ફિલ્મી સ્ટાઈલમાં સ્ટંટ કરી એસ.જી.હાઈવેને માથે લેનારા 6 નબીરા ઝડપાયા, પોલીસે 5 કાર કબજે કરી

સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ થયો હતો

વસ્ત્રાલમાં રહેતા યુવકે નવી કાર લીધી હોવાથી મિત્રો સાથે મળીને હાઇવે પર ઉજવણીના નામે રસ્તો બાનમાં લીધો

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
ફિલ્મી સ્ટાઈલમાં સ્ટંટ કરી એસ.જી.હાઈવેને માથે લેનારા 6 નબીરા ઝડપાયા, પોલીસે 5 કાર કબજે કરી 1 - image

અમદાવાદ,રવિવાર

સોશિયલ મીડિયામાં એસ જી હાઇવે પરનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં 10 જેટલા નબીરાઓએ એસયુવી  અને લક્ઝરી કાર ચલાવીને રસ્તો બાનમાં લીધો હતો. જેના આધારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને ક્રાઇમબ્રાંચના સ્ટાફે કારના રજીસ્ટ્રેશન નંબર અને વિડીયોને આધારે રવિવારે છ યુવકોને ધરપકડ કરીને ત્રણ કાર જપ્ત કરી હતી. વસ્ત્રાલમાં રહેતા એક યુવકે નવી કાર લીધી હતી. જેની  ઉજવણી કરવા માટે તેના મિત્રોએ હાઇવે પર કાર લઇ જઇને બાનમાં લીધો હતો.

શનિવારે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એસ જી હાઇવે પર 10 જેટલા નબીરાઓ લક્ઝરી અને એસયુવી કારને બેદરકારી પૂર્વક ચલાવતા હતા અને હાઇવેને બાનમાં લીધો હતો. જે વિડીયો વાયરલ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓેએ તપાસના આદેશ આપતા કાર રજીસ્ટ્રેશનને આધારે કારના માલિકો અંગે માહિતી મેળવીને કાર્યવાહી કરવામાં આવી હતી.  પોલીસે આ મામલે રવિવારે છ યુવકોને ત્રણ કાર સાથે ઝડપી લીધા હતા. ફિલ્મી સ્ટાઈલમાં સ્ટંટ કરી એસ.જી.હાઈવેને માથે લેનારા 6 નબીરા ઝડપાયા, પોલીસે 5 કાર કબજે કરી 2 - image

પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે વસ્ત્રાલમાં રહેતા મનીષ ગોસ્વામી નામના યુવકે નવી કાર લીધી હતી. જેની ઉજવણી કરવા માટે ગત ૧૮મી ઓગસ્ટના રોજ તેના મિત્રોએ વિવિધ કારને સાથે રાખીને હાઇવે પર સ્ટંટ કર્યા હતા. પુછપરછમાં ઝડપાયેલા યુવકોના નામ મેક્ષ પટેલ (રહે. શ્લોક એેલેન્ઝા,ગોતા), પ્રિમત સેમરિયા (રહે. તીર્થ રેસીડેન્સી, કડી), ગોવિંદસિંહ ચૌહાણ (રહે. કર્મભૂમિ સોસાયટી,ન્યુ આરટીઓ રોડ, રામોલ), મિતેષગીરી ગોસ્વામી (રહે. શીવશંકર સોસાયટી, ગોતા), આશીષ પ્રજાપતિ (રહે. શુકન એપાર્ટમેન્ટરાણીપ)  અને ઇશ્વર રાઠોડ (રહે.હરીજી પાર્ક, વસ્ત્રાલ) હોવાનુ જાણવા મળ્યું હતું. એસ જી હાઇવે-૨ પોલીસે આ અંગે અન્ય કાર જપ્ત કરવા તજવીજ હાથ ધરી છે.

ફિલ્મી સ્ટાઈલમાં સ્ટંટ કરી એસ.જી.હાઈવેને માથે લેનારા 6 નબીરા ઝડપાયા, પોલીસે 5 કાર કબજે કરી 3 - image

બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓે વાયરલ વિડીયોમાં દેખાતા પોલીસ કર્મચારીઓ અને ટીઆરબી જવાનોની બેદરકારીની નોંધ લીધી છે. પોલીસની નજર સામેથી નબીરાઓએ રોડને બાનમાં લીધો હતો. તેમ છતાંય, કોઇ કાર્યવાહી કરી નહોતી. જે બાબતે વિડીયોમાં દેખાતા સ્ટાફ સામે જરૂરી પગલા ભરવા માટે સુચના આપી છે.


Google NewsGoogle News