નરોડામાં બુલેટ પર જતા શખ્સોને અટકાવતા ટીઆરબી જવાનને માર મારી લોહી લુહાણ કર્યો
રસ્તા વચ્ચે બુલેટ ઉભું રાખતા જવાને સાઇડમાં કરવાનું કહેતા તકરાર કરી
એક શખ્સે પકડી રાખ્યો બીજાએ માથામાં સ્ટીલનું કડું માર્યું
અમદાવાદ,બુધવાર
નરોડામાં ફરજ બજાવતા ટીઆરબી જવાને બુલેટ ઉપર ત્રણ સવારીમાં જતા અટકાવ્યા હતા. જેથી ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઇને ટીઆરબી જવાન સાથે ઝઘડો કરીને પકડી રાખીને માર મારી લોહી લુહાણ કરી નાંખ્યો હતો. આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો ત્યાં આવ્યા હતા અને બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ તકનો લાભ લઇ પલાયન થઇ ગયો હતો. આ ઘટના અંગે ટીઆરબી જવાને ત્રણેય શખ્સો સામે ફરિયાદ કરતા નરોડા પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
ટીઆરબી જવાનને માર માર્યા બાદ એક શખ્સે પકડી રાખ્યો બીજાએ માથામાં સ્ટીલનું કડું માર્યું ઃ લોકોએ બે આરોપીને પકડી પાડયા
નરોડામાં રહેતા અને ટ્રાફિક પોલીસમાં ટીઆરબી જવાન તરીકે નોકરી કરતા યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં નિકોલમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ટીઆરબી જવાન નરોડા બેઠક ત્રણ રસ્તા પાસે પોતાની ફરજ ઉપર હાજર હતા. ત્યારે નરોડા ગેલેક્ષી તરફથી એક બુલેટ પર ત્રણ શખ્સો રોન્ગ સાઇડમાં આવ્યા હતા અને રોડ ઉપર તેમની બુલેટ ઉભી રાખી હતી. જેથી બુલેટ સાઇડમાં કરવાનું કહેતા ચાલકે બોલચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. આ સમયે બોલચાલ થતા શખ્સે જવાનને લાફા મારી દીધા હતા. જ્યારે બુલેટની પાછળ બેઠેલા બે શખ્સોએ જવાનને પકડી લીધો હતો અને બુલેટ ચાલકે પોતાના હાથમાં પહેરેલું સ્ટીલનું કડું માથામાં મારી દેતા ફરિયાદી લોહી લુહાણ થઇ ગયા હતા.
બુમાબુમ કરતા હાજર મહિલા ટીઆરબી સહીતના લોકો ત્યાં આવી ગયા હતા. આ દરમિયાન એક યુવક ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે અન્યને લોકોએ ઝડપી લીધો હતા. જો કે, આ સમયે જવાન લોહી લુહાણ થઇ ગયા હતા. જેમાં બે આરોપી પકડાયા હતા અને એક ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે ત્રણેય સામે સરકારી કામમાં રૃકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ શરૃ કરી છે.