વિદેશી યુનિ.ભારતમાં માત્ર ગિફ્ટ સિટીમાં જ કેમ્પસ સ્થાપી શકશે

વિદેશની યુનિ.ના પ્રથમ કેમ્પસ રૂપે ઓસ્ટ્રેલિયાની યુનિ.નું કેમ્પસ જુન 2024માં શરૂ થશે

વિદેશી યુનિ. ભારતના કેમ્પસમાં નવી શિક્ષણ નીતિ મુજબ જ અભ્યાસક્રમો ભણાવી શકશે

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
વિદેશી યુનિ.ભારતમાં માત્ર ગિફ્ટ સિટીમાં જ કેમ્પસ સ્થાપી શકશે 1 - image

અમદાવાદ

કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી યુનિ.ઓને ભારતમાં પોતાનું કેમ્પસ સ્થાપવા માટેની મંજૂરી આપી છે અને આ માટેના નિયમો પણ તૈયાર કરવામા  આવ્યા છે.જો કે ભારત સરકારના નિયમો મુજબ વિદેશની કોઈ પણ યુનિ.નું કેમ્પસમાં ભારતમાં માત્ર ગુજરાતમાં ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે જ શરૃ થઈ શકશે.વિદેશી યુનિ. ગિફ્ટ સિટી સિવાય કોઈ પણ અન્ય સ્થળે કેમ્પસ સ્થાપી કે શરૃ નહીં કરી શકે. આ ઉપરાંત વિદેશની યુનિ.ઓએ ભારતમાં કેમ્પસ શરૃ કર્યા બાદ તમામ યુજી-પીજી કોર્સ ભારત સરકારની નવી શિક્ષણ નીતિ મુજબ જ ભણાવાવના રહેશે.

ગિફ્ટ સિટીને આઈટી-ફાઈનાન્સ ઉદ્યોગો સાથે આંતરરાષ્ટ્રિય શિક્ષણ થખી વેગ આપવા માટે ભારત સરકારે ગિફ્ટ સિટીથી જ ભાતરમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણના દ્વાર ખોલ્યા છે.ભારત સરકારે વિદેશી યુનિ.ઓને ભારતમાં કેમ્પસ સ્થાપવા માટેની મંજૂરી આપી છે અને ગત વર્ષે ઓક્ટોબરમાં ઈન્ટરેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી હેઠળ ઈન્ટરનેશનલ બ્રાંચ કેમ્પસ કે ઓફશોર એજ્યુકેશનલ સેન્ટર્સ સ્થાપવા માટેના રેગ્યુલેશન્સ ૨૦૨૨  તૈયાર કરાયા હતા.જેને ચાલુ વર્ષે ૨૦૨૩માં બજેટ સત્રમાં પણ મંજૂરી આપવામા આવી હતી. આ નિયમો મુજબ વિશ્વમાં ટોપ ૫૦૦ ગ્લોબલ રેન્કિંગમાં કે ક્યુએસ યુનિવર્સિટી વર્લ્ડ રેન્કિંગમાં સ્થાન મેળવનારી સંસ્થા જ ભારતમાં પોતાનું ઓફશોર એજ્યુકેશનલ સેન્ટર કે ઈન્ટરનેશનલ બ્રાંચ સ્થાપી શકશે.ઉપરાંત નિયમો મુજબ કોઈ પણ વિદેશી યુનિ.ભારતમાં માત્ર ગિફ્ટ સિટી કે જે દેશનું પ્રથમ ગ્રિનફિલ્ડ સ્માર્ટ સિટી છે ,ત્યાં જ પોતાનું કેમ્પસ સ્થાપી શકશે.

વિદેશી યુનિ.એ ભારતના કેમ્પસમાં ખાતે જે પણ યુજી-પીજી કોર્સ શરૃ કરવામા આવે તે ફરજીયાત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ક્રેડિટ કરિક્યુલમ ફ્રેમવર્કને અનુરૃપ જ હોવા જોઈએ.કેન્દ્ર સરકારના આ નવા નિયમો મુજબ ભારતમાં પ્રથમ ફોરેન કેમ્પસ તરીકે ઓસ્ટ્રેલિયાની વોલોન્ગોંગ યુનિ.નું કેમ્પસ સ્થાપનાર છે અને જે જુન ૨૦૨૪થી શરૃ થશે.આજે ગિફટ સિટી ખાતે યુનિ.ઓફ વોલોન્ગોંગ ઈન્ડિાયનો લોગો યુનિ.ના વાઈસ ચાન્સેલર દ્વારા લોન્ચ કરવામા આવ્યો હતો.વિદેશી યુનિ.ના પ્રથમ કેમ્પસ તરીકે ઓસ્ટ્રેલિયાની વોલોન્ગોંગ યુનિ.ના વીસી પેટ્રિસિયા ડેવિડસને જણાવ્યું હતું કે ભારત સરકારની ફરજીયાત શરત છે કે માત્ર ગિફ્ટ સિટીમાં જ કેમ્પસ સ્થાપી શકાશે જેથી અમે અહીં કેમ્પસ શરૃ કર્યુ છે અને અહીં પ્રાથમિક તબક્કે ૫૦૦ વિદ્યાર્થીનો ટાર્ગેટ છે.જાન્યુઆરીમાં એપ્લિકેશન પ્રક્રિયા શરૃ કરાશે.મહત્વનું છે કે ભારત સરકારે વિદેશી યુનિ.ને પોતાના કરિક્યુલમ મુજબ અને પોતાની રીતે ફી નક્કી કરવાની સરળતા સાથે કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપી છે.જેથી ઓસ્ટ્રેલિયાની યુનિ.દ્વારા ૫૦ ટકા ફીમાં ભારતીય વિદ્યાર્થીઓને ભણાવાશે.જે અંદાજે ૮થી૯ લાખ રૃપિયા રહેશે.

ગિફ્ટ સિટીના કેમ્પસમાં પ્રોફેશનલ્સ

ભણવા સાથે નોકરી કરી શકશે

ભારતમાં પ્રથમ ફોરેન યુનિ.કેમ્પસ ઓસ્ટ્રેલિયાની વોલોન્ગોંગ યુનિ.નું સ્થાપનાર છે ત્યારે આ યુનિ.દ્વારા પીજીના બે કોર્સ પ્રાથમિક તબક્કે શરૃ કરાયા છે અને ગિફ્ટ સિટીમાં આવેલી આઈટી ઈન્ડસ્ટ્રીને ધ્યાને રાખીને ફાઈનાન્સ ટેકનોલોજી વિષયના બે કોર્સ શરૃ કરશે .જેમાં એક છે માસ્ટર્સ ઈન કમ્પ્યુટિંગ-ડેટા એનાલિસિસ છે.આ કોર્સમાં ગિફ્ટ સિટીની કંપનીઓમાં કામ કરતા પ્રોફેશનલ્સ ઉપરાંત ભારતની આઈટી કે અન્ય કોઈ કંપનીમાં કામ કરતા પ્રોફેશનલ્સ ભણવા સાથે નોકરી કરી શકશે.

 

 


Google NewsGoogle News