ગાડીઓ ભાડે લેવાના કૌભાંડમાં ભાજપના નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ
મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને કાર ભાડે લઇને અનેક લોકોને છેતર્યા
૪૦ કાર માલિકો પાસેથી ૫૦ હજાર રૂપિયા જેટલી ડીપોઝીટ લઇને ગાડીઓ લઇ લીધા બાદ અનેક લોકોને ગીરવે મુકવામાં આવી હોવાનું ખુલ્યું
(પ્રિન્સ મિસ્ત્રી) અમદાવાદ,
શનિવાર
શહેરના માધુપુરા વિસ્તારમાં રહેતા ભાજપના બક્ષીપંચ યુવા મોરચના પ્રમુખના પુત્રએ મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને ૪૦ જેટલા લોકોને પ્રતિમાસ ૩૩ હજારનું ભાડુ અપાવવાનું કહીને કારનો કબ્જો મેળવ્યા બાદ તમામ ગાડીઓ અલગ અલગ લોકોને ગીરવે આપીને મોટાપ્રમાણમાં છેતરપિંડી કરી હોવા ફરિયાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં નોંધવામાં આવી છે. આ કૌભાંડનો ભોગ બનેલા લોકોએ ૧૩ દિવસ પહેલા તેમની સાથે મોટાપ્રમાણમાં છેતરપિંડી થઇ હોવાની અરજી અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં આપી હતી. પરંતુ, રાજકીય દબાણમાં આવીને પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી. છેવટે સમગ્ર ઘટનાએ રાજકીય સ્વરૂપ લેતા પોલીસને શુક્રવારે ગુનો નોંધવા માટે સુચના આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. શહેરના અસારવામાં આવેલી ચીમનલાલ ઘાંચીની ચાલીમાં રહેતા કાજલભાઇ જાદવ સિવિલ હોસ્પિટલમાં શબવાહીની ભાડેથી ફેરવે છે. આ ઉપરાંત, તેમની પાસે અન્ય એક કાર પણ છે. ગત ડીસેમ્બર ૨૦૨૩માં તેમની સાથે સિવિલ હોસ્પિટલમાં શબ વાહિની ચલાવતા મિત્રએ કહ્યું હતું કે પ્રિન્સ કનુભાઇ મિસ્ત્રી (રહે. પુરૂષોત્તમ નિવાસ, જગદીશ ભવન, માધુપુરા)ને તેણે કાર ભાડે આપી છે. જેમાં ૫૦ હજાર ડીપોઝીટ અને પ્રતિમાસ ૩૩ હજાર રૂપિયા ભાડુ આપે છે. જેથી કાજલભાઇએ પણ તેમની કાર ભાડે આપવાની ઇચ્છા વ્યક્ત કરતા તેમના મિત્રએ પ્રિન્સ મિસ્ત્રી સાથે મુલાકાત કરાવી હતી. તેણે કહ્યું હતું તેને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેથી મોટાપ્રમાણમાં ગાડીઓ ભાડે મુકવાની છે અને દર મહિને ૧ થી ૧૫ તારીખમાં ભાડુ ચુકવી દેવામાં આવશે. આમ, પ્રિન્સના પિતા કનુભાઇ ભાજપના બક્ષીપંચ યુવા મોરચના પ્રમુખ હોવાથી તેના પર વિશ્વાસ કરીને કાજલભાઇએ તેમજ અન્ય લોકોએ ગાડીઓ ભાડે આપી હતી. ત્યારબાદ બે થી ત્રણ મહિના સુધી નિયમિત રીતે ભાડુ ચુકવવામાં આવ્યું હતું. ત્યારબાદ મોટાભાગના લોકોને ભાડુ ચુકવવાનું બધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે પ્રિન્સ મિસ્ત્રીએ બહાનું બતાવ્યું હતું કે તેના બિલ પાસ થશે ત્યારે બાકીનું ભાડુ એક સાથે ચુકવી આપશે. પરંતુ, તેણે ફોન ઉપાડવાનું બંધ કરતા ગત ૧૩મી જુલાઇના રોજ ગાડીઓ ભાડે આપનાર લોકો પ્રિન્સના ઘરે ગયા હતા. ત્યારે તે મળી આવ્યો નહોતો. પરંતુ, તેના પિતા કનુભાઇએ કહ્યું હતુ તેને પ્રિન્સ સાથે કોઇ સંબધ નથી. ત્યારબાદ તપાસ કરતા ગાડીઓના માલિકોને ચોંકાવનારી માહિતી મળી હતી કે તેણે ગાડીઓ ભાડે આપવાનો કોન્ટ્રાક્ટ મળ્યાની ખોટી વાત જણાવીને કારને લીધા બાદ અન્ય લોકોને ગીરવે મુકી દીધી હતી.
આ અંગે ભોગ બનનાર લોકોએ આક્ષેપ કર્યો છે કે તેમણે તેમની સાથે
થયેલી છેતરપિંડી અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ૧૦ દિવસ પહેલા અરજી આપવામાં આવી હતી.
પરંતુ, રાજકીય દબાણમાં
આવીને પોલીસે આ બાબતને અવગણી હતી. જો કે સમગ્ર
મુદ્દો રાજકીય બનતા ગાંધીનગરથી મળેલી સુચના બાદ શુક્રવારે ગુનો નોંધ્યો હતો.
પોલીસે ફરિયાદમાં ભાજપના ચૂંટણી કોન્ટ્રાક્ટની વાતનો ઉલ્લેખ ન કર્યાનો ફરિયાદીનો આક્ષેપ
ભાજપના નેતા કનુભાઇ મિસ્ત્રીના પુત્ર પ્રિન્સ સામે નોંધાયેલી
ફરિયાદમાં પોલીસે રાજકીય દબાણમાં આવીને કેટલીક માહિતીનો ઉલ્લેખ કર્યો ન હોવાનો આક્ષેપ
ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે. કાજલભાઇ
જાદવે જણાવ્યું કે પ્રિન્સ મિસ્ત્રીએ કહ્યું
હતું કે તેના પિતા ભાજપના નેતા અને પોતે પણ વિશ્વ હિદું પરિષદમાં કામગીરી કરે છે. લોકસભાની
ચૂંટણીની કામગીરી માટે ભાજપને મોટાપ્રમાણમાં ગાડીઓની જરૂર છે અને તે કોન્ટ્રાક્ટ તેને
મળ્યો છે. આમ, તેણે લોકોને
વિશ્વાસમાં લઇને મોટા પ્રમાણમાં ગાડીઓ ભાડે મેળવીને બારોબાર ગીરવે આપી દીધી હતી. પરંતુ, લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે ગાડીઓ જોઇતી હોવાની
વાતનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો નહોતો. આમ, પોલીસ રાજકીય દબાણમાં આવીને ચૂંટણીની બાબતનો ફરિયાદમાંથી છેદ
ઉડાવી દીધો હતો.
પ્રિન્સ મિસ્ત્રીએ અમદાવાદમાંથી ૪૦૦ જેટલી ગાડીઓ ભાડે મેળવી હોવાનું સામે આવ્યું
પ્રિન્સ મિસ્ત્રીએ લોકસભાની ચૂંટણીની કામગીરીમાં મોટા પ્રમાણમાં
ગાડીઓની જરૂર હોવાનું કહીને માત્ર અસારવા વિસ્તારમાંથી જ નહી પણ પરંતુ, શહેરના ઓઢવ, રામોલ, નિકોલ, નરોડા સહિતના વિસ્તારોમાંથી
૪૦૦ જેટલી ગાડીઓ પ્રતિ કાર ૫૦ હજારની ડીપોઝીટથી લઇને બે કરોડ રૂપિયા જેટલી રકમ એકઠી
કરી લીધી હતી. એટલું જ નહી તેણે કાર ભાડે લેવા અંગેના કોઇ લેખિતમાં કરાર પણ કર્યા
નહોતા અને ભાજપના નામે અનેક લોકોને ટારગેટ કર્યા હતા.
પ્રિન્સ મિસ્ત્રીએ ગીરવે મુકેલી ગાડીઓનો ઉપયોગ ગેરકાયદેસર કામમાં થતો હોવાની શક્યતા
પ્રિન્સ મિસ્ત્રીએ લોકસભાની ચૂંટણીના કામ માટે ઉપયોગમાં લેવાનું
કહીને ગાડીઓ ગીરવે મુકી હતી. જે ગાડીઓનો ઉપયોગ ગેરકાયદેસર રીતે થતો હોવાનો આક્ષેપ કરવામાં
આવ્યો છે. અસારવા વિસ્તારમાંથી તેણે કુલ ૫૪ ગાડીઓ ભાડે લીધી હતી. જે ગાડીઓ પૈકી ૧૪ ગાડીઓ જીપીઆરએસની મદદથી પરત મેળવવામાં સફળતા
મળી હતી. આ ગાડીઓ દારૂના ખોખા,
કોથળી અને લોહીના નિશાન મળી આવ્યા હતા. આમ, આ ગાડીઓનો ઉપયોગ દારૂ અને પશુઓની હેરફેર માટે થતો હોવાની વાત
પણ સામે આવી છે. આ અંગે તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
પ્રિન્સના પિતા કનુભાઇ મિસ્ત્રી સામે પણ કાર્યવાહી કરવા માટે
જીગ્નેશ મેવાણીની રજૂઆત
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે લોકસભાની
ચૂંટણીની કામગીરી માટે ભાજપના કમલમથી કોન્ટ્રાક્ટ મળ્યો હોવાની વાત જણાવીને પ્રિન્સ
મિસ્ત્રીએ અનેક લોકોને છેતર્યા છે. પ્રિન્સ મિસ્ત્રી પણ વીહીપ તેમજ બજરંગ દળમાં સક્રિય
છે. સાથેસાથે તેના પિતા પણ ભાજપના બક્ષીપંચના યુવા મોરચાના પ્રમુખ છે. જેથી પ્રિન્સ કોઇ રાજકીય પીઠબળ વિના
આટલુ મોટુ કૌભાંડ આચરે તે શક્ય નથી. જેમાં તેના પિતાની સંડોવણીની પણ શક્યતા છે. જેથી પોલીસે
આ કેસમાં કનુભાઇ મિસ્ત્રી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાથેસાથે
અન્ય રાજકીય લોકોની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવે.
પ્રિન્સ મિસ્ત્રીના બચાવમા ંઆવનાર પોલીસ કર્મચારી વિજય ડોડીયા
કોણ?
પ્રિન્સ મિસ્ત્રીએ સમગ્ર કૌભાંડ ચલાવવા માટે કેટલાંક લોકોની
ગેંગ બનાવી હતી. જેમાં ગાડીઓ ગીરવે મુકવા માટે ઇમરાન નામના વ્યક્તિની મદદ લીધી હતી. જો કે કેટલાંક લોકોએ જીપીઆરએસની મદદથી ગાડીઓનુ લોકેશન
મેળવતા ઇમરાન નામના વ્યક્તિનું અને વિજય ડોડીયા
નામના વ્યક્તિનું નામ બહાર આવ્યું હતું. જેમાં તેણે સમગ્ર મામલો ક્રાઇમબ્રાંચમાં ન
પહોંચે તે માટે ભોગ બનનાર લોકોને પોલીસ સુધી પહોંચવાને બદલે બારોબાર જ સમાધાન કરવાની
ઓફર કરી હતી.