રૃપિયા આપવાની ના પાડતાં વેપારીને છરીના ઘા મારી લોહી લુહાણ કર્યા
લૂખ્ખા તત્વો ધાક જમાવવા નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે
ભાગવા જતાં પથ્થરનો બ્લોક મારીને મારી નાંખવાની ધમકી આપી
અમદાવાદ,મંગળવાર
મેઘાણીનગરમાં કરિયાણા વેપારીએ વાપરવા માટે રૃપિયા આપવાનો ઇન્કાર કરતાં આરોપીઓએ માર મારીને છરીથી હુમલો કરીને લોહી લુહાણ કર્યો હતો એટલું જ નહી ભાગવા જતાં પથ્થરનો બ્લોક મારીને વધુ ઘાયલ કર્યો બાદ મારી નાંખવાની ધમકી આપીને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોેધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મેઘાણીનગરમાં ભાર્ગવ રોડ ઉપર છરીથી હુમલો કરતાં ઘાયલ વેપારી ભાગવા જતાં પથ્થરનો બ્લોક મારીને મારી નાંખવાની ધમકી આપી
નવા નરોડા વિસ્તારમાં રહેતા અને મેઘાણીનગરમાં કિરાણા સ્ટોર નામથી દુકાન ધરાવતા વેપારીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં દિપક સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૬ના રોજ સાંજે તેઓ ભાર્ગવ રોડ ઉપર ઉભા હતા. આ સમયે ચારેય શખ્સોએ તેમની પાસે આવીને વાપરવા માટે રૃપિયાની માંગણી કરી હતી.
જો કે વેપારીએ રૃપિયા આપવાની ના પાડતાં ગાળો બોલીને તેમની સાથે તકરાર કરી હતી અને માર મારીને એક શખ્સે છરીથી હુમલો કરતાં તેઓ લોહી લુહાણ હાલતમાં ભાગ્યા હતા તો બીજા શખ્સે તેમને પથ્થર મારીને ઘાયલ કર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને આરોપીઓ નાસી ગયા હતા. આ ઘટના અંગે મેઘાણીનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોેધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.