મિરઝાપુરમાં યુવકની હત્યાના આરોપીની જામીન અરજી ફગાવાઇ

પત્નીની સર્જરી માટે ૩૦ દિવસના જામીન માંગ્યા હતા

અગાઉ આરોપીએ જેલમાંથી ફરિયાદી પક્ષને કોલ ધમકી આપવાની સાથે સમાધાન માટે દબાણ કર્યુ હતું

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
મિરઝાપુરમાં યુવકની હત્યાના આરોપીની જામીન અરજી ફગાવાઇ 1 - image

(આરોપી -મોહસીન પઠાણ) અમદાવાદ,બુધવાર

શહેરના મીરઝાપુરમાં નવ મહિના પહેલા માથાભારે વ્યક્તિ અને તેના ત્રણ પુત્રોએ અંગત અદાવત રાખીને મોહંમદ બિલાલ બેલીમ નામના યુવકને છરીને ૪૦થી વધારે ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ કેસના તમામ આરોપીઓએ અગાઉ જામીન તેમજ પેરોલ અરજી કરી હતી. જે કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. ત્યારે મોહસીન નામના આરોપીની ૩૦ દિવસની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી હતી. શહેરના મિરઝાપુરમાં આશરે નવ મહિના પહેલા કરીમખાન સૈયદે સીટ કવરના વ્યવસાયની અદાવત રાખીને તેના ત્રણ પુત્ર મોહસીન પઠાણ, ઇમરાન પઠાણ, વસીમ પઠાણ સાથે મળીને મોહંમદ બિલાલ બેલીમ નામના  ૨૪ વર્ષીય યુવકની છરીના ૪૦થી વધારે ઘા ઝીંકીને  હત્યા કરી હતી. આ કેસમાં શાહપુર પોલીસે કરીમ સૈયદ સહિત તમામ આરોપીઓને ઝડપીને સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા.   આ કેસમાં હાલ સાબરમતી જેલમાં રહેલા મોહસીન પઠાણ નામના આરોપીએ સેશન્સ કોર્ટમાં ૩૦ દિવસની જામીન અરજી મુકી હતી. જેમાં તેણે પોતાની પત્નીને ઓપરેશન કરાવવાનું હોવાથી નાણાંકીય વ્યવસ્થા કરવા તેમજ અન્ય બાબતો રજૂ કરી હતી. જો કે ફરિયાદી પક્ષના વકીલ એન એમ શેખે  જામીન અંગે વાંધો વ્યક્ત કરતા કહ્યુ હતું કે મોહસીન પઠાણ અગાઉ સાબરમતી જેલમાંથી ફરિયાદી પક્ષને કોલ કરીને ધમકાવી ચુક્યો છે અને થોડા સમય પહેલા મૃતક મોહંમદ બેલીમના માતાને પણ તેના એક સગાની મદદથી ધમકી અપાવી ચુક્યો છે.  જ્યારે મોહસીનની પત્ની સર્જરી નિશુલ્ક થવાની છે. જેથી આરોપી જામીન માટે ખોટુ કારણ આપી રહ્યો છે અને બહાર આવીને તે  મોહંમદ બેલીમના પરિવારને નુકશાન પહોંચાડી શકે છે અથવા નાસી જઇ શકે છે.  જેથી કોર્ટે તમામ દલીલોને ધ્યાનમાં રાખીને મોહસીનની જામીન અરજી નકારી હતી. આમ, ફરી એકવાર તેની અરજી  રીજેક્ટ કરવામાં આવી છે. આ અગાઉ  કરીમખાન સૈયદ સહિત તેના ત્રણેય પુત્રોની જામીન અરજી રીજેક્ટ કરવામાં આવી છે.


Google NewsGoogle News