બોગસ પુરાવા આપી બે દિવસ સેલ્ફ ડ્રાઇવ માટે આપવાનું કહી ગઠિયો કાર લઇને ફરાર
image : Freepik
વડોદરા,તા.27 માર્ચ 2024,બુધવાર
કાર સેલ્ફ ડ્રાઇવ માટે આપવાનુ કહીને એક ગઠિયાએ ડુપ્લિકેટ પાનકાર્ડ, આધારકાર્ડ અને લાઇસન્સ બતાવ્યા હતા. ત્યારબાદ કાર બે દિવસ માટે લઇ ગયા બાદ પરત નહી આપીને ફરાર થઇ ગયો હતો. છેલ્લુ લોકેશન પણ બાડમેર રાજસ્થાન બતાવ્યું હતું. ત્યારબાદ જીપીએસ પણ ગઠિયાએ બંધ કરી દીધુ હતું. જેથી કાર લઇ જનાર શખ્સ સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સબગીરી સોસાયટીમાં રહેતા આયુષ રવિકુમાર ગુપ્તા શ્રીરાજ કેબ્સમાં સેલ્ફ ડ્રાઇવનો છેલ્લા સાત વર્ષથી નોકરી કરે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત 6 માર્ચના રોજ એક શખ્સ હરણી એરપોર્ટ અરવાઇડ ગેટ ખાતેના અમારા કાઉન્ટર પર આવ્યો હતો અને પંદર દિવસ માટે કાર ભાડે આપવા કહ્યું હતું. ત્યારે એડવાન્સ ભાડુ માગતા તેણે હમણા કારે આપો બે દિવસ બાદ એક્સટેન્સ કરાવી ત્યારે સાથે ભાડે આપી દઇશુ કહ્યું હતું. તેની પાસે આધારકાર્ડ અને પાનકાર્ડ માગગતા માત્ર આધારકાર્ડ આપ્યું હતું. જેના પર તેનું નામ પરમાર જીતસિંહ ધનાભાઇ (રહે. ભાણપુરા પંચમહાલ) હતું. ત્યારબાદ તેની પાસે કાર ભાડાના 5 હજાર ઓનલાઇન શ્રીરાજ કેબ્સના ખાતામાં જમા કરાવ્યા હતા. જેથી તેને બે દિવસ માટે કાર સેલ્ફ ડ્રાઇવ માટે આપી હતી. 7 માર્ચના રોજ એક્સટેન્શ માટે બાકીના રૂપિયા જમા કરાવવા માટે કહ્યું ત્યારે એક કલાકમાં તમારા ખાતામાં જમા કરાવવા જણાવ્યું હતું. પરંતુ રૂપિયા જમા નહી થતા તેને ફોન કરતા ઉપાડ્યો ન હતો અને થોડી વાર સ્વિચ ઓફ આવતો હતો. જીપીએસ ટ્રેક કરતા છેલ્લુ લોકેશન બાડમેર રાજસ્થાન બતાવતું હતું. જેથી અમારા માલિકે તપાસ કરતા આધારકાર્ડ તથા પાનકાર્ડ અને લાઇસન્સ પણ ડુપ્લિકેટ હોવાનુ માલૂમ પડ્યુ હતું. જેથી કારે ભાડે લેવા આવેલો શખ્સ ખોટા આધાર અને પાન કાર્ડ બતાવી કાર લઇને ગયા બાદ પરત નહી આપી છેતરપિંડી આચરી છે.