કાર્ડધારકોને વધારાની ખાંડ અને કપાસિયા તેલનું પાઉચ મળશે
- દિવાળીના તહેવાર નિમિતે નવેમ્બર માસમાં રેશનિંગના દુકાનોમાંથી જથ્થો મળશે
- અમદાવાદમાં અનાજનો જથ્થો રેશનિંગની દુકાનોમાં હજુ આવ્યો ન હોવાની ફરિયાદ
અમદાવાદ,તા.30 ઓક્ટોબર 2020, શુક્રવાર
દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડધારકોને નિયત જથ્થા ઉપરાંત વધારાની ૧ કિલો ખાંડ અને ૧ લીટર કપાસિયા તેલના પાઉચ આપવાનું નક્કી કરાયું છે. બીપીએલ કાર્ડધારકોને ૨૨ રૂપિયે કિલો અને અત્યોદય કાર્ડધારકોને ૧૫ રૂપિયે કિલોના ભાવે વધારાની ૧ કિલો ખાંડ મળશે જ્યારે કપાસિયા તેલનું પાઉચ ૫૦ રૂપિયે લીટર મળશે.
આગામી તા.૧૪ નવેમ્બરના રોજ દિવાળી છે જેેને ધ્યાને લઇને પુરવઠા ખાતા દ્વારા નવેમ્બર માસમાં તહેવાર નિમિતે ખાંડ અને કપાસિયા તેલના પાઉચ આપવાનું નક્કી કરાયું છે. અમદાવાદ શહેરમાં એનએફએસએના કુલ ૩,૩૭,૦૦૦ કાર્ડધારકો છે. શહેરમાં કુલ ૮૫૪ વ્યાજબી ભાવની દુકાનો આવેલી છે કે જ્યાંથી આ જથ્થો મેળવી શકાશે.
આ અંગે રેશનિંગની દુકાનોના સંચાલકોના જણાવ્યા મુજબ નવેમ્બર માસનો જથ્થો આજે ૩૦ ઓક્ટોબર સુધીમાં શહેરની રેશનિંગની દુકાનમાં પહોચ્યો નથી. જેથી તા.૧ નવેમ્બરથી નિયત જથ્થા ઉપરાંત તહેવાર નિમિત ેજાહેર કરેલા વધારાના જથ્થાનું વિતરણ કરી શકાય તેવી સ્થિતિ નથી.
સામાન્ય રીતે જ ેતે માસનો પુરવઠો આગલા માસના છેલ્લા અઠવાડિયા સુધીમાં તો વ્યાજબી ભાવની દુકાનોમાં પહોંચી જતો હોય છે. જોકે હજુ સુધી નવેમ્બર માસનો જથ્થો આવ્યો નથી. જેથી વિતરણની સમસ્યા સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે.
આ અંગે પુરવઠા ખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ રેશનિંગની દુકાનોમાં પુરવો પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. નવેમ્બર માસમાં વિતરણમાં કોઇ સમસ્યા નહીં સર્જાય.
આ વર્ષે 'વન નેશન વન રેશનકાર્ડ ' અંતર્ગત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યો તથા દિવ-દમણ-દાદરા નગર હવેલી સહિતના કેન્દ્રશાસિત પ્રદેશના લાભાર્થી રાજ્યાના કોઇપણ ગામ કે શહેરની વ્યાજબી ભાવની દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકશે. ઉપરાંત ગુજરાતના પણ કોઇપણ જિલ્લાના લાભાર્થી કોઇપણ ગામ કે શહેરની રેશનિંગની દુકાનેથી તેમને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે.