BAMS ચાર પ્રયત્નમાં જ પાસ કરવાના નિયમ સામે રિટ
આયુર્વેદના વિદ્યાર્થીઓ કોર્ટના શરણે
MBBS અને BDSમાં મહત્તમ પ્રયત્નનો કોઇ નિયમ નથી તો આયુર્વેદિકમાં જ નિયમ શા માટે ? : રજૂઆત
અમદાવાદ,
મંગળવાર
બી.એ.એમ.એસ. (બેચલર ઓફ આયુર્વેદિક મેડિસીન એન્ડ સર્જરી)નો
કોર્સ ચાર પ્રયત્નમાં જ પાસ કરવાના આઇ.એમ.સી.સી. (ઇન્ડિયન મેડિસીન સેન્ટ્રલ
કાઉન્સિલ)ના નિયમને આયુર્વેદના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં
આવ્યો છે. રિટની આગામી સુનાવણી ત્રીસમી માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં
બી.એ.એમ.એસ.નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે
ઇન્ડિયન મેડિસીન સેન્ટ્રલ કાઉન્સિલના સુધારેલા નિયમ પ્રમાણે બી.એ.એમ.એસ. પાસ કરવા
માટે વિદ્યાર્થીઓને ચાર તક જ આપવામાં આવશે અને તેનાથી વધુ તક આપવામાં આવશે નહીં.
અરજદાર વિદ્યાર્થીઓની રજૂઆત છે કે એમ.બી.બી.એસ. (બેચલર ઓફ મેડિસીન અને બેચલર ઓફ
સર્જરી) કે બી.ડી.એસ. (બેચલર ઓફ ડેન્ટલ સર્જરી)માં મહત્તમ પ્રયત્નો અંગે કોઇ નિયમ
નથી તો બી.એ.એમ.એસ.માં આવાં નિયમો શા માટે ?
એમ.બી.બી.એસ. દસ વર્ષમાં પૂર્ણ કરવાનું હોય છે પરંતુ તેમાં મહત્તમ પ્રયત્નોનો
કોઇ નિયમ નથી. આ નવાં નિયમના કારણે આયુર્વેદના ઘણાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય
અંધકારમય બને તેવ શક્યતા છે અને તેઓ આગળના કોઇ કોર્ષમાં પ્રવેશ ન લઇ શકે તેવી
પરિસ્થિતિ ઉભી થઇ છે.