ટોઇંગ કરેલું સ્કૂટર છોડાવવા આવેલા યુવકોને પોલીસે માર મારી ધમકી આપી

બી ડીવીઝન ટ્રાફિક પોલીસે યુવકને માર મારીને ધમકી આપી

અન્ય વાહનચાલકો પાસેથી પણ ૭૫૦ રૂપિયાના દંડના બદલે ૩૦૦ રૂપિયા બારાબોર લેવાતા હોવાનો આક્ષેપઃ પોલીસે ફરજમાં અડચણની ફરિયાદ નોંધી

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
ટોઇંગ કરેલું સ્કૂટર  છોડાવવા આવેલા યુવકોને પોલીસે માર મારી ધમકી આપી 1 - image

અમદાવાદ, રવિવાર

પોલીસ દ્વારા વાહનોને  ટોઇંગ કરીને તેને છોડાવવાની સામે સત્તાવાર દંડ વસુલવાના બદલે મોટાભાગના કિસ્સામાં વાહનચાલકની મજબુરીનો લાભ લઇને ૩૦૦થી ૫૦૦ રૂપિયા લઇને તોડબાજી કરવાના આક્ષેપો અનેકવાર થયા છે. ત્યારે બી ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ટોઇંગ સ્ટાફ દ્વારા એક સ્કૂટર છોડાવવાના બદલામાં ૩૦૦ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. એટલું જ નહી યુવક પોલીસ સ્ટેશનનમાં માર મારીને કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ બી ડીવીઝન ટ્રાફિક પોલીસે યુવક, યુવકના પિતા સહિત ત્રણ લોકો વિરૂદ્વ ફરજમાં અડચણ ઉભી કરવાનો ગુનો નોંધ્યો છે. ત્યારે આ બનાવને પગલે વાહન ટોઇંગ કરતા મોટાભાગના પોલીસ સ્ટાફ દ્વારા વાહનચાલકો સાથે કરવામાં આવતા વર્તનની પોલ પણ ખુલી પડી ગઇ છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ઉસ્માનપુરા અનુષ મૂર્તિ ફ્લેટમાં રહેતા રૂષભ શાહના મિત્ર આયુષ શાહનું સ્કૂટર બી ડીવીઝન ટ્રાફિક પોલીસ દ્વારા  જીએલએસ કોલેજ પાસેથી ટોંઇગ કરવામાં આવ્યું હતું.  જેને મીઠાખળી પાસે આવેલા ટોઇંગ સ્ટેશન પર આવ્યા હતા. જ્યાં હાજર પોલીસ કર્મચારી બાબુભાઇ આત્મારામે રૂષભને કહ્યું હતું કે ૩૦૦ રૂપિયા વાહન છોડાવવા માટે આપવા પડશે. જેની પહોંચ મળશે નહી.  બાદમાં એમ કહ્યું હતું કે જો સાડા સાતસો રૂપિયા દંડ આપશો અત્યારે જ પહોંચ આપીને વાહન આપી દઇશુ અને જો ૩૦૦ રૂપિયા આપીને છોડાવવું હોય તો અડધો કલાક રાહ જોવી પડશે. જો કે તેમની પાસે ૭૫૦ રૂપિયા ન હોવાથી તે બાજુમાં આવેલા ઝાડ નીચે ઉભા હતા. ત્યારે જીએલએસની અન્ય એક યુવતીનું વાહન પણ ટોઇંગ કર્યું હતું. જો કે ઓનલાઇન નાણાં  પેમેન્ટ થતા ન હોવાથી પોલીસે તેની પાસેથી ૩૦૦ રૂપિયા માંગ્યા હતા. જે રોકડા ન હોવાથી  અન્ય વ્યક્તિ પાસેથી લીધા હતા. જે પોલીસને ચુકવ્યા હતા.  જો કે સમયે નાણાં લેતા સમયે કેટલાંક લોકો પોલીસને જોતા હોવાથી  પોલીસે તમામને બહાર ઉભા રહેવા માટે કહ્યું હતું પરંતુ, બપોરના સમયે તાપ હોવાથી રૂષભ અને આયુષે કહ્યું હતું કે અમે અહિયા શાંતિથી ઉભા છીએ. પંરંતુ, ત્યાં હાજર એક પોલીસ કર્મચારી પાસે આવ્યો હતો અને કોલર પડકીને બહાર ઘસેડીને ગાળો બોલી હતી. જેથી રૂષભે તેમને ગાળો બોલવાની ના પાડતા  અન્ય એક વ્યક્તિ આવ્યો હતો. તેણે રૂષભને પકડીને એક કાર સાથે અથડાવ્યો હતો અને તમાચા માર્યા હતા.એટલું જ નહી નાક પર પંચ મારતા નાકમાં લોહી પણ નીકળ્યું હતું. આ સમયે આયુષ અને અન્ય એક મિત્ર તેને છોડાવવા ગયા ત્યારે તેમને બહાર ધકેલી દીધા હતા. અને રૂષભ જાણે રીઢો ગુનેગાર હોય તેમ તેની સાથે વર્તન કરીને પોલીસ સ્ટેશનમાં લઇ જઇને નીચે બેસાડી દીધો હતો અને ધમકી આપી હતી કે હવે તારા પર મોટો કેસ કરીશ અને ૩૩૨ કલમનો ગુનો નોંધીશું. આ સમયે આયુષના પિતા શૈલેષભાઇ આવ્યા હતા.  તેમણે રૂષભ સાથે કરવામાં આવતા  વર્તનને અંગે સવાલ કરતા પોલીસે તેમને કહ્યુ હતું કે હું તમારા પુત્ર આયુષ પર કેસ દાખલ નથી કરવાનો પણ રૂષભિ વિરૂદ્વ ગુનો નોંધીશુ. પરંતુ, જો તમે કો-ઓપરેટ નહી કરો તો તમારા દીકરા આયુષને પણ ફીટ કરી દઇશ. જે દરમિયાન રૂષભના પિતા જીગ્નેશભાઇ ત્યાં આવ્યા હતા અને  સમગ્ર બાબતને જાણીને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જે બાદ રૂષભને સારવાર માટે લઇ ગયા હતા. જે અંગે તેમણે નવરંગપુરા પોલીસ મથકે  બી ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મચારી બાબુભાઇ આત્મારામ અને  અન્ય સ્ટાફ વિરૂદ્વ ગુનો નોંધાવ્યો હતો. 

જ્યારે બીજી તરફ બી ડીવીઝન પોલીસ ્સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ બાબુભાઇ આત્મારામે રૂષભ શાહ, જીગ્નેશ શાહ અને  આયુષ શાહ વિરૂદ્વ ગુનો નોંધ્યો છે. જેમાં આરોપ મુકાયો છે કે  તેમનું વાહન ટોઇંગ કર્યા બાદ ૭૫૦ રૂપિયાનો દંડ ભરવાનું કહેવામાં  આવ્યું હતું. પરંતુ, ત્રણેય જણાએ પોલીસ સાથે ઝપાઝપી કરીને  જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

 

 

જો કોઇ દંડ ભરવાનું કહે તો પોલીસના મળતિયા ૩૦૦ ભરવાનું સમજાવે

અમદાવાદ, રવિવાર

સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે ટોઇંગ કરવામા ંઆવેલા વાહનને છોડાવવા માટે આવનારાઓ પાસે ૭૫૦  રૂપિયા કે દંડની પુરતી રકમ ન હોવાનો લાભ પોલીસ દ્વારા લેવામાં આવે છે. જેમાં પોલીસ માટે સેટિંગ કરતા ખાનગી સ્ટાફ ૩૦૦ રૂપિયાની માંગણી કરીને વાહન બારોબાર આપી દેેવામાં આવે છે. એટલું જ પોલીસનો એ પ્રયાસ પણ રહેતો હોય છે કે વાહન છોડાવવા આવનાર વ્યક્તિ કાયદેસરનો દંડ નહી પણ બારોબાર ૩૦૦ રૂપિયા ચુકવી આપે. જેથી દિવસનો રોકડીનો ટારગેટ પુરો થઇ જાય. આ ૩૦૦ રૂપિયામાં ૫૦ થી ૧૦૦ રૂપિયા ટોઇંગ સ્ટાફને આપવામાં આવે છે અને બાકીને ૨૦૦નો હિસાબ પોલીસ સ્ટાફ વચ્ચે થતો હોય છે.


Google NewsGoogle News