બ્રોકર દંપતિએ છ માસમાં ૨૫ ટકા વળતર આપવાનું કહીને ૧.૧૨ કરોડ પડાવ્યા
આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધ્યો
ફરિયાદીએ મિલકત વેચાણના આવેલા નાણાં બ્રોકર દંપતિ પર વિશ્વાસ કરીને ટ્રાન્સફર કર્યાઃ અન્ય લોકો છેતરાયાની શક્યતા
અમદાવાદ,ગુરૂવાર
શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા અને કર્મકાંડ કરતા વ્યક્તિને તેમના યજમાન એવા બ્રોકર દંપતિએ રૂપિયા ૧.૧૨ કરોડનો ચુનો લગાવ્યો હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે. એક કરોડના રોકાણની સામે છ માસમાં ૨૫ લાખના નફાની લાલચ આપતા ફરિયાદીએ નાણાંનું રોકાણ કર્યું હતું.
આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.સાબરમતીમાં આવેલી આશાપુરણ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઇ જોષી કર્મકાંડ કરે છે.તે છેલ્લાં સાત વર્ષથી સંગનીની આદિત્ય હાઇટ્સ મોટેરા ખાતે રહેતા પ્રદીપ સોની અને તેની પત્ની મેઘા સોની જીતેન્દ્રભાઇ ઓળખતા હતા અને પુજાપાઠ માટે તેમને ત્યાં જતા હતા. પ્રદીપ સોની અને મેઘા સોની ઇનોવ કોન્સેપ્ટ નામથી નોર્થ પ્લાઝા મોટેરામાં એસ્ટેટ બ્રોકીગની ઓફિસ ધરાવતા હતા. તેમણે જીતેન્દ્રભાઇને કહ્યું હતું કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાથી એક કરોડની સામે છ મહિનામાં ૨૫ લાખનો નફો મળશે. જેથી વિશ્વાસ કરીને જીતેન્દ્રભાઇએ ૧.૨૫ કરોડની રકમનું રોકાણ કર્યું હતું.
જે નાણાં નફા સાથે ૩૧ ડિસેમ્બર ૨૦૨૩થી પરત આપવાનું કહીને સાદુ લખાણ લખી આપ્યું હતું. જો કે પ્રદીપ સોનીએ ૨૫મી ડિસેમ્બરે ૧૦ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. તે પછી ૧.૧૦ લાખ અને ૧.૯૦ લાખ પરત આપ્યા હતા. પરંતુ, બાકીના ૧.૧૨ કરોડની રકમ અત્યાર સુધી પરત આપી નહોતી અને સતત ખોટા વાયદા બતાવ્યા હતા. જેથી આ અંગે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.