ચાર લાખ રૂપિયાના ધિરાણની સામે ૪૦ લાખનું લખાણ કરાવી કેસની ધમકી આપી
ચાંદખેડામાં રહેતા યુવકે ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી
અન્ય વ્યાજખોરે ૪૦ લાખની ધિરાણની સામે ૯૫ લાખ વસુલ્યા બાદ રૂપિયા ૧.૨૦ કરોડની ઉઘરાણી કાઢી પરિવારનું જીવવાનું દુષ્કર બનાવી દીધું
અમદાવાદ,મંગળવાર
શહેરના ચાંદખેડામાં રહેતા અને ટેક્ષી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને માતાની માંદગી અને ધંધાકીય કારણસર ગેરકાયદેસર રીતે વ્યાજે નાણાં આપતા લોકો પાસેથી નાણાં લેવાનું ભારે પડયું હતું. જેમાં બાપુનગરમાં રહેતા બે ભાઇઓ પાસેથી ચાર લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે બંને જણાએ યુવકને ધમકી આપીને ૪૦ લાખનું લખાણ કરાવીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. જ્યારે અન્ય વ્યક્તિ પાસેથી લીધેલા ૪૦ લાખ રૂપિયાની સામે ૯૫ લાખ જેટલા નાણાંની ચુકવણી કર્યા બાદ રૂપિયા ૧.૨૦ કરોડની ઉઘરાણી બાકી હોવાનું કહીને નાણાંની માગણી કરવામાં આવી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. શહેરના ચાંદખેડામાં આવેલા કળશ ફ્લેટમાં રહેતા હિતેશભાઇ પરમાર ડ્રાઇવીંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ ૨૦૨૧માં હિતેશભાઇના માતાને કેન્સર થતા સારવાર માટે તરૂણ તિવારી અને તેના ભાઇ કૃણાલ તિવારી (બંને રહે. બાપુનગર) પાસેથી ૧૦ ટકા વ્યાજે ટુકડે ટુકડે કુલ ચાર લાખ રૂપિયા લીધા હતા. જો કે કોઇ કારણસર તે નાણાં ચુકવી શક્યા નહોતા. જેથી નવ મહિના પહેલા તેમણે હિતેશભાઇ સાથે દાદાગીરીનેે બાપુનગરમાં એક વકીલની ઓફિસ પર બોલાવીને બળજબરીપૂર્વક ચાર લાખની સામે ૪૦ લાખનું લખાણ કરાવીને બેંકના સાત કોરા ચેક લઇ લીધા હતા અને ચેક રિટર્ન કરાવીને કોર્ટ કેસ કરવાની ધમકી આપી હતી. આ સમયે સતત ધમકી મળતા હિતેશભાઇને પરિવાર સાથે ઘર છોડવાનો વારો આવ્યો હતો. આ સમયગાળામાં જ અજય શાંખલા (રહે. સોદર્ય એપાર્ટમેન્ટ, ચાંદખેડા) પાસેથી નાણાંકીય તકલીફના કારણે ૪૦ લાખ જેટલી રકમ લીધી હતી. જેમાં તેણે માસિક ૧૦ લેખે વ્યાજ માંગ્યું હતું. તેની સામે હિતેશભાઇએ પોતાનું મકાન વેચીને રૂપિયા ૨૧ લાખ તેમજ મિત્રો અને સગા સંબધી પાસેથી નાણાં લઇને કુલ ૯૫ લાખ જેટલી રકમ અજય શાંખલાને ચુકવી આપી હતી. તેમ છતાંય, અજય શાંખલાએ હજુ ૧.૨૦ કરોડ રૂપિયા બાકી હોવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ અંગે હિતેશભાઇએ ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.