અપહરણ-દુષ્કર્મ કેસનો આરોપી બાથરૂમની બારી તોડીને ફરાર થઇ ગયો
સોલા પોલીસની બેદરકારી કે મીલિભગત?
લોકઅપનું બાથરૂમમાં પાણી ઓવરફ્લો થતુ હોવાથી પોલીસ સ્ટેશનના કોમન બાથરૂમમાં મોકલાયો હતોઃ ત્રણ દિવસ પહેલા આરોપીની ધરપકડ કરી હતી
અમદાવાદ,શનિવાર
શહેરના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલો આરોપી પોલીસ સ્ટેશનના કોમન બાથરૂમની બારીની ગ્રીલ તોડીને નાસી ગયો હોવાની ઘટના બની છે. લોકઅપના બાથરૂમમાં પાણી ઓવર ફ્લો થતુ હોવાને કારણે શનિવારે સવારે તેને પોલીસ સ્ટેશનના કોમન બાથરૂમમાં લઇ જવાયો હતો. પરંતુ, તે તક મળતા બારી તોડીને નાસી ગયો હતો. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. સોલા પોલીસ સ્ટેશનમાં ગત ૭મી જુલાઇએ એક સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસમાં પોલીસે ૧૦ જુલાઇના રોજ વસ્ત્રાલની એક કન્સ્ટ્રક્શન સાઇટ પરથી મેહુલ પરમાર નામના આરોપીને ઝડપી લીધો હતો. જે હાલ પોલીસના રિમાન્ડ પર હતો. શનિવારે સવારે તેને બાથરૂમ જવુ હતું. પણ લોકઅપના બાથરૂમમાં પાણી ઓવરફ્લો થતુ હોવાથી તેને પોલીસ સ્ટેશનના કોમન બાથરૂમમાં મોકલાયો હતો. પરંતુ, ૧૦ થી ૧૫ મિનિટ જેટલો સમય પસાર થયા બાદ પણ તે પરત આવ્યો નહોતો. જેથી તપાસ કરી ત્યારે પોલીસ કર્મચારીઓ ચોંકી ઉઠયા હતા. કારણ કે તે બાથરૂમની બારી તોડીને નાસી ગયો હતો. જે બાદ આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ, તે મળી આવ્યો નહોતો. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીની તપાસ શરૂ કરી છે.