લઠ્ઠાકાંડ વપરાયેલું મિથેનોલ વેચનાર સમીર પટેલ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયાની ચર્ચા
માલ ચોરાયો હોવાની બહાનું કરી છટકવાનો પ્રયાસ
એમોઝ કોર્પોરેશનના પ્રમોટર સમીર પટેલની સંડોવણી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
ધંધુકા અને બોટાદમા લઠ્ઠાકાંડના ગુજરાત ચેમ્બરમાં પણ દાદાગીરી કરવા માટે પંકાયેલા સમીર પટેલની સંડોવણી બહાર આવી રહી છે. તેમની ફેક્ટરીમાંથી જ મિથેનોલ વેચાયું હોવાનું બહાર આવ્યું છે.હવે આ મિથેનોલ ચોરાયું હોવાનું બહાનું ઉપજાવી કાઢવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે. લઠ્ઠાકાંડમાં સમીર પટેલની ફેક્ટરીનો માલ વપરાયો હોવાની વાત આવતા સમીર પટેલ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
સમીર પટેલની પીપળજમાં આવેલા દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી કંપનીમાંથી બુટલેગર્સને સપ્લાય કરવામાં આવ્યું હોવાનું ખુલી રહ્યું છે. સમીર પટેલની માલિકીના એમોઝ કોર્પોરેશન અને એમોઝ એન્ટરપ્રાઈસની ઑફિસના સ્ટાફને પૂછપરછ થાય ને ભળતી જ વાત બહાર ન આવી જાય તે માટે તેમની ઑફિસોમાં પણ સ્ટાફની અવરજવર અટકાવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જયેશ ઉર્ફે રાજુ સમીર પટેલની ત્યાં લેબર સપ્લાયર તરીકેનું કામ પણ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જયેશ પોલીસની ઝપટે ચઢી ચૂક્યો હોવાથી તેને પેકિંગ માટે મળેલું મિથેનોલમાં થોડું થોડું પાણી ઉમેરીને જયેશે અંદાજે ૬૦૦ લિટર જેટલું મિથેનોલ અલગ તારવી લીધું હોવાની એલિબિ ઊભી કરવામાં આવી રહી છે. નશાબંધી ખાતાના અધિકારીઓ સાથે સમીર પટેલ વરસોથી ઘરોબો ધરાવે છે. તેથી તેમના માધ્યમથી આ કેસમાં સેટિંગ કરવામાં આવે તેવી સંભાવનાને નકારી શકાતી નથી.
ખેતીના યુરિયાને ટેકનિકલ ગ્રેડના યુરિયામાં રૂપાંતર કરીને વેચવાના કૌભાંડમાં સંડોવણી
એમોઝ કોર્પોરેશનના પ્રમોટર સમીર પટેલ ખેતી માટેના યુરિયાને ટેકનિકલ ગ્રેડના યુરિયામાં રૃપાંતરિત કરીને વેચવાના કૌભાંડમાં પણ સંડોવાયેલા હોવાની ચર્ચાએ આ સાથે જ જોર પકડયું છે. ખેતી માટેનું યુરિયા રૃા. ૭ના કિલોદીઠ ભાવે વેચાય છે. તેમાં સરકારની સબસિડી ખાસ્સી હોવાથી તે સસ્તુ વેચાય છે. તેને પ્રોસેસ હાઉસ સહિતની કેમિકલની અન્ય પ્રક્રિયા માટેના ટેકનિકલ ગ્રેડના યુરિયા તરીકે વેચવામાં આવે તો તેનો કિલોદીઠ ભાવ રૃા. ૬૦થી ૭૦ આસપાસનો ઉપજતો હોવાનું જાણવા મળીરહ્યું છે. આમ સરકારની સબસિડીનો દુરુપયોગ કરાયો હોવાની પણ શક્યતા રહેલી છે.
ગુજરાતના પૂર્વ મંત્રી નલીન પટેલના પુત્ર,ચેમ્બરના પૂર્વ વાઈસ પ્રેસિડન્ટ સમીર પટેલને દાદાગીરી કરવાની કુટેવ
ગુજરાતમાં ચીમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે પ્રધાનપદ શોભાવી ચૂકેલા નલિન પટેલના પુત્ર સમીર પટેલ આ અગાઉ ગુજરાત ચેમ્બરના પૂર્વ પ્રમુખનો જાહેરમાં કૉલર પકડીને દાદાગીરી કરવાનો પ્રયાસ કરીને પોતાની તોછડાઈનું પ્રદર્શન કરી ચૂક્યા છે. તેમને સિનિયર વાઈસ પ્રેસિડન્ટના હોદ્દા પરથી પ્રેસિડન્ટ સુધી જવા ન મળ્યા પછી કોઈકકારણ સર ગિન્નાયેલા સમીર પટેલે તે વખતના પ્રમુખનો કોલર પકડીને તેમને હડસેલો મારવાની જાહેરમાં ચેષ્ટા કરી હતી. આ કારણો પણ તેઓ બહુ જ વગોવાયા હતા. સમીર પટેલને સૌરભ પટેલ સાથે પણ નિકટનો ઘરોબો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેથી જ તેમના સ્વભાવમાં આક્રમકતા હોવાનું પણ જોવા મળતું હતું.