બોપલમાં ગેરકાયદેસર ચાલતા પાંચ ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધાઇ
વિશેષ ટીમ દ્વારા તપાસ દરમિયાન બેદરકારી છતી થઇ
તમામ ગેમ ઝોન પરવાનગીની વિના ચલાવવામાં આવતા હતાઃ ફાયર સેફ્ટી સિસ્ટમથી માંડીને સુરક્ષાની અન્ય વ્યવસ્થા માટે કોઇ તકેદારી રાખવામાં આવી નહોતી
અમદાવાદ,બુધવાર
રાજકોટમાં ગેમઝોનમાં આગની ઘટના બાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચાલતા ગેમઝોન પર તપાસ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં અનેક ગેમઝોન ગેરકાયદેસર રીતે ચાલતા હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે અનુસંધાનમાં બોપલ પોલીસે તેમની હદમાં ગેરકાયદેસર રીતે ચાલતા પાંચ ગેમઝોનના સંચાલકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ ગેમઝોન પરવાનગી અને લાયસન્સ વિના ધમધમતા હતા. રાજકોટના ગેમઝોનમાં આગકાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ અન્ય અધિકારીઓની ટીમ દ્વારા અમદાવાદમાં આવેલા વિવિધ ગેમઝોનમાં તપાસ કરવામાં આવી હતી. જે અનુસંધાનમાં બોપલમાં આવેલા પાંચ ગેમ ઝોનમાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં તમામ ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ચાલતા હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે બોપલ પોલીસે પાંચ ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં શીલજ-રાંચરડા રોડ પર આવેલા ઇન્ડી કાર્ટના સંચાલક મિહિર શાહ (રહે. વેનેશીયન વિલા, શીલજ) અને બ્રીજ મોદી (રહે.સત્યાગ્રહ છાવણી, સેટેલાઇટ) સામે એક ગુનો નોંધવામાં આવ્યો હતો. બીજી ફરિયાદમાં શીલજ-કલ્હાર રોડ પર આવેલા કેફીન એન્ડ ઓક્ટીન ગો કાર્ટીના સંચાલક સ્વપ્નનીલ દવે (રહે.આદિરાજ બંગ્લોઝ, આંબલી) અને જયવીર સંચાણિયા (રહે. ગોપાલ બાગ સોસાયટી, મણિનગર) સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૨થી આ ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતું હતું.
જ્યારે ત્રીજો ગુનો સાઉથ બોપલમાં આરોહી ક્રેસ્ટ પાસે આવેલા ફન ઝોનના સંચાલક તુષાર શાહ, મિહલ શાહ (રહે.ગ્રીન પાર્ક એપાર્ટમેન્ટ, નારણપુરા), માર્ગી શાહ (રહે. સિલ્વેસ્ટા ડેલવીંગ, થલતેજ) અને સ્મીતા પંચાલ (રહે. નવા વાડજ) સામે નોંધાયો હતો. આ ફન ઝોન છેલ્લાં પાંચ વર્ષથી લાયસન્સ વિના ચલાવવામાં આવતો હતો. આ ઉપરાંત, સાઉથ બોપલમાં જ આવેલા જોય બોક્સ નામનું ગેમ ઝોન છેલ્લાં સવા વર્ષથી પરવાનગી વિના ચલાવવાનીં આવતું હતું. આ સંદર્ભમાં ગેમ ઝોન સંચાલક વિજય પટેલ (રહે. સ્વાગત ગ્રીન વેલી, શીલજ), વિપુલ રામી અને રોનક રામી (રહે. સારથી એવન્યુ, સેટેલાઇટ) , નિરવ પટેલ અન તેના ભાઇ નવીન પટેલ (રહે.સુરમ્ય-૭, નાંદોલી- શીલજ હાઇવે) સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, બોપલના ટીઆરપી મોલના પાંચમાં માળે ચાલતા ફન ઝોન નામના ગેમ ઝોનના સંચાલકો જયદીપસિંહ ઝાલા (રહે.સેક્ટર-૭, ગાંધીનગર),હાર્દિક રાવ (રહે. કોઝી કોર્નર, થલતેજ) અને મેઘલ શાહ (રહે. નારણપુરા) સામે ગુનો નોધાયો હતો. બે વર્ષથી આ ગેમ ઝોન કોઇપણ પ્રકારની પરવાનગી વિના ચલાવવામાં આવતો હતો.