Get The App

અમદાવાદ ટ્રાફિક પોલીસ રોંગસાઇટમાં આવતા વાહનચાલકો સામે ગુનો નોંધશે

લેફ્ટ ફ્રીની ડ્રાઇવમાં સફળ નથી થઇ ત્યારે પોલીસ નવી ડ્રાઇવ શરૂ કરશે

રોંગસાઇડમાં જતા વાહનોને કારણે ગંભીર અકસ્માતો થયા હોવાનું કારણ આપી ડ્રાઇવનો નિર્ણય લેવાયોઃ અધિકારી

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
અમદાવાદ ટ્રાફિક પોલીસ રોંગસાઇટમાં આવતા વાહનચાલકો સામે ગુનો નોંધશે 1 - image

, શુક્રવાર

અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને લઇને પ્રકારના આયોજન કરવામાં આવે છે.  જો કે પોલીસને ધારી સફળતા મળી નથી.  ત્યારે ટ્રાફિક પોલીસ હવે રોંગસાઇડમાં જતા વાહનો ચાલકો સામે એક સપ્તાહ સુધી ડ્રાઇવ ચલાવશે. જેમાં આઇપીસીની કલમ હેઠળ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.અમદાવાદમાં રોંગસાઇડમાં જતા વાહનો સામે પ્રથમવાર આ પ્રકારની ડ્રાઇવ શરૂ કરવામાં આવનાર છે. રોંગ સાઇડમાં જતા વાહનોને કારણે વધી રહેલા અકસ્માતો પર કાબુ મેળવવા માટે આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હોવાનો દાવો પોલીસ અધિકારીઓ દ્વારા કરાયો છે.  અમદાવાદના અનેક વિસ્તારોમાં રોંગસાઇડમાં ચલાવવામાં આવતા વાહનોના કારણે અનેકવાર ગંભીર અકસ્માત સર્જાય છે. જેમાં કેટલાંક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે  રોંગસાઇડમાં આવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ૨૨થી ૩૦ની જુન દરમિયાન સમગ્ર શહેરમાં વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવશે.  જેમાં ટ્રાફિક પોલીસના સ્ટાફ ઉપરાંત, સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવશે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ રોંગસાઇડમાં જતા વાહનોને કારણે પ્રતિદિન નાના મોટા ૧૫થી વધુ અકસ્માતો થતા હોય છે. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ વિભાગના જોઇન્ટ પોલીસ કમિશનર  એન એન ચૌધરીએ જણાવ્યું કે  રોંગસાઇડમાં વાહન ચલાવનારાઓ વિરૂદ્વ આઇપીસીની કલમ ૨૭૯ અને એમવી  એક્ટની કલમ ૧૮૪ મુજબ વાહનચાલક વિરૂદ્વ ગુનો નોંધવામાં આવશે. જેમાં વાહન જપ્ત કરવાની સાથે વાહનચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  આ માટે શહેરના વિવિધ ટફિક જંકશન પર પોલીસ સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે. જો કે આ અગાઉ પણ અમદાવાદ પોલીસ દ્વારા વિવિધ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં લેફ્ટ ફ્રી કરવાના , ઓવરલોડ વાહનો પકડવા માટે ડ્રાઇવ કરવામાં આવી હતી. પરંતુ, આ ડ્રાઇવ બાદ ફરીથી પરિસ્થિતિ જૈસે થે તેવી થઇ હતી. આમ, પોલીસ દ્વારા યોજવામાં આવતી ડ્રાઇવ બાદ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ વાહનચાલકો દ્વારા કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News