આજવા સરોવરના 100 વર્ષ જુના માટીના પાળા હોવાથી 214 ફૂટ સુધી પાણીનો સંગ્રહ થઈ શકતો નથી

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
આજવા સરોવરના 100 વર્ષ જુના માટીના પાળા હોવાથી 214 ફૂટ સુધી પાણીનો સંગ્રહ થઈ શકતો નથી 1 - image


Vadoadra Ajwa Lake : વડોદરા શહેર માટે આજવા સરોવર પાણીનો ખૂબ મહત્વનો સ્ત્રોત છે. શહેરના બેથી વધુ ઝોન પાણી માટે આજવા પર નિર્ભર છે. આજવામાં પાણીની સપાટી વધી છે તે હાલ ભલે ચિંતાજનક છે પરંતુ સમય આવે આજવા સરોવરના દરવાજા ઉપર, નીચે કરી તેમાંથી પાણી પુનઃ છોડવામાં આવશે.

સરકારના નિયમ પ્રમાણે, તા.15 ઓગસ્ટના રાત્રિના 12 વાગ્યા સુધી આજવા સરોવરના દરવાજાની સપાટી 211 ફૂટ રાખવાની હોય છે. પરંતુ આ દરમિયાન આજવાના ઉપરવાસના વરસાદ અને વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના જળસ્તર અને વરસાદની આગાહીના આધારે તે દરવાજા ઉપર-નીચે કરવાના રહેતા હોય છે. હાલ ભલે આજવા 212.15 ફૂટે છે પરંતુ ખાસ કરીને નિચાણવાળા વિસ્તારોમાં વસતા નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને આજવાના દરવાજા 211ની જગ્યાએ 212.15 ફૂટે લઈ જવામાં આવ્યા છે.

આજવા સરોવરની જો વાત કરીએ તો, આજવામાં પાણી છોડ્યા બાદ વડોદરામાં પ્રવેશતા તેને ચાર કલાક જેટલો સમય થતો હોય છે. આજવા સરોવરમાંથી પાણી ઓવરફ્લો થયા બાદ ભણિયારા સુધી પહોંચતા અંદાજે બેથી અઢી કલાક અને ત્યાંથી વડોદરા આવતા બીજા બે કલાક જેટલો સમય થતો હોય છે. પરંતુ આ સમય મર્યાદા વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી પર ખૂબ આધાર રાખતો હોય છે. જો વિશ્વામિત્રી નદી ખાલી હોય તો પાણી ઝડપથી આવે છે અન્યથા પાણી આવતા વાર લાગતી હોય છે. તા.15 ઓગસ્ટ પછી આજવાના દરવાજા 212 ફૂટ કે તેથી ઉપર ગમે ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉપર નીચે કરવામાં આવતા હોય છે. તંત્ર ચોમાસાના વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તેનું જળસ્તર મેન્ટેન કરતું હોય છે. આજવામાં પાણીના જળસ્તરની મહત્તમ ક્ષમતા 214 ફૂટ દર્શાવવામાં આવી છે. પરંતુ જે રીતે સરોવરના પાળા 100 વર્ષ જૂના છે તેના કારણે આજવા સરોવરની સપાટી 214 ફૂટે લઈ જઈ શકાતી નથી. અગાઉ છેલ્લે આજવાની જળ સપાટી 213.80 ફૂટ કરવામાં આવી હતી. હવે આ વર્ષે વરસાદના આધારે આજવા સરોવરમાં કેટલું પાણી ભરાય છે? એ જોવું રહેવું. ગઈકાલનો આજવાના ઉપરવાસમાં વરસાદ બંધ છે.


Google NewsGoogle News