Get The App

કારમાં લીફ્ટ લઇ યુવકનું અપહરણ કરવાના ગુનામાં ત્રણ આરોપી ઝડપાયા

યુવકના પિતા પાસેથી ૨૦ લાખની ખંડણી માંગવાની હતી

બેભાન કરવાના ઇન્જેક્શનની અસર ન થતા અપહરણકર્તા યુવક પાસેથી ૫૦ હજારની લૂંટ કરી નાસી ગયા હતા

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
કારમાં લીફ્ટ લઇ યુવકનું અપહરણ કરવાના ગુનામાં ત્રણ આરોપી ઝડપાયા 1 - image

અમદાવાદ,શુક્રવાર

અમદાવાદના સાણંદના  લીલાપુર ગામમાં રહેતા  ૨૦ વર્ષીય યુવકની કારને રોકીને ચાર અજાણ્યા લોકોએ લીફ્ટ લીધા બાદ તેને માર મારીને અપહરણ કરીને બેભાન કરવા માટે ઇન્જેક્શન આપ્યું હતું. પરતુ, તે બેભાન ન થતા અપહરણકારો ૫૦ હજારની રોકડની લૂંટ કરીને નાસી ગયા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપીને તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે યુવકના પિતા રેલવે અને વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટર હોવાથી ૨૦ લાખની ખંડણી માંગવાના ઇરાદે અપહરણનો પ્લાન બનાવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદના સાણંદ તાલુકાના લીલાપુર ગામમાં રહેતો ૨૦ વર્ષીય  યુવરાજસિંહ સોલંકી ગત ૨૮મી જુલાઇએ તેની કાર લઇને  પરબડી ગામ પાસે જતો હતો ત્યારે ચાર અજાણ્યા લોકોએ લીફ્ટ માંગી હતી. તે પછી કારમાં તેને માર મારીને મોઢા પર ટેપ મારીને હાથ બાંધીને બેભાન કરવા માટેનું ઇન્જેક્શન આપ્યું હતું. પરંતુ, તે બેભાન ન થતા તેની પાસે રહેલા ૫૦ હજાર લઇને યુવકને કારમાં જ મુકીને તમામ લોકો નાસી ગયા હતા. આ બનાવ અંગે સાણંદ જીઆઇડીસી પોલીસે ગુનો નોંધ્યો હતો. જે અનુસંધાનમાં એલસીબીના પીઆઇ આર એન કરમટીયા અને તેમના સ્ટાફે ટેકનીકલ અને હ્યુમન સર્વલન્સના આધારે તપાસ કરી ભરત ચુડાસમા (રહે.રાજપુતવાસ, લીલાપુર, સાણંદ), સુમિત જાદવ (રહે. સાણંદ)  અને વિકાસસિંગ ધાલીવાલ (રહે.શ્રીંગંગાનગર, રાજસ્થાન)ને ઝડપી લીધા હતા.  તેમની પુછપરછમાં વિગતો બહાર આવી હતી કે  મુખ્ય આરોપી ભરત ચુડાસમા જાણતો હતો કે યુવરાજસિંહના પિતા રેલવે અને જીઇબીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. જેથી તેનું અપહરણ કરીને ૨૦ લાખની ખંડણી માંગવાની યોજના હતી. પરંતુ, અપહરણ કર્યા બાદ આરોપીઓએ યુવરાજસિંહે ઇન્જેક્શન આપવામાં ભુલ કરતા તે બેભાન થયો નહોતો. જેથી તમામ લોકો તેને મુકીને ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News