કોરોનાના મૃતકોના સ્વજનોને સહાય મેળવતા આંખે પાણી આવશે, આજથી ફોર્મ ભરાશે
કોરોનાથી મૃત્યુ થયું છે કે કેમ તે કમિટી નક્કી કરશે
રૂા.50 હજારની સરકારી સહાય મેળવવા માટે મૃતકના પરિવારજનોએ લાંબી કાર્યવાહીમાંથી પસાર થવું પડશે
અમદાવાદ : સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનને પગલે કેન્દ્ર સરકારે કોરોનાના મૃતકના પરિવારજનને રૂા.50 હજાર સહાય આપવા નક્કી કર્યુ છે. આ સરકારી સહાય માટે તા.15મી નવેમ્બરથી કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરાશે.
જોકે, આ સહાય મેળવતા મૃતકના પરિવારજનોને આંખે અંધારા આવી જશે તેનુ કારણ એ છેકે, મૃતકનુ મૃત્યુુ કોરોનાથી થયુ છે તે સર્ટિફિકેટ આધારે જ સહાય ચૂકવાશે. હવે સવાલ એ ઉભો થયો છેકે, મોટાભાગના કોરોનાના મૃતકોના સર્ટિફિકેટમાં મોતનુ કારણ જ લખ્યુ નથી જેના કારણે સરકારી અિધકારી અને લોકો વચ્ચે નોકઝોક થવાની શક્યતા છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઇ હતી. સરકારી ચોપડે કોરોનાનો મૃત્યુઆંક 10 હજારથી વધુ છે . હકીકતમાં કોરોનાનો મૃત્યુઆંક ઘણો મોટો છે. હવે જયારે સરકારે સહાય આપવાનુ નક્કી કર્યુ છે ત્યારે મોટી સંખ્યામાં ફોર્મ ભરાય તેવી શક્યતા છે.
આ ફોર્મને પગલે કોરોનાના મૃત્યુઆંકનો સાચી હકીકત બહાર આવે તેવો સરકારને જ ભય સતાવી રહ્યો છે. આ અગાઉ પણ કોરોનાને કારણે નિરાધાર બાળકોને સહાય આપવાનુ નક્કી કરાયુ ત્યારે પણ ફોર્મને પગલે કોરોનાનો મૃત્યુઆંક બહાર આવ્યો હતો જેથી હોબાળો મચ્યો હતો.
હવે જયારે કોરોનાના મૃતકના પરિવારજનોને રૂા.50 હજાર સહાય ચુકવવા નક્કી કરાયુ છે ત્યારે સોમવારથી કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સરકારે એવુ નક્કી કર્યુ છેકે, નિયત ફોર્મની સાથે સાથે અરજદારે મરણનુ પ્રમાણપત્ર, મૃતકના જન્મનો દાખલો, આધારકાર્ડ, રેશનકાર્ડ , વારસાઇનુ પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. આ ઉપરાંત મૃતકના સ્વજનોએ રજીસ્ટ્રાર( જન્મ-મરણ)ને ફોર્મ-4 ભરી અરજી કરવાની રહેશે.
મૃતકનુ મૃત્યુ કોરોનાથી થયુ છે કે કેમ તેની ચકાસણી કરવા સરકારે એક કમિટીની રચના કરી છે જેમાં અધિક નિવાસી કલેક્ટર,જિલ્લા આરોગ્ય અધિકારી, મેડિકલ કોલેજના મેડિસીન વિભાગના પ્રાધ્યાપકનો સમાવેશ કરાયો છે. આ કમિટી આખરી નિર્ણય કરી સર્ટિફિકેટ આપશે જે આધારે રૂા.50 હજાર સહાય ચૂકવાશે. ટૂંકમાં, સહાય મેળવવા માટે મૃતકના પરિવારજનોએ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે.