સામે વધુ એક ગુનો 1 - image


Complaint Against Vadtal Swaminarayan Sadhus: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર બનાવવાનું હોવાના નામે મળતિયાઓ અને ખેડૂતો સાથે મળીને કરોડો રૂપિયાની જમીન ખરીદી માટે અન્ય વ્યક્તિઓ પાસે કરોડોની રોકાણ કરાવીને છેતરપિંડી આચરવાના મામલે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદમાં જમીન લે-વેંચનું કામ કરતા બે વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને બાયડના લીંબ ગામમાં સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવાના નામે 1.76 કરોડ રૂપિયા પડાવવાના મામલે સીઆઇડી ક્રાઈમ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સાધુ, ખેડૂત અને મળતિયાઓ સહિત 8 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદમાં સોલા સાયન્સ સીટી રોડ પર રહેતા ઘનશ્યામસિંહ વાઘેલા ભાગીદાર દિલીપ પટેલ વટવામાં જમીન-વેચની ઓફિસ ધરાવે છે. ડિસેમ્બર 2023માં તેમની ઓફિસ પર સુરતના સુરેશ ઘોરી અને લાલજી ઢોલા આવ્યા હતા. તેમણે ઘનશ્યામસિંહને જણાવ્યું હતું બંને જણા સુરતમાં જમીન-વેચનું કામ કરે છે. વડતાલ સ્વામિનારાયણ સંસ્થાને પોઈચા જેવું ભવ્ય મંદિર અને ગૌશાળા બનાવવા માટે 500થી 700 વિઘા જમીનની જરૂર છે. પરંતુ સાધુ ખેડૂતો પાસેથી સીધી જમીન ખરીદતા નથી. જેથી જો તમે રોકાણ કરશો તો ફાયદો થશે. આ માટે આણંદના ચિખોદરા ખાતે દેવ પ્રકાશ ઉર્ફે ડી.પી. સ્વામીની ગૌશાળા પર મળીને ડીલ કરીએ.

ઘનશ્યામસિંહ વાઘેલા ભાગીદાર દિલીપ પટેલ સુરતથી આવેલી બે વ્યક્તિઓ સાથે આણંદ ગયા હતા. જ્યાં તેમની મુલાકાત દેવ પ્રકાશ સ્વામી, માધવપ્રિય સ્વામી, વિજય પ્રકાશ સ્વામી અને જય કૃષ્ણ સ્વામી સાથે થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે, ' અમે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીના શિષ્ય છે. અમારે બાયડ પાસે આવેલા લીંબ અને માથાસુરિયા ગામમાં મોટું મંદિર ગૌશાળા બનાવવાની છે. જર્મીન તમે ખરીદીને અમને આપશો એટલે દુબઈથી 5 કરોડ રૂપિયાનું દાન આવશે. તે તમને આપીને સંસ્થા તમારી પાસેથી જમીન લઈને મંદિર બનાવશે.' આ વાતોથી ઘનશ્યામસિંહને વિશ્વાસ આવ્યો હતો. તેમણે દહેગામ ભૂપેન્દ્ર પટેલ અને બાયડના વિજયસિંહ ચૌહાણ પાસેથી જમીન ખરીદી અંગેનો સમજૂતી કરાર કરીને 1.11 કરોડ રૂપિયા ચુકવી આપ્યા હતા.

સુરતના સુરેશ ઘોરી અને લાલજી ઢોલા કહ્યું હતું કે. 'સમજુતી કરાર બતાવશો એટલે સ્વામી તમને 5 કરોડ રૂપિયા રોકડા આપશે. જેની જમીન તમારા નાખે ખરીદી લેજો.' આ દરમિયાન મિંટીગ કરતા ડી.પી. સ્વામી અને વી.પી. સ્વામીએ ઘનશ્યામસિંહને 21 લાખ રોકડા આપીને અસલી સમજુતી કરારની કોપી લઇ લીધી હતી. આ દરમિયાન ખેડૂતોઓ ઘનશ્યામસિંહ પાસે નાણાંની માંગણી ચાલુ રાખતા તેમણે 40 લાખ રૂપિયા ચુકવી આપ્યા હતા. બીજી તરફ સ્વામીઓને નાણાં લેવા માટે દુબઈ જવુ પડશે. ઘનશ્યામસિંહ સ્વામી અને સુરતથી આવેલા બંને દલાલોની દુબઈની ટિકીટ કરી આપી હતી, બે દિવસ બાદ તે પરત આવ્યા હતા.

13મી ફેબ્રુઆરીએ ડી.પી. સ્વામી, લાલજી અને સુરેશે ઘનશ્યામસિંહને બોલાવીને તેમની મુલાકાત એક મહિલા અને અન્ય બે વ્યક્તિઓ સાથે કરાવી હતી. આ બંને વ્યક્તિ 5 કરોડના દાતા હોવા તરીકે ઓળખ આપી હતી. પરંતુ તે મુસ્લિમ હોવાનું કહેતા ઘનશ્યામસિંહને શંકા ઉપજી હતી. ત્યારે સ્વામીએ કહ્યું હતું કે, 'જમીનના સોદામાં 250 વિઘા જમીન પર મંદિર અને બાકીની 250 વિઘા જમીન પર લિથેનીયમ બેટરીનો પ્લાન્ટ તૈયાર કરશે.' આ દરમિયાન લાલજી અને સુરેશે કહ્યું હતું કે, 'દાનની રકમ આરબીઆઈ પ્રોસેસથી આવશે. તે પહેલા એક કરોડ ખેડૂતોને આપવાના છે. પરંતુ ઘનશ્યામસિંહ પાસે વ્યવસ્થા ન હોવાથી તેમણે માત્ર 25 લાખ રૂપિયા આપ્યા હતા.

સ્વામીઓની હરકત શંકાસ્પદ જણાતા તેમણે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, વિજયસિંહ ચૌહાણ અને ભુપેન્દ્ર પટેલે કોઈ ખેડૂતો પાસેથી જમીન ખરીદી નથી અને તે માત્ર નાણાં પડાવવા માટે સાધુ સાથેની ગેંગમાં કામ કરતા હતા. બીજી તરફ ઘનશ્યામસિંહને જાણવા મળ્યું હતું કે આ ગેંગ દ્વારા ગુજરાતમાં આણંદ, વિરમગામ, અમદાવાદ, નડિયાદ અને સુરત સહિતના વિસ્તારોમાં ગુનો આચરવામાં આવ્યા હતા. જેના આધારે તેમણે સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરીને ગુનો નોંધાવતા પોલીસે વડતાલ સ્વામીનારાયણ સંસ્થાના ચાર સાધુ સહિત 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. 

મંદિર બનાવવાના નામે 1.76 કરોડની છેતરપિંડી, વડતાલ સ્વામિનારાયણ સાધુઓ સામે વધુ એક ગુનો 2 - image


Google NewsGoogle News