પોરબંદરના માછીમારને ફસાવીને તેની પાસેથી વિડીયો ફોટો મંગાવ્યા
પાકિસ્તાનની હની ટ્રેપની જાળમાં વધુ એક યુવક ફસાયો
યુવતીના નામની બોગસ પ્રોફાઇલ બનાવીને તેની સાથે વોટ્સએપથી સંપર્ક કર્યોઃ એટીએસ દ્વારા યુવકની ધરપકડ
અમદાવાદ,ગુરૂવાર
સોશિયલ મિડીયામાં ફેસબુક કે અન્ય પ્લેટ ફોર્મ પર યુવતીના નામે બનાવટી પ્રોફાઇલ બનાવીને પાકિસ્તાનથી ભારતના લોકોને ટારગેટ કરીને ભારતીય સેનાની જાસુસી કરાવવામાં આવતી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જે સંદર્ભમાં એટીએસ દ્વારા પોરબંદરથી ૨૧ વર્ષીય માછીમાર યુવકની ધરપકડ કરી છે. તેની પાસેથી ભારતીય કોસ્ટ ગાર્ડની જાસુસી કરાવવાના બદલામાં નાણાં અપાયા હોવાના પુરાવા પણ એટીએસને મળ્યા છે. જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર પી બી દેસાઇને બાતમી મળી હતી કે પોરબંદરના સુભાષનગરમાં રહેતો ૨૧ વર્ષીય જતીન ચારણીયા નામનો માછીમાર યુવક છેલ્લાં ચાર મહિનાથી સતત અદવિકા પ્રિન્સ નામની એક મહિલાના ફેસબુક પ્રોફાઇલ તેમજ વોટ્સએપ તેમજ ટેલીગ્રામ સાથે જોડાયેલો છે. જે ચેટ મારફતે ભારતની સંવેદનશીલ વિગતો મોકલે છે. અદવિકા પ્રિન્સ નામનું ફેસબુકનું પેજ પાકિસ્તાની જાસુસ દ્વારા તૈયાર કરીને હનીટ્રેપ કરવામાં આવ્યું હતું. જે બાતમીને આધારે ટેકનીકલ સર્વલન્સના આધારે પોલીસે જતીન ચારણિયાને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસને તપાસ કરતા તેણે ચેટ કરીને પોરબંદર જેટી અને બંદરના વિવિધ ફોટો અને વિડીયો તેમજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ફોટો વિડીયો પણ મોકલ્યા હતા. જેના બદલામાં તેને છ હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાયા હતા. આ ઉપરાંત, ટેલીગ્રામ એપ્લીકેશન પર અનેક ચેટ કરી હતી. આ અંગે એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.