અંગત અદાવતમાં માથાભારે શખ્સોએ યુવકની તેના જ ઘર પાસે હત્યા કરી
અમરાઇવાડીમાં કાયદો અને વ્યવસ્થાને લઇને વધુ એકવાર પ્રશ્નાર્થ
સાગર રાઠોડ અને વિનય પરમાર નામના માથાભારે શખ્સોએ એક પછી એક છરીના અનેક ઘા ઝીંકીને નિર્દોષ યુવકનો જીવ લીધો
અમદાવાદ,સોમવાર
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઇને પોલીસની કામગીરીને લઇને અનેક સવાલ સતત ઉભા થાય છે. ત્યારે અમરાઇવાડીના આદર્શનગરમાં રહેતા એક ૨૬ વર્ષીય યુવકની બે માથાભારે શખ્સોએ છ મહિના પહેલા થયેલી થયેલી તકરારનો બદલો લેવાના બદઇરાદે છરીના ઘા ઝીંકીને હત્યા કરી હોવાની ઘટના બની છે. આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલ અમરાઇવાડી પોલીસે રાબેતા મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શહેરના અમરાઇવાડીના આદર્શનગર વિસ્તારમાં રહેતા મધુબેન પરમારે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે તેમના પુત્ર અને દીકરી સાથે રહે છે. તેમનો ૨૬ વર્ષીય પુત્ર ભાવેશ પરમાર ટ્રક ચલાવીને ઘરનું ગુજરાન ચલાવવામાં મદદ કરે છે. ભાવેશને થોડા મહિના પહેલા તેમની નજીકમાં રહેતા સાગર રાઠોડ નામના માથાભારે યુવક સાથે તકરાર થઇ હતી. ત્યારબાદ સાગર રાઠોડ તેને અવારનવાર ધમકી આપતો હતો. રવિવારે રાતના નવ વાગ્યાના આસપાસ ભાવેશ જમીને ઘરેથી બહાર નીકળ્યો હતો. ત્યારે સાગર રાઠોડ અને વિનય પરમારે તેને રોકીને અગાઉ થયેલી તકરારને લઇને માથાકુટ કરી હતી. આ દરમિયાન છરી કાઢીને ભાવેશ પર તુટી પડયા હતા. જેમાં પગમાં, પીઠમાં, સાથળના ભાગે અને પેટમાં ઘા ઝીંકી દીધા હતા. આ સમયે આસપાસના લોકો દોડી આવતા બંને જણા નાસી ગયા હતા. આ અંગે લોકોએ મધુબેનને જાણ કરતા તે તેમના પુત્ર અને પુત્રી સાથે દોડી આવ્યા હતા અને ભાવેશને લોહીલુહાણ હાલતમાં એલ જી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પરંતુ, આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને માથાભારે તત્વો દ્વારા આ પ્રકારે હત્યા કરવી, મારા મારી કરવા જેવી અનેક ઘટનાઓ બને છે. ત્યારે પોલીસને આ મામલે આરોપીઓ સામે આકરા પગલા ભરવા માટે રજૂઆત કરવામાં આવી છે.