કાગડાપીઠમાં બુટલેગરો બેફામ એક યુવકની હત્યા, બીજો ગંભીર
દારુ વેચતો બંધ કરવા અરજી કરાતાં બુટલેગરોએ હુમલો કર્યોનો આક્ષેપ
પોલીસ સ્ટેશન ઘેરી લેતા પીઆઇએ ટીંપું પણ દારુ નહી વેચાવાની લેખિતમાં બાંહેધરી આપી
મારામારીની ફરિયાદનો બદલો લેવા કાયદાની ઐસી તૈસી
અમદાવાદ સોમવાર
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડતાં લોકોની સલામતી સામે સવાલો ઉઠયા છે. અસમાજિક તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. પોલીસ દાવા કરે છે કે ગુનાખોરી ઘટી છે બીજીતરફ ગુનેગારનો પોલીસનો ડર રહ્યો નથી લૂખ્ખા તત્વો બેફામ બનીને ખુલ્લેઆમ હત્યા કરી રહ્યા છે જેમાં નિર્દાષ લોકો જીવ ગુમાવી રહ્યા હોવાથી સલામતીના દાવાના લીરેલીરા ઉઠયા છે. કાગડાપીઠ વિસ્તારમાં ન્યું કલોથ માર્કેટ પાસે મારામારીની ઘટનાની અદાવતમાં બુટલેગરોએ તલવારથી હુમલો કરતાં એક યુવકનું મોત થયું હતું જ્યારે એક યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા પરિવારજનો અને સ્થાનિક લોકોએ આજે સવારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન ઘેરતા વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. જો કે પોલીસે મુખ્ય આરોપીને પકડી લેતા મામલો થાળે પડયો હતો. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ચાર લોકો સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવાર અને સ્થાનિકોએ પોલીસ સ્ટેશન ઘેરતા વિસ્તારમાં કલાકો સુધી ચક્કાજામ ઃ પોલીસે મુખ્ય આરોપીને પકડી લેતા મૃતદેહ સ્વીકાર્યો
કાંકરિયા વિસ્તારમાં રહેતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ઘોડાસર ખાતે તથા રાયપુર દરવાજા બહાર રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ સામે મારામારીની ફરિયાદ નોંધાવી હતી જેની અદાવત રાખીને ગઇકાલે કાગડાપીઠ વિસ્તારમાં ન્યુ ક્લોથ માર્કેટ પાસે આવેલા જયેન્દ્ર પંડિત નગર સફલ-૧ની બાજુમાં ફરિયાદીના ફૂવાના દિકરા તથા તેના મિત્રો સાથે બેઠા હતા.
ત્યારે ઘોડાસરમાં રહેતા આરોપીઓ ઝઘડાની અદાવત રાખીને તલવારો સાથે ધસી આવ્યા હતા અને અચાનક જ બે યુવકો ઉપર હુમલો કરીને લોહી લુહાણ કર્યા હતા. અલ્પેશને માથામાં અને કપાળ તથા પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે બીજો યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ઘટનાને લઇને લોકો ભેગા થઇ જતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. બીજીતરફ આજે સવારે પરિવારના સભ્યો તથા સ્થાનિક લોકોએ ન્યાયની માગણી અને આરોપીઓને પકડવા માટે મોટી સંખ્યામાં એકઠા થઇને કાગડાપીઠ પોલીસે સ્ટેશનને ઘેરી લેતા કલાકો સુધી વિસ્તારમાં ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. પોલીસે મુખ્ય આપરોપીની ધરપકડ કરતાં મામલો થાળે પડયો હતો.
------------------------
બુટલેગરોએ હથિયારો સાથે આવી ખૂની ખેલ ખેલ્યો
દારુ વેચતો બંધ કરવા અરજી કરાતાં બુટલેગરોએ હુમલો કર્યોનો આક્ષેપ
અમદાવાદ, સોમવાર
કાગડાપીઠ વિસ્તારમાં હપ્તાખોર પોલીસના કારણે દારુની રેલમ છેલ થઇ રહી હતી હોવાથી મૃતક યુવકે દારુના અડ્ડા બંધ કરાવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવાથી તેના ઉપર ઘાતક હુમલો કરીને હત્યા કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.
પોલીસ સ્ટેશન ઘેરી લેતા પીઆઇએ ટીંપું પણ દારુ નહી વેચાવાની લેખિતમાં બાંહેધરી આપી
કાગડાપીઠ વિસ્તારમાં ગઇકાલે મધરાતે બુટલેગરો તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે ધસી આવીને વિસ્તારમાં બાનમાં લઇને ખૂની ખેલ ખેલ્યો હતો જેમાં એક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો હતો. જેને લઇને સ્થાનિક લોકોમા આક્રોષ વ્યાપી જવા પામ્યો હતો. જેથી આજે મોટી સંખ્યામાં લોકોએ દેખાવો કરીને પોલીસ સ્ટેશન ઘેરી લીધું હતું અને મૃતક યુવકે તાજેતરમાં વિસ્તારમાં વેચાતો દારુ બંધ કરાવવા માટે અરજી કરી હતી જેથી તેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો બીજીતરફ કાગડાપીઠ પોલીસ ઇન્સ્પેકટરે વિસ્તારમાં ટીપુંએ દારુ નહી વેચાય તેવી લેખિતમાં બાંહેધરી આપી હતી જે સોશિયલ મિડિયાંમાં વાયરલ થઇ હતી.