બોપલ મેરીગોલ્ડ સર્કલ પાસેના ફાયરીંગ કેસમાં બે આરોપીઓની ધરપકડ
પચ્છમમાં દાદા બાપુ ધામમાં દર્શન ન કરવા મામલે તકરાર થઇ હતી
પાસપોર્ટને આધારે મલેશિયા નોકરી માટે અરજી કરી હોવાનું બહાર આવ્યું ઃ પુછપરછમાં મોટા ખુલાસાની શક્યતા
અમદાવાદ,શુક્રવાર
ભાલ પંથકમાં આવેલા પચ્છમ ધામમાં દાદા બાપુના દર્શને ન જવાના મામલે બિલ્ડર સાથે અદાવત રાખીને બોપલના મેરીગોલ્ડ સર્કલ પાસે કેટલાંક લોકોએ કારને રોકીને જીવલેણ હુમલો કર્યો હતો. જેથી બિલ્ડરે સ્વબચાવમાં ફાયરીંગ કર્યું હતું. આ કેસમાં બોપલ પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બોપલ સનસીટીમાં આવેેલા શાશ્વત એપાર્ટમેન્ટમાં રહેતા ઉપેન્દ્રસિંહ ચાવડા બુધવારે રાતના સમયે બોપલ મેરીગોલ્ડ સર્કલ થઇને તેમની કન્સ્ટ્રક્શન સાઇટ પર જતા હતા. ત્યારે ૧૦ જેટલા લોકોએ તેમની કારને રોકીને પાઇપ, હોકી સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. જેથી ઉપેન્દ્રસિંહે બચાવમાં તેમની લાયસન્સ વાળી રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરીને હુમલો કરનાર રાજેન્દ્રસિંહ સોંલકી અને અનિલસિંહ પરમારની ધરપકડ કરી હતી. પોલીસે રિવોલ્વર અને કાર જપ્ત કરી છે. ઉપેન્દ્રસિંહ ચાવડાએ ભાલ પંથકમાં આવેલા દાદા બાપુના પચ્છમ ધામમાં દર્શને જવાનું બંધ કરતા તેમને ધમકી આપવામાં આવી હતી. જેથી ઉપેન્દ્રસિંહે ત્યાં જવાની સ્પષ્ટ ના કહેતા રાજેન્દ્રસિંહ સોંલકી અને અનિલસિંહ પરમારે અન્ય આઠ જેટલા લોકોને સાથે રાખીને હુમલો કર્યો હતો. આ અંગે બોપલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.