અમદાવાદમાં ત્રણ ડમી એકાઉન્ટમાંથી રૂ.૮૯ કરોડના આર્થિક વ્યવહાર કરાયા

યુ ટયુબ ચેનલ સબ સ્ક્રાઇબ કરવાના નામે થતી કરોડોની છેતરપિંડી

અમદાવાદથી ત્રણ એકાઉન્ટનું સંચાલન કરતા યુવકની સીઆઇડી ક્રાઇમ દ્વારા ઝડપી લેવાયોઃ સીઆઇડી ક્રાઇમના સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરાઇ

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં ત્રણ ડમી એકાઉન્ટમાંથી રૂ.૮૯ કરોડના આર્થિક વ્યવહાર કરાયા 1 - image

અમદાવાદ,શનિવાર

યુ ટયુબની ચેનલ સબસ્ક્રાઇબ કરીને તેને લાઇક કરવાના ટાસ્ક પૂર્ણ કરવાના બદલામાં નાણાં કમાવવાની લાલચ આપીને છેતરપિંડી કરવાના કેસમાં ગુજરાત સીઆઇડી સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં આ ગેંગના અમદાવાદ સ્થિત સાગરિત દ્વારા ત્રણ ડમી એકાઉન્ટ ખોલીને છેતરપિંડીના નાણાં  જમા કરાવવામાં આવતા હતા. ફ્રીઝ કરવામાં આવેલા ત્રણેય એકાઉન્ટની પોલીસે તપાસ કરતા  ૮૯ કરોડ રૂપિયા ઉપરાંતના આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા હતા. જે અગે સીઆઇડી ક્રાઇમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં ઓનલાઇન નાણાંકીય છેતરપિંડીનો ભોગ બનતા લોકો ૧૯૩૦ પર કોલ કરતા હોય છે. જેના આધારે શંકાસ્પદ બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવતા હોય છે.ગત ૧૪મી માર્ચના રોજ એક વ્યક્તિએ ૧૯૩૦ પર કોલ કરીને તેની સાથે યુ ટયુબ પર વિડીયો લાઇક કરવાના નામે રૂપિયા ૧.૯૨ લાખની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ કરી હતી. જેથી તેના બેંક એકાઉન્ટમાંથી અન્ય બેંક એકાઉન્ટમાં થયેલા આર્થિક વ્યવહારો તપાસીને જે એકાઉન્ટમાં નાણાં જમા થયા હતા. તેને  ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. બાદમાં તપાસ કરતા આ એકાઉન્ટ  શ્રી એન્ટરપ્રાઇઝ લો  ગાર્ડન ખાતેની ઇક્વીટાસ બેંકનું હતું. જેના કેવાયસીને આધારે કંપની માલિક તપાસ કરતા તેમના નામ સંજય પટણી (રહે.બાપુનગર) અને  ગેમરજી ઠાકોરના હોવાનું જાણવા મળતા તેમની પુછપરછ કરવામાં આવી હતી. જો કે તે આ બેંક એકાઉન્ટ અંગે અજાણ હતા પરંતુ, પરાગ ગોખે નામના વ્યક્તિએ તેમની પાસેથી કેવાયસી મંગાવ્યા હતા અને બેંક એકાઉન્ટનું સંચાલન સુજલ પટેલ નામનોે વ્યક્તિ કરતો હતો.  જેના આધારે રાણીપમાં આવેલી નૈમિનાથ સોસાયટી વિભાગ-૧માં રહેતા સુજલ બાબુભાઇ પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો. જે બાદ તેની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે વોટ્સએપથી કમલ ઉદેપુર ઉર્ફે સુનીલ મલકાની નામના વ્યક્તિના સંપર્કમાં હતો. તેને બેંક એકાઉન્ટ પુરા પાડવાના અને સંચાલન કરવા બદલ એક લાખના આર્થિક વ્યવહાર સામે ૧૦૦ રૂપિયાનું કમિશન આપવામાં આવતું હતું.

બાદમાં સઘન પુછપરછમાં જાણવા મળ્યું હતું કે સુજલ પટેલે પંચવટી પાસે આરબીએલ બેંકમા ફાલ્કન એન્ટરપ્રાઇઝના ડમી એકાઉન્ટથી માત્ર ચાર મહિનામાં ૪૭. ૪૭ કરોડ રૂપિયાના આર્થિક વ્યવહાર કર્યા હતા. જ્યારે આઇડીએફસીમાં દ્વારકેશ એન્ટરપ્રાઇઝના નામે ખોલેલા એકાઉન્ટમાંથી ૨૮.૯૨ કરોડના અને શ્રી એન્ટરરપ્રાઇઝમાંથી રૂપિયા ૧૩.૭૦ કરોડના આર્થિક વ્યવહારો કર્યા હતા. જે તમામ એકાઉન્ટના નાણાં આરટીજીએસથી અન્ય એકાઉન્ટમા ંટ્રાન્સફર થતા હતા.  આમ, સુજલ પટેલની પુછપરછમાં અત્યાર સુધીનો મોટો ખુલાસો થયો છે. જે અંગે સીઆઇડી ક્રાઇમના સાયબર સેલ દ્વારા બિશ્વાસ ગારમેન્ટ અને ટ્રેડીગ દિલ્હી, સુજલ પટેલ,સુનિલ મકલાની અને રાજકોટના કાલાવડ રોડ પરના પંચનાથ કોમ્પ્લેક્સમાં રહેતા નિરવ ધાનક વિરૂદ્વ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News