મધ્યપ્રદેશમાં ઘરેથી ભાગી ગયેલા ત્રણ બાળકોેને પરિવારજનોને પરત સોંપાયા
વાહનચેંકિગ દરમિયાન પોલીસની કામગીરી
રનેહ જિલ્લામાંથી નીકળ્યા બાદ ત્રણેય મિત્રો નીકળ્યા બાદ બે દિવસ રાજસ્થાનમાં રહ્યા બાદ અમદાવાદ આવ્યા હતા
અમદાવાદ,ગુવાર
અમદાવાદ ટ્રાફિક પોલીસે સુભાષબ્રીજ સર્કલ પાસે વાહનચેકિંગ દરમિયાન ત્રણ સગીર બાળકોને જોયા હતા. જેથી શંકાને આધારે પુછપરછ કરતા ત્રણેય મધ્યપ્રદેશના રનેહ જિલ્લામાં આવેલા ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ રાજસ્થાન ગયા બાદ અમદાવાદ આવ્યા હતા. આ બાબતે એલ ડીવીઝન ટ્રાફિક પોલીસે મધ્યપ્રદેશ પોલીસને જાણ કરીને ત્રણેય બાળકોને તેમના પરિવારજનોને પરત સોંપ્યા હતા. શહેરના સુભાષબ્રીજ સર્કલ પાસે બુધવારે સાંજે એલ ડીવીઝન ટ્રાફિક પોલીસનો સ્ટાફ વાહનચેકિંગમાં હતા ત્યારે એક રીક્ષા પાસે ત્રણ સગીરવયના બાળકો ઉભા હતા અને રેલવે સ્ટેશન તરફ જવા માટેનો રસ્તો પુછતા હતા.
જેથી પોલીસને શંકા જતા ત્રણેય બાળકોને બોલાવીને વિશ્વાસમાં લીધા બાદ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ત્રણેય સગીર મિત્રો છે અને મધ્યપ્રદેશ જિલ્લાના રનેહ જિલ્લામાં રહે છે. ગત ૨૪ ઓગસ્ટના રોજ સાંજના સમયે ત્રણેય કોઇ કારણસર ઘરેથી નીકળી ગયા હતા. જેથી પોલીસે મધ્યપ્રદેશ પોલીસને કોલ કરીને બાળકો અંગે પુછતા જાણવા મળ્યું હતું કે બાળકોના માતા પિતાએ તેમના ગુમ થવા અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. સાથેસાથે પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ પંચાલે બાળકોના ફોટો મોકલીને ખાતરી કરાવી હતી. જેથી ત્રણેયના માતા પિતા અને પોલીસની ટીમ અમદાવાદ આવતા તેમને બાળકો સુપરત કરવામાં આવ્યા હતા.