વડોદરામાં શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ થતાની સાથે જ સવારે ધોધમાર વરસાદ શરૂ થતાં શાળા દ્વારા બાળકોને છોડી મુકાયા
image : Filephoto
Vadodara Rain Update : વડોદરા શહેરમાં પાંચ દિવસ અગાઉ દિવસ દરમિયાન ખાબકેલા ભારે વરસાદના કારણે ઠેક ઠેકાણે અને જાહેર રોડ-રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. મોડી રાતથી જ શરૂ થયેલા વરસાદ છતાં શહેરની તમામ સ્કૂલોનું શૈક્ષણિક કાર્ય ચાલુ હતું. જેથી વાલીઓએ પોતપોતાના બાળકોને શાળાએ મોકલ્યા હતા. પરંતુ માત્ર એક દોઢ કલાકમાં જ શહેરની મોટાભાગની તમામ શાળા તંત્ર દ્વારા વાલીઓને પોતપોતાના બાળકોને સહી સલામત રીતે લઈ જવા માટે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સતત ત્રણ દિવસ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું.
આજે સોમવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ફરી એકવાર શરૂ થયો હતો. જેથી તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પુનઃ ધમધમતું થાય એ અગાઉ જ શહેરની મોટાભાગની શાળા તંત્ર દ્વારા બાળકોને ફરી એકવાર સહી સલામત રીતે પરત લઈ જવા બાબતે જણાવવામાં આવ્યું હતું. આમ પાંચ દિવસ જેવું મીની વેકેશન મળી જતા બાળકોમાં ખુશી વ્યાપી હતી. જોકે તાજેતરની વરસાદી મોસમના કારણે શહેરની કેટલીક સ્કૂલના બાળકોને ફરી એકવાર ઓનલાઇન ભણાવવાનો શાળા તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આમ બાળકોને મોબાઈલ ફોન નથી દૂર રાખવાની વાતનો છેદ ઉડી ગયો છે.