જેટકો બહાર ઉમેદવારોના સતત બીજા દિવસે ધરણા, આખી રાત ફૂટપાથ પર વીતાવી, કોર્ટમાં જવાની પણ તૈયારી
વડોદરા,તા.22 ડિસેમ્બર 2023,ગુરુવાર
જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા માટે નવેસરથી પરીક્ષા લેવા સામે પાસ થયેલા ઉમેદવારોએ કરેલા ભારે વિરોધ અને દેખાવોની જેટકોના સત્તાધીશો પર કોઈ અસર થઈ નથી.
બીજી તરફ અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ નોકરી આપવાની માંગ સાથે છેલ્લા 24 કલાક કરતા વધારે સમયથી પોતાના ધરણા ચાલુ જ રાખ્યા છે.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સેંકડો ઉમેદવારો ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણય સામે વિરોધ કરવા માટે ગઈકાલ, ગુરુવારથી વડોદરામાં આવ્યા હતા અને તેમણે કહ્યુ હતુ કે, જ્યાં સુધી નોકરી નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી. એ પછી ગુરુવારની આખી રાત રસ્તા પર પસાર કરીને પણ આ ઉમેદવારોએ આજે પણ જેટકોના રેસકોર્સ સર્કલ સ્થિત હેડ ક્વાર્ટરની બહાર પોતાના ધરણા ચાલુ રાખ્યા છે.
ઉમેદવારોએ કહ્યુ હતુ કે, જ્યાં સુધી અમને નોકરી માટેનો લેટર નહીં અપાય ત્યાં સુધી અમે અહીંયા જ બેસી રહીશું. અમે અમારો ન્યાય અને હક માંગી રહ્યા છે. જેટકો દ્વારા જાહેર કરાયેલી પરીક્ષાની નવી તારીખો સામે કોર્ટમાં જવા માટે પણ ઉમેદવારોએ તૈયારી શરૂ કરી છે અને આ ઉમેદવારોએ આજે ધરણા પર બેઠા બેઠા 50000 રૂપિયાનો ફાળો કોર્ટમાં કેસ લડવા માટે એકત્રિત કર્યો હતો.
ગઈકાલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને નહીં મળનારા જેટકોના એમડીને પણ આખરે ઝુકવુ પડ્યુ હતુ અને જાણવા મળતી વિગતો પ્રમાણે યુવરાજસિંહને આજે તેમણે મળવા માટે બોલાવ્યા હતા.
આ પહેલા યુવરાજસિંહે જણાવ્યુ હતુ કે, ઉમેદવારો પોતાના હક માટે લડાઈ લડી રહ્યા છે. જેટકોના એક પણ અધિકારીના દીકરાની તાકાત નથી કે રસ્તા પર એક રાત સુઈ બતાવે. આ ઉમેદવારોને અધિકારીઓની ભૂલના પાપે અન્યાય કરાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોના આંદોલન છતા પણ જેટકો દ્વારા નવેસરથી પરીક્ષા લેવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે અનુસાર ઉમેદવારોનો તા.28 અને 29ના રોજ પોલ ટેસ્ટ યોજાવામાં આવશે.