Get The App

બાળકોમાં ૧૬ સંસ્કાર બાદ ૧૭માં સંસ્કાર તરીકે ટ્રાફિકના નિયમોને જોડયા

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની અનોખી પહેલ

ટ્રાફિકના નિયમો અંગે બાળકો જાગૃત થાય તે હેતુથી શાળામાંઓમાં બાળકોને ખાસ હેલ્મેટ આપવામાં આવ્યા

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
બાળકોમાં ૧૬ સંસ્કાર બાદ ૧૭માં સંસ્કાર તરીકે ટ્રાફિકના નિયમોને જોડયા 1 - image

અમદાવાદ,ગુરૂવાર

આપણા શાસ્ત્રમાં ૧૬ સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના થકી ઉમદા વ્યક્તિ બની શકાય છે. પરંતુ, આવનારા સમયમાં બાળકોમાં ટ્રાફિક જેવા સંવેદનશીલ મુદ્દાને લઇને ગંભીરતા આવે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક  પોલીસ દ્વારા અમદાવાદમાં સૌ પ્રથમવાર અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં બાળકોને ૧૭માં સંસ્કાર તરીકે હેલ્મેટ આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં આવેલી વિવિધ શાળાના સાત હજાર જેટલા બાળકોેને ખાસ તૈયાર કરવામાં આવેલા હેલ્મેટ આપીને ટ્રાફિકના પ્રશ્ન અંગે જાગૃત કરવામાં આવશે. ભારતીય સંસ્કૃતિમાં બાળકના જન્મથી  લઇને મૃત્યુ સુધીના ૧૬ સંસ્કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંસ્કારોથી અર્થપૂર્ણ અને  સ્વસ્થ જીવન જીવી શકાય છે. પરંતુ, આવનારી પેઢી ટ્રાફિકના નિયમોનું  પાલન કરવા માટે જાગૃત બને તે માટે  અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૭માં સંસ્કાર તરીકે બાળકોને હેલ્મેટ સંસ્કારને જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી વિવિધ શાળાઓના સાત હજાર જેટલા બાળકોેને હેલ્મેટ આપવામાં આવશે. જે અંતર્ગત  હીરાભાઇ ટાવર રોડ ઇસનપુર ખાતે રોટરી ક્લબના સહયોગથી  અમદાવાદ ટ્રાફિક પોલીસે બાળકોને હેલ્મેટ આપ્યા હતા. 

બાળકોમાં ૧૬ સંસ્કાર બાદ ૧૭માં સંસ્કાર તરીકે ટ્રાફિકના નિયમોને જોડયા 2 - image
આ અંગે માહિતી આપતા અમદાવાદ પૂર્વના ડીસીપી ટ્રાફિક સફીન હસને જણાવ્યું કે  ૧૭ સંસ્કાર તરીકે હેલ્મેટ સંસ્કારના બે મહત્વની ઉદેશ છે. જેમાં નાની ઉમરથી બાળકોમાં  હેલ્મેટ પહેરવાની  આદત કેળવાઇ તેમજ બાળકોને હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવાથી તેના માતા-પિતા કે વાલીઓ પણ હેલ્મેટ પહેરવા માટે પ્રેરણા મેળવે.આ પ્રોજેક્ટને ખુબ શરૂઆતથી સારો પ્રતિસાદ મળ્યો છે. આગામી સમયમાં કુલ સાત હજાર જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવશે.  અમદાવાદમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે કે જેમાં વાહનચાલકો નહી પણ તેમના બાળકોને જોડીને ટ્રાફિક અવેરનેસ વધારવામાં આવી રહી છે.


Google NewsGoogle News