ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન મોડયુલ માટે કામ કરતો ઝુબેર ઝડપાયો
ભારતમાં પણ ફિદાઇન આતંકીઓ તૈયાર કરવાની યોજના હતી
ભારતની લોકશાહીમાં ચોક્કસ કોમ સાથે અન્યાય થતો હોવાનું કહીને ઝુબેર ઉશ્કેરણી કરતો હતોઃ ઘરમાં સર્ચ ઓપરેશન દરમિયાન અનેક દસ્તાવેજો મળી આવ્યા
અમદાવાદ,
સોમવાર
ગુજરાત એટીએસ દ્વારા ત્રણ કાશ્મીરી યુવકો અને મહિલાને ઝડપીને ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (આઇએસકેપી)ના ભારતમાં ચાલી રહેલા આતંકી કનેકશનનો પર્દાફાશ કરાયા બાદ અનેક ચોંકાવનારા તથ્યો પણ બહાર આવ્યા હતા. જેમાં ત્રણેય કાશ્મીરી યુવકો અને મહિલાને આતંકી હુમલા માટે અફઘાનિસ્તાન મોકલવાની યોજના પાછળનો માસ્ટર માઇન્ડ શ્રીનગરનો ઝુબેર મુનશી હોવાનું ખુલ્યું હતું. જે ભારતમાં કટ્ટરવાદી યુવકો અને યુવતીઓને શોધીને આત્મઘાતી હુમલા કરવા માટે તૈયાર કરતો હતો. જે બાતમીના આધારે એટીએસની એક ટીમે ટેકનીકલ સર્વલન્સ ગોઠવીને શ્રીનગર પોલીસની મદદથી ઝુબેર મુનશીને ઝડપી લીધો હતો. ઝુબેરના ઘરેથી એટીએસને કેટલાંક દેશ વિરોધી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. સાથેસાથે પોરબંદરમાં સ્થાનિક મદદ કરનાર વ્યક્તિના મહત્વની ઇનપુટ પણ એટીએસને મળ્યા છે. ગુજરાત એટીએસના અધિકારીઓએ પ્રતિબંધિત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (આઇએસકેપી) સાથે સંકળાયેલા ત્ર્ ઉબેદ નાસીર મીર (રહે. શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર) , હનાન હયાત શૉલ (રહે.નરીબલ કોલોની, સૌરા, શ્રીનગર) અને મોહમ્મદ હાજીમ શાહ (રહે. સૌરા, શ્રીનગર)ની પોરબંદરથી ધરપકડ કર્યા બાદ સુરતના સૈયદપુરામાં આવેલા બેગ-એ-ફિઝા નામના એપાર્ટમેન્ટમાં રહેતી સુમેરાબાનુ મોહમ્મદહનીફ મલેક નામની મહિલાને ઝડપી લેવામાં આવી હતી. આ તમામની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ચારેય ગેરકાયદેસર રીતે પોરબંદરથી ઇરાન પહોંચીને ડુપ્લીકેટ પાસપોર્ટના આધારે અફઘાનિસ્તાન જવાના હતા. જ્યાં તેમને આતંકી ટ્રેનીંગ આપીને મોટો આત્મઘાતી હુમલો કરવા માટે તૈયાર કરવાના હતા.
જો કે ચારેયના માઇન્ડ વોશ કરવા પાછળ શ્રીનગરમાં રહેતો ઝુબેર મુનશી નામના કાશ્મીરી કટ્ટરવાદી યુવકનો હાથ હતો. જે દેશમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ માટે કામ કરતો હતો અને મેગા ક્લાઉડ એપ્લીકેશનની મદદથી હિંદુ અને અન્ય ધર્મ વિરૂદ્વના દસ્તાવેજો, ઓડીયો અને વિડીયો ક્લીપ મંગાવીને સોશિયલ મિડીયાની મદદથી જિહાદ, હિજરત, ફુફર, ખિલાફત જેવી ફાઇલો કટ્ટરવાદી યુવકો અને યુવતીઓને મોકલીને માઇન્ડ વોશ કરાવતો હતો. જે બાતમીને આધારે એટીએસની એક ટીમ શ્રીનગર પહોંચી હતી અને શ્રીનગર પોલીસની મદદ લઇને ટેકનીકલ સર્વલન્સના આધારે ઝુબેરને ઝડપી લીધો હતો અને તેના ઘરે સર્ચ ઓપરેશન કરીને લેપટોપ, મોબાઇલ ફોન ઉપરાંત, ભારત વિરોધી ઉશ્કેરણીજનક સાહિત્ય તેમજ ફિદાઇન હુમલાથી અલ્લાહને ખુશ થશે તેવા દસ્તાવેજો મળી આવ્યા હતા. હાલ એટીએસની ટીમ ટ્રાન્સઝીસ્ટ રિમાન્ડ મેળવીને તેને અમદાવાદ લાવ્યા બાદ મંગળવારે કોર્ટમાં રજૂ કરી કરશે. એટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે ઝુબેર ૧૦૦ થી વધુ યુવકો અને યુવતીઓના સંપર્કમા હતો અને તે ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ માટે અન્ય દેશોમાં આત્મઘાતી હુમલાની સાથે દેશમાં પણ મોટા હુમલાના કાવતરા રચવાની ફિરાકમાં હતો. આ ઉપરાંત,જમ્મુ કાશ્મીરમાં તે કેટલાંક આતંકીઓ સાથે પણ સંપર્કમાં હતો. ત્યારે તેની પુછપરછમાં અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવવાની સંભાવના છે.
ફિદાઇન હુમલો કરવો તે
સુમેરાબાનુંનું એક માત્ર લક્ષ્ય હતું
અમદાવાદ,
સોમવાર
એટીએસના અધિકારીઓને સુમેરાબાનુંના કબાટમાંથી મોટા પ્રમાણમાં
દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજોમાં ગાયોના દેશમાં રહેતા રહેવાસીઓને ચેતવણી આપતો મેસેજ પણ હતો. જે સુમેરાબાનું
એ તેની સાથે સોશિયલ મિડીયામાં જોડાયેલી કેટલીક યુવતીઓને મોકલ્યો હતો. સુમેરાબાનુંનાના
લગ્ન તમિલનાડુ ખાતે થયા હતા. પરંતુ,
પતિ સાથે મનમેળ ન થતા તેણે તલાક માટે અરજી કરી હતી અને બાદમાં આ જવાબદારી મુક્ત
થઇને ફિદાઇન આતંકી બનવાની યોજના પણ બનાવી હતી. તેની પાસેથી ઇસ્લામિક ભાષામાં લખાયેલા
અનેક સાહિત્યો મળી આવ્યા છે. જે અંગે વિસ્તાર પૂર્વક તપાસ ચાલી રહી છે.