ભારત પાકિસ્તાનની મેચને લઈ ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોમાં IBનું એલર્ટ

કેટલાંક ભાંગફોડિયા તત્વો મેચ દરમિયાન સોશિયલ મિડીયાથી માંડીને અન્ય રીતે સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતિ ફેલાવી શકે છેઃ સેન્ટ્રલ આઇબી

એજન્સીઓના અધિકારીઓને સોશિયલ મિડીયા થતા મેસેજ પર નજર રાખવા સુચના

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
ભારત પાકિસ્તાનની મેચને લઈ ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોમાં IBનું એલર્ટ 1 - image

અમદાવાદ, સોમવાર

ભારત-પાકિસ્તાનની મેચના પહેલા ખાલિસ્તાની આતંકીઓની ધમકી અને લોરેન્સ બિશ્નોઇને છોડાવવાનું કહીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીને પગલે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઇ ગઇ છે. આ ઉપરાંત, ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી કોમી શાંતિને ડહોળતી ઘટનાઓને જોતા મેચ દરમિયાન અમદાવાદમાં જ નહી પણ ગુજરાતના વડોદરા, હિંમતનગરભરૂચ અને જુનાગઢ સહિતના શહેરોમાં કેટલાંક ભાંગફોડિયા તત્વો અશાંતિ સર્જી શકે છે. જે અનુસંધાનમાં સેન્ટ્રલ ઇન્ટેલીજન્સની ટીમ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે.જે અનુસંધાનમાં અન્ય ડીજીપી ઓફિસ દ્વારા ગુજરાતના તમામ શહેરોના પોલીસ વડાને તેમના જિલ્લા અને શહેરોમાં સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી બંદોબસ્ત ગોઠવવાની સમીક્ષા કરવા માટે જણાવાયું છે. ભારત પાકિસ્તાનની મેચ પહેલા એનઆઇએ દિલ્હીને એક ઇમેઇલ આવ્યો હતો . જેમાં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીને ટારગેટ કરવાની સાથે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આતંક ફેલાવવાની ધમકી આપવામાં આવી હતી. સાથે સાથે આ ઇમેઇલમાં લોરેન્સ બિશ્નોઇને છોડી મુકવાની સાથે રૂપિયા ૫૦૦ કરોડની ખંડણી પણ માંગવામાં આવી હતી. જે સંદર્ભમાં એનઆઇએની ટીમ પણ ગુજરાતમાં તપાસ કરી રહી છે અને એલર્ટ અપાયુ હતું. જે પહેલા ખાલિસ્તાનના આતંકી  ગુરૂપતવંતસિંહ પન્નુએ પણ ધમકી આપી હતી. આમ, મેચ પહેલા બે મોટી ધમકી મળી ચુકી છે. આ ઉપરાંત, હાલ ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી  કોમી એખલાસને નુકશાન પહોંચાડતી ઘટના બની રહી છે. તેમજ ભારત પાકિસ્તાનની મેચના બીજા દિવસે નવરાત્રીનો તહેવાર પણ શરૂ થવાનો છે. જેમાં કેટલાંક સંગઠનોએ વિધર્મી  યુવકોને ગરબા ન પ્રવેશ આપવા માટેની વાત કરી છે. ત્યારે ભારત પાકિસ્તાનની મેચને આધાર બનાવીને કેટલાંક તત્વો ગુજરાતમાં અશાંતિ ફેલાવી શકે છે. તેવુ એલર્ટ સેન્ટ્રલ આઇબી દ્વારા આપવામાં આવ્યું છે. જે અનુસંધાનમાં ગાંધીનગર ખાતે સ્ટેટ આઇબી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને બેઠક મળી હતી. જેમાં ગુજરાતના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પણ નજર રાખવા માટે જિલ્લા પોલીસ વડાને તાકીદથી જાણ કરવામાં આવી છે.  આ ઉપરાંતઅમદાવાદ સાયબર ક્રાઇમ અને ગુજરાતના અન્ય શહેરોમાં આવેલી એજન્સીઓના અધિકારીઓને સોશિયલ મિડીયા થતા મેસેજ પર નજર રાખવા અને આ સાથે સંકળાયેલા તત્વો સામે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.


Google NewsGoogle News