સ્પોર્ટસ કોમ્પલેકક્ષ ગુજરાત અને દેશની સ્પોર્ટસ ઈકો સિસ્ટમને મજબુત બનાવશે-અનુરાગ ઠાકુર
નારણપુરા ખાતે સ્પોર્ટસ કોમ્પલેકસનું ખાતમૂહુર્ત
દેશનું સ્પોર્ટસ માટેનું બજેટ ત્રણ હજાર કરોડે પહોંચ્યુ છે, આ સ્પોર્ટસ કોમ્પલેકક્ષનો લાભ લાખો રમતવીરોને થશે,ખેલમંત્રી
અમદાવાદ,રવિવાર,29
મે,2022
નારણપુરાના વરદાન ટાવર પાસેના પ્લોટમાં આંતરરાષ્ટ્રીય
સ્પોર્ટસ કોમ્પલેકસના ખાતમૂહુર્ત સમયે કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગસિંહ ઠાકુરે
કહ્યુ,આ સ્પોર્ટસ
કોમ્પલેકસ ગુજરાત અને દેશની સ્પોર્ટસ ઈકો સિસ્ટમને મજબુત બનાવશે.દેશનું સ્પોર્ટસ
બજેટ આજે ત્રણ હજાર કરોડ ઉપર પહોંચ્યુ છે.આ સ્પોર્ટસ કોમ્પલેક્ષના નિર્માણનો લાભ
લાખો રમતવીરોને થશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ આ સ્પોર્ટસ કોમ્પલેકસની
કામગીરી ત્રીસ મહિનામાં પુરી કરી લેવાશે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ બાદ હવે નારણપુરા
વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેકસનું નિર્માણ થવા જઈ રહ્યુ
છે.૬૩૨ કરોડના ખર્ચ સાથે તૈયાર થનારુ આ સ્પોર્ટસ કોમ્પલેકક્ષ વડાપ્રધાનની
દીર્ઘદ્રષ્ટીનું પરિણામ છે.સ્પોર્ટસ કોમ્પલેકક્ષના નિર્માણથી દેશના સ્પોર્ટસ
ઈન્ફ્રાસ્ટ્રકચરને વધુ મજબુતી મળશે એમ કેન્દ્રીય ખેલ મંત્રીએ કહ્યુ હતું.ગુજરાતના
કેટલાય ખેલાડીઓ ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં પોતાનું ખમીર બતાવી ચુકયા
છે.ભાવિનીબહેન પટેલ, સરિતા
ગાયકવાડ ઉપરાંત માના પટેલ તેમજ સોનલ પટેલ સહિતના અનેક ખેલાડીઓ ગુજરાતે દેશને આપ્યા
છે.આ સ્પોર્ટસ કોમ્પલેકક્ષ થકી લાખો રમતવીરોને લાભ થશે એમ પણ ખેલમંત્રીએ ઉમેર્યુ
હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ,આ સ્પોર્ટસ
કોમ્પલેકક્ષનું કામ ત્રીસ મહિનામાં પુરુ કરી લેવામાં આવશે.આ માટે હુ જાતે
મોનિટરીંગ કરીશ.વર્ષ-૨૦૧૯માં વડાપ્રધાનને જયારે આ સ્થળે આંતરરાષ્ટ્રીય સ્તરનું
સ્પોર્ટસ કોમ્પલેકક્ષ બનાવવા અંગે વાત કરી તો તેમણે ૫૦૦ કરોડની રકમ આપવા અંગે સંમતિ
આપી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ,ઓલિમ્પિક
કક્ષાની રમતોનું આયોજન થઈ શકે એ પ્રકારથી આ સ્પોર્ટસ કોમ્પલેકક્ષ તૈયાર કરવામાં
આવશે.વડાપ્રધાને વર્ષ-૨૦૧૦માં શરુ કરેલો ખેલ મહાકુંભ આજે રાષ્ટ્રીય અને
આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલો ઈન્ડિયા બની ગયો છે.રાજય સરકાર દ્વારા યુવાનો રમતગમતમાં
આગળ વધે એ હેતુથી નવી સ્પોર્ટસ પોલીસી લાવવામાં આવી હોવાનું તેમણે વધુમાં ઉમેર્યુ
હતું.