નારણપુરા ચાંદખેડામાં પાર્કિગમાથી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો
પોલીસથી બચવા પ્રેસનો લોગો લગાવ્યો હતો
નારણપુરામાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતો બુટલેગર કારમાં દારૂ છુપાવીને સ્થાનિક વિસ્તારમાં સપ્લાય કરતો હતો
અમદાવાદ,રવિવાર
શહેરના નારણપુરા અને ચાંદખેડા વિસ્તારમાંથી પીસીબી તેમજ સ્થાનિક પોલીસે દરોડો પાડીને ૮૭૦ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જેમાં પીસીબીના સ્ટાફે નારણપુરા શાસ્ત્રીનગરના મુખ્યમંત્રી આવાસના પાર્કિંગમાં એક કારમાથી દારૂ જપ્ત કર્યો હતો.ં આ ઉપરાંત, ચાંદખેડા પોલીસે સંકલ્પ ગ્રીન એપાર્ટમેન્ટના પાર્કિગમાં બે ગાડીઓમાં છુપાવવામાં આવેલો વિદેશી દારૂ-બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો.પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી ચૌધરી અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે નારણપુરા શાસ્ત્રીનગરમાં આવેલા સરદાર પટેલ નગર (મુખ્યમંત્રી આવાસ યોજના) ના પી બ્લોકમાં એક કારમાં દારૂનો જથ્થો છુપાવીને સ્થાનિક યુવક ગ્રાહકોને સપ્લાય કરે છે. જે બાતમીને આધારે તપાસ કરતા કારમાંથી તપાસ કરતા ૪૦૦ બોટલ દારૂ મળી આવ્યો હતો. આ અંગે નિખિલ વણજાણી (રહે. પી બ્લોક, સરદાર પટેલ નગર)ને ઝડપીને પુછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે રાજસ્થાનથી ભાવેશ નામના બુટલેગર પાસેથી દારૂ મંગાવીને કારમાં છુપાવતો હતો. સાથેસાથે તેણે કાર પર કભી કભી ન્યુઝ યુ ટયુબ ચેનલ અને વીકલી ન્યુઝ પેપર પ્રેસનો લોગો લગાવ્યો હતો. જેથી તે પોલીસને ગેરમાર્ગે દોરીને દારૂનો ધંધો કરતો હતો. આ અંગે પોલીસે કુલ સાડા આઠ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય બનાવમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ એન જી સોંલકી અને તેમના સ્ટાફે બાતમીને આધારે ચાંદખેડા રેલ્વે ક્રોસીંગ પાસે આવેલા સંકલ્પ ગ્રીન એપાર્ટમેન્ટના ઇ બ્લોકના પાર્કિગમાં દરોડો પાડીને બે ગાડીઓમાંથી ૫૭૫ બોટલ દારૂ-બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.