મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ ચિત્તાનો વસવાટ શક્ય છે, પ્રયાસ તેજ કરવા જોઇએ
પાડોશી રાજ્યમાં ચિત્તો નવેમ્બરમાં આવશે
કેન્દ્રએ પણ ગુજરાતને ચિત્તાના વસવાટ માટે અનુકૂળ જગ્યા તપાસવાનો આદેશ આપ્યો હતો છતાં કોઇ કાર્યવાહી થઇ નથી
ગાંધીનગર : ગુજરાતના એશિયાટીક લાયન વિશ્વભરમાં મશહૂર બન્યા છે ત્યારે ભારત સરકારના પ્રયાસથી લુપ્ત થયેલા ચિત્તાનો વસવાટ શક્ય બને તે માટે એક પ્રોજેક્ટ મંજૂરીના તબક્કે હતો પરંતુ તેમાં વિલંબ થઇ રહ્યો છે.
વન વિભાગ માને છે કે ચિત્તા માટેનું હેબિટાટ્સ છેલ્લું કચ્છના બન્નીના રણમાં જોવા મળ્યું હતું, જેને ફરીથી ચિત્તા માટે તૈયાર કરી શકાય તેમ છે. ચિત્તાની મોટાભાગની વસતી આફ્રિકાના છ દેશોમાં છે જેમાં ઝિમ્બાબ્વેમાં બે દાયકા પહેલાં 1200 ચિત્તા હતા, આજે પોણા બસો જેટલા છે. સમગ્ર વિશ્વમાં ચિત્તાની વસતી 7100 ની છે.
યુપીએની સરકારમાં છેલ્લે 2009માં જયરામ રમેશે આ પ્રોજેક્ટની વિચારણા કરી હતી અને હવે મોદી સરકારે તેને અનુમોદન આપ્યું છે. ભારત સરકારે ચિત્તાના વસવાસ માટે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢની પસંદગી કરી છે. આ પાંચ રાજ્યોમાં 10 એવી સાઇટ્સ છે જ્યાં પુનવસવાટ શક્ય છે.
વન અધિકારીના જણાવ્યા પ્રમાણે ભારતમાં મધ્યપ્રદેશના કુનો-પાલપુર, નૌરાદેહી, તામિલનાડુના મોયાર, રાજસ્થાનના તાલ છાપર, શાહગઢ, ગુજરાતમાં વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા વસાવી શકાય તેમ છે.
ધ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા એન્ડ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ એક રિપોર્ટમાં નોંધ્યું છે કે ચિત્તાને ભારતમાં લાવવા માટે ગુજરાતના કચ્છનો બન્ની વિસ્તાર એક ઉત્તમ જગ્યા છે, જ્યાં ચિત્તાને મોકળું મેદાન મળી રહે તેમ છે, જો કે ધ નેશનલ ટાઇગર કન્ઝર્વેટિવ ઓથોરિટીએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જગ્યાઓ બતાવી હતી. આ સમયે ગુજરાત સરકાર તેનો દાવો રજૂ કરી શકી ન હતી. આ રિપોર્ટમાં બન્નીનો ઉલ્લેખ ન હતો, જ્યારે આ બન્નીમાં એક સમયે 50 ચિત્તા મોજૂદ હતા.
રાજ્યના વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ચિત્તાને ઘાસના મેદાન પસંદ પડે છે અને તેના માટે બન્નીના ધાસિયા મેદાન શ્રેષ્ઠ છે. આ ઉપરાંત કાળા ડુંગર વિસ્તારમાં જરખની વસતી સારી છે.
હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રમાં દરખાસ્ત કરે તો કેન્દ્ર સરકાર ચિત્તાને વસાવવા માટે ગુજરાતના કચ્છનો ઉલ્લેખ કરી ભારત બહારથી ચિત્તા લાવી શકે તેમ છે. કોલ્હાપુરના મહારાજાએ 1937માં આફ્રિકાથી 10 હજાર પાઉન્ડ ખર્ચીને શિકાર માટે ચિત્તા આયાત કર્યા હતા.
પછીના પાંચ વર્ષ સુધી ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને અન્ય કેટલાક વિસ્તારોમાં ચિત્તા જોવા મળતા હતા પરંતુ પુરાવા નહીં મળતાં 1952માં ચિત્તા ભારતમાંથી નષ્ટ થયાં છે તેવું ભારત સરકારે જાહેર કર્યું હતું. ભારતમાં 1970થી વારંવાર ચિત્તાને ફરીથી વસાવવાના પ્રસ્તાવો થયાં છે પરંતુ સરકાર તૈયાર થઇ નથી. સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્રને અગાઉ એવી મંજૂરી આપી છે કે જ્યાં પણ વસવાટ યોગ્ય લાગે ત્યાં ચિત્તાને વસાવવા જોઇએ.
ચિત્તાની ઝડપ કલાકના 120 કિમીની હોય છે
ચિત્તો એ બિલાડી કુળનું અનોખું પ્રાણી છે, જે ધરતી પરનું સૌથી વધુ ઝડપથી દોડી શકે છે. ચિત્તાની ઝડપ કલાકના 112 થી 120 કિલોમીટરની હોય છે. આ ઝડપે તે 460 મીટરનું અંતર કાપી શકે છે. માત્ર ત્રણ સેકન્ડમાં શૂન્યથી 110 કિલોમીટરની વેગ પકડી શકે છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ચિત્તાનું આયુષ્ય 12 વર્ષનું હોય છે. 20 થી 23 મહિનામાં તે પુખ્ત બની જાય છે.
ચિત્તાના વસવાટ માટે મધ્યપ્રદેશ અગ્રેસર છે...
દુનિયામાં સૌથી તેજ દોડનારા ચિત્તા 71 વર્ષ પછી ભારતના જંગલોમાં ફરતા જોવા મળી શકે તેમ છે, કારણ કે લાંબા સમયથી ચાલતા પ્રયાસોને આ વર્ષે નવેમ્બરમાં આ જાનવર મળશે. મધ્યપ્રદેશના વનમંત્રી વિજય શાહે કહ્યું છે કે પ્રાયોગિક ધોરણે આફ્રિકાથી ચિત્તાને ભારત લાવવામાં આવશે. આ માટે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારની મંજૂરી પણ મળી ગઇ છે. આ ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં રખાશે. આઝાદી પહેલાં ભારતમાં ચિત્તાનું ઘર હતું પરંતુ વધતા જતા શિકાર અને ઘટતા જતાં જંગલોના કારણે 1947માં છત્તીસગઢમાં છેલ્લા ચિત્તાએ દમ તોડી નાંખ્યો હતો. ગુજરાતમાં આ દિશામાં નક્કર પ્રગતિ જોવા મળતી નથી.