અમદાવાદ ગ્રામ્યમાંથી એક સપ્તાહમાં પોણા બે કરોડથી વધુનો દારૂ પકડાયો
દારૂ સપ્લાયની અલગ અલગ મોડસ ઓપરેન્ડી
મોટાભાગનો દારૂ પંજાબ- હરિયાણાથી રાજકોટ તરફ લઇ જવાતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું ઃ ૩૧મી ડિસેમ્બરના કારણે બુટલેગરો સક્રિય
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ બગોદરા હાઇવે પર ગુરૂવારે સાંજના સમયે ગેસ ટેન્કરમાંથી છુપાવીને રાજકોટ તરફ લઇ જવામાં આવી રહેલો રૂપિયા ૪૮ લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. જે પંજાબથી રાજકોટ તરફ લઇ જવામાં આવી રહ્યો હતો. પોલીસથી બચવા માટે બુટલેગરો હવે અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે અને છેલ્લાં એક સપ્તાહમાં માત્ર અમદાવાદ ગ્રામ્યના બગોદરા અને વિવેકાનંદનગરમાં અલગ અલગ મોડ્સ ઓપરેન્ડીથી પોણા બે કરોડથી વધુ કિંમતનો દારૂ જપ્ત કરાયો છે. અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર આર એન કરમટીયા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે બગોદરાથી રાજકોટ તરફ ગેસ કંપનીના કન્ટઇનરમાં ગેસ સપ્લાયની આડમાં દારૂનો મોટો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે. જેના આધારે ગુરૂવારે સાંજના સમયે એક ટેન્કરના રોકીને ડ્રાઇવરનું નામ પુછતા કવલરામ જાટ (ઉ.વ .૨૫) રહે. બાડમેર, રાજસ્થાન) અને ક્લીનરનું નામ બાલારામ જાટ હોવાનું જાણવા મળ્યું હતું. પુછપરછ તે રાજકોટ ગેસ ભરવા માટે જતા હોવાનું જણાવતા હતા. જો કે તપાસ કરતા પોલીસને અંદર છુપાવેલો દારૂનો રૂપિયા ૪૮ લાખની કિંંમતની કિંમતની ૨૧ હજારથી વધારે બોટલો મળી આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ દોઢ વર્ષ પહેલા ડ્રાઇવરનો પરિચય બાડમેરમાં
રહેતા જયદીપસિંહ સાથે થયો હતો. તેણે જણાવ્યું હતું કે તે અનીલ પંડયા નામના સ્થાનિક
વ્યક્તિ સાથે દારૂનો મોટાપાયે ધંધો કરે છે. જેમાં દારૂનો જથ્થો ગુજરાત પહોંચતો કરવાના
બદલામાં ૫૦ હજાર આપવાની વાત કરી હતી અને પંજાબના પટિયાલાથી દારૂ ભરેલું ટેન્કર આપીને
સાયલા જવાનું કહ્યું હતું જ્યાં એક યુવક તેની સાથે આવીને ટેન્કર લઇ જઇને ખાલી કરીને
આપી જશે. ડ્રાઇવર આ અગાઉ બે વાર દારૂનો જથ્થો સાયલા અને રાજકોટ તરફ લાવી ચુક્યો હતો. ત્યારે આ
કેસની તપાસમાં મોટા બુટલેગરોના નામ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાન બોર્ડર પર
પોલીસની તપાસ વધતા હવે બુટલેગરોએ રાજસ્થાન,
પંજાબ અને હરિયાણાથી દારૂ મોકલવા માટે અલગ મોડ્સ ઓપરેન્ડી અપનાવી છે. જેમાં એસિડ
ટેન્કર, ગેસ ટેન્કર અને કન્ટેઇનરમાં મોટાપાયે દારૂ સપ્લાય કરવામાં આવે
છે. છેલ્લાં એક સપ્તાહ દરમિયાન પોલીસે પોણા બે કરોડથી વધારેની કિંમતનો વિદેશી દારૂ
મળી આવ્યો હતો. જેમાં ગત નવમી તારીખે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ ૪૨ લાખનો દારૂ
વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી ગેસ ટેન્કરમાંથી મળી આવ્યો હતો. જ્યારે પીસીબીએ બગોદરા પાસેથી ૨૫ લાખનો દારૂ એસીડને
ટેન્કરમાંથી અને બગોદરા પોલીસે ૪૫ લાખ ઉપરાંતનો
દારૂ જપ્ત કર્યો હતો. જેના પગલે ડીજીપી ઓફિસમાં રિપોર્ટ કરવામાં આવતા રાજસ્થાન , મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર પર આવતા ગેસ કન્ટેઇનર અને
એસિડ ટેન્કરને તપાસ્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ કરાવવા માટે સુચના આપવામાં આવી છે.
સ્ટેટ મોનીટરી સેલ દ્વારા ચાંદખેડામાં દારૂનો જથ્થો જપ્ત કરાયો
સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફને બાતમી મળી હતી કે ચાંદખેડા ભવાનીનગરમાં
મકાનમાં ભાડે રાખીને બે વ્યક્તિઓ દારૂનો વેપાર કરે છે અને રાજસ્થાનથી દારૂના જથ્થો
એક કારમાં આવવાનો છે. જેના આધારે શુક્રવારે સવારે વોચ રાખીને એક કારનો પીછો કર્યો હતો.
જેેમાં તે કાર ભવાનીનગરના મકાન નંબર ૪૦ પાસે ઉભી રહી હતી અને ત્યાં હાજર ત્રણ યુવકો
દારૂ ઉતારતા હતા. આ સમયે પોલીસે દરોડો પાડતા કાર ચાલક નાસી ગયો હતો. જ્યારે રાજેશ સોંલકી (રહે.ભવાનીનગર, ચાંદખેડા) અને વિપુલ સોંલકી (રહે. જનતાનગર, ચાંદખેડા) તેમજ હર્ષ
જયસ્વાલ નામનો યુવક મળી આવ્યા હતા.
આ સાથે પોલીસે રૂપિયા ૧.૭૫ લાખની કિંમતના વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ૩.૨૮ લાખની
મત્તા જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને
જાણવા મળ્યું હતું કે આ મકાન રાજેશના મોટાભાઇ
ઘનશ્યામ સોંલકીએ ભાડે રાખ્યું હતુ અને રાજેશ
તેના મિત્ર વિપુલ સાથે મળીને દારૂનો ધંધો કરતો હતો. જ્યારે હર્ષ દારૂની પેટી
કારમાંથી ઉતારવા માટે આવ્યો હતો. જે અંગે પોલીસે
વધુ તપાસ હાથ ધરી છે.