Get The App

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ પછી CCTV સર્વેલન્સનો યુગ આવ્યો

Updated: Feb 10th, 2022


Google NewsGoogle News
અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ પછી CCTV સર્વેલન્સનો યુગ આવ્યો 1 - image


આતંક પછી પોલીસના અડધો ડઝન જાહેરનામા 14 વર્ષમાં આવ્યાં

સિમકાર્ડ કે સાઈકલ ખરીદવા આઈડી અને નોંધણી ફરજિયાત : મોલ, માર્કેટ,  બગીચા, દુકાનો, પાર્કિંગ કોમ્પ્લેક્સ જેવા જાહેરસ્થળોએ કેમેરા

અમદાવાદ : ઘટના કે દુર્ઘટના કોઈને કોઈ બોધપાઠ આપી જાય છે. 14 વર્ષ પહેલાં વર્ષ 2008માં અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા પછી ફરી આવી ઘટના નિવારવા માટે પોલીસે એક પછી એક અડધો ડઝન જાહેરનામા અમલી બનાવ્યાં છે. સૌથી મોટો ફરક તો સીસીટીવી સર્વેલન્સ યુગથી આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિ. તંત્રએ સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ વિકસાવી છે. સાથોસાથ, ખાનગી એકમો માટે પણ સીસીટીવી ફરજિયાત બનાવાયાં છે. તો, સીમકાર્ડ કે સાઈકલ ખરીદવા આઈડી અને નોંધણી ફરજિયાત છે. તો ડ્રોન ઉડાડવવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયેલો છે. સુરક્ષા માટે જાહેરનામા પાલનમાં સ્વયંશિસ્ત ન દાખવે તેની સામે પગલાં લેવાય છે.

અમદાવાદમાં વર્ષ 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે બોમ્બ મુકીને સાઈકલો પાર્ક કરી દેવાઈ હતી. એલજી અને સિવિલ હોસ્પિટલ ખાતે મુંબઈથી ચોરેલી બે કારમાં બોમ્બ પ્લાન્ટ કરાયા હતા. બોમ્બ પ્લાન્ટ કરેલી સાઈકલો અમદાવાદથી ખરીદવામાં આવી હતી. આ પછી શહેરમાં સાઈકલ અને ટુ વ્હીલર ખરીદનાર વ્યક્તિના આઈડી કાર્ડ સહિતની વિગતો પૂરતી ચકાસણી કરીને રાખવા માટેના આદેશ કરતું જાહેરનામું અમલમાં છે.

શહેરના એસટીડી પીસીઓ તેમજ મોબાઈલ સીમકાર્ડ વેચનારાઓ માટે ગ્રાહકોની નોંધણી ફરજીયાત બનાવવામાં આવી છે. વર્ષ 2008થી અમલી જાહેરનામામાં જણાવાયું છે કે, ત્રાસવાદી અને અસામાજીક તત્વો ગુપ્ત આશરો મેળવી જાન-માલને નુકસાન પહોંચે તેવા ગુના આચરી નાસી છૂટે છે. આવા શખ્સો એકબીજાના સંપર્ક માટે મોબાઈલ ફોન અને એસટીડી પીસીઓનો ઉપયોગ કરતાં હોય છે.

આથી એસટીડી પીસીઓ પર ફોન કરવા આવતી વ્યક્તિનું નામ, સરનામું અને ઓળખ અંગેની નોંધણી ફરજિયાત છે. આ જ રીતે મોબાઈલ ફોનના સીમકાર્ડ ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખપત્ર અને રહેઠાણના દસ્તાવેજ બરાબર ચકાસી તેની ઝેરોક્સ રાખવી અને તેનું રજીસ્ટર રાખવાનું રહેશે. બન્ને વ્યવસાયમાં રેકર્ડ ત્રણ વર્ષ સુધી સાચવી રાખવાનું રહેશે તેમ જાહેરનામામાં સ્પષ્ટ કરાયું છે.

શહેરમાં જાહેર સૃથળોએ સીસીટીવી કેમેરા લગાવવા માટેનું જાહેરનામું અમલમાં છે. પોલીસ કમિશનરે જારી કરેલા જાહેરનામા અનુસાર, સીસીટીવી આતંકવાદી પ્રવૃત્તિઓ નિવારવા, ગુના શોધવા તેમજ ઈન્વેસ્ટિગેશનમાં ઉપયોગી અને મહત્વની કડીરૂપ બને છે.

જ્વેલર્સની દુકાનો, આંગડિયા પેઢી, સોપીંગ મોલ્, મલ્ટીપ્લેક્સ, કોમર્શિયલ સેન્ટર, થ્રી સ્ટાર ઉપરની હોટલો ઉપર સિક્યુરિટીને ધ્યાને લઈ પ્રવેશદ્વાર ઉપર સિક્યુરિટી ગાર્ડ, મેટલ ડીટેક્ટર અને સીસીટીવી કેમેરાની ગોઠવણ કરવી. 10થી વધુ સંખ્યામાં બેઠક ધરાવતા રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસ, લોજીંગ બોર્ડિંગ, ધર્મશાળા, અતિિથગૃહ, વિશ્રામગૃહ, પેટ્રોલ પમ્પ, ટોલ પ્લાઝા, બહુમાળી બિલ્ડીંગમાં પણ સીસીટીવી કેમેરા ફરજીયાત છે.

આ જગ્યાઓના પાર્કિંગ ભોયરૂં એન તમામ માળ ઉપર સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડની ગોઠવણ કરવી. કારના નંબર અને વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ દેખાય તે રીતે સીસીટીવી ગોઠવી તેના રેકોર્ડિંગ 15 દિવસ સુધી જાળવી રાખવાના આદેશ છે.

દેશવિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયા તત્વો માનવરહીત, વિમાન સંચાલિત વિમાન જેવા સાધનો ઉપયોગ કરીને જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો- વ્યવસૃથાની સિૃથતિને હાની પહોંચાડી શકે છે. આવા કારણોસર અમદાવાદના તમામ વિસ્તારોને નો ડ્રોન ફ્લાયઝોન જાહેર કરાયેલા છે.

ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, માઈક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરાગ્લાઈડર, પેરા મોટર કે હોટ એરબલૂન ચલાવવાની સામાન્ય જનતા માટે મનાઈ છે. અમુક દેશોના શોપિંગ મોલમાં આતંકી હુમલા થઈ ચૂક્યા હોવાથી અમદાવાદના તમામ શોપિંગ મોલમાં પૂરતી સુરક્ષા વ્યવસૃથા માટે જાહેરનામું અમલી છે.

મોલમાં આવતા તમામ વાહનો અને વ્યક્તિના ચેકીંગ, મોલના તમામ ગેટ પર સીમલેસ ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ ધરાવતા સીસીટીવી લગાવવા, સુરક્ષા માટે પ્રશિક્ષિત સિક્યુરિટી ગાર્ડ રાખવા તેમજ મોલના માલિક બદલાય તો સાત જ દિવસમાં સ્પેશ્યલ બ્રાન્ચને જાણ કરવાના આદેશ જાહેરનામામાં છે.

ક્રાઈમ બ્રાન્ચે રાતોરાત કમ્પ્યુટર વસાવ્યાં હતાં

બ્લાસ્ટ પછી બદલાવ : પોલીસ સ્ટેશનદીઠ સાયબર યુનિટ

સાદા મોબાઈલ ફોનનો ડેટા તપાસવા જહેમત લેવી પડી હતી, હવે કોલ ટ્રેસિંગ સુધીની આગેકૂચ

અમદાવાદ : અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયાને દોઢ દશકો થવા આવ્યો છે તે દરમિયાન પોલીસ તંત્ર અને સામાજીક રીતે ધરમૂળથી બદલાવ આવ્યાં છે. વર્ષ 2008માં આતંકવાદીઓએ સાદા મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો તેના ડેટા તપાસવા માટે પણ પોલીસે ખાસ્સી જહેમત લેવી પડી હતી.

ક્રાઈમ બ્રાન્ચે રાતોરાત કોમ્પ્યૂટર વસાવ્યાં હતાં અને આંગળીના વેઢે ગણી શકાય તેવા જાણકાર પોલીસ કર્મચારીઓની મહેનતથી પોલીસને સફળતા મળી હતી. હવે સમય એ હદે બદલાયો છે કે, દરેક પોલીસ સ્ટેશનદીઠ સાયબર યુનિટ કાર્યરત કરવામાં આવનાર છે.

સાયબર ક્રાઈમ વધ્યું છે તે સાથે જ પોલીસ સ્ટેશનદીઠ કર્મચારીઓને કોમ્પ્યુટર, મોબાઈલ ફોનની જાણકારી હોય તો સાયબર ક્રાઈમ અટકાવવામાં કે ગુના ઉકેલવામાં સરળતા થાય તે દિશામાં પોલીસ અગ્રેસર થઈ રહી છે. સરવાળે, ગુનાખોરીની સાથે પોલીસ પણ આધુનિક બની રહી છે.

અમદાવાદ સહિત દેશભરમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરનાર ઈન્ડિયન મુજાહિદ્દીનની આખી ટોળકીનો પર્દાફાશ 19 દિવસમાં કરી દેવાયો તે પાછળ મોબાઈલ ફોન ડેટા જાણવા કરવામાં આવેલી કવાયત અભિભૂત કરી રહી છે.

જો કે, હવે તો પોલીસ તંત્રએ કોલ ટ્રેસિંગ થઈ શકે તે હદ સુધીની આગેકૂચ કરી છે. ગુજરાત સહિત દેશભરની પોલીસ અને એજન્સીઓ એ હદે સાધનસજ્જ અને હોંશિયાર બની છે કે બીજા દેશમાં આવતાં વાંધાજનક કોલ કે વાતચિત આંતરી ગુનો બને તે પહેલાં રોકી શકે છે.


Google NewsGoogle News