અમદાવાદમાં સીલ કરાયેલા ગેમ ઝોનના સંચાલકો વિરૂદ્વ ગુનો નોંધાશે
સર્વે દરમિયાન મોટાભાગના ગેમ ઝોનમાં બેદરકારી જોવા મળી
તપાસ કમિટીના રિપોર્ટના આધારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા સુચનાઃ શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર ગેમ ઝોન રાતોરાત ખાલી કરી દેવામાં આવ્યા
અમદાવાદ,સોમવાર
રાજકોટના ગેમઝોનના અગ્નિકાંડ બાદ અમદાવાદમાં આવેલા ગેમ ઝોનમાં ફાયર બ્રિગેડ, પોલીસ અને ઇલેક્ટ્રીક સીટી કંપની તેમજ એસ્ટેટ વિભાગના અધિકારીઓની ત્રણ અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ૩૫ પૈકી ચાર ગેમ ઝોન પાસે એનઓસી જ નહોતી. આ બાબતે તપાસ કમિટીએ રિપોર્ટ પણ કર્યો છે. એનઓસી વિના સીલ કરાયેલા ચારેય ગેમ ઝોનના સંચાલકો સામે હવે અમદાવાદ પોલીસ દ્વારા ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ચાલતા અનેક ગેમ ઝોનના સંચાલકોએ પોલીસનોે દરોડો પડે તે પહેલાં રાતોરાત ખાલી કરી દીધા હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના ગેમ ઝોન બંધ કરાયા હતા. જ્યાં ફાયરબ્રિગેડ, એસ્ટેટ વિભાગ, પોલીસ વિભાગ , ફોરેન્સીક વિભાગ સહિતના છ સભ્યોની ટીમને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી. અમદાવાદમાં ૩૫ ગેમ ઝોન પૈકી ૪ ગેમ ઝોન પાસે એનઓસી કે અન્ય પરવાનગી પણ નહોતી. આ ગેમ ઝોનમાં આનંદનગર સીમ હોલમાં આવેલા ગેમ ઝોન, ચાંદલોડિયામાં આવેલો જોય એન્ડ જોય, ઘુમા આવેલા જોય બોક્સ, આરોહી રોડ પર આવેલા ફોન ઝોનન સમાવેશ થાય છે. આ ચારેય ગેમ ઝોન સીલ કરવાની સાથે પોલીસ ફરિયાદ માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. બીજી તરફ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ચાલતા ૧૦ થી વધુ ગેમ ઝોનના સંચાલકોએ રાજકોટની ઘટના બાદ રાતોરાત ગેમ ઝોન ખાલીને કરીને તમામ સામાન હટાવી દીધો હતો. જેમાં કેટલાંક ગેમઝોનના સંચાલકોએ તેમના ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મિડીયા પ્લેટફોર્મના એકાઉન્ટ પણ બંધ કરી દીધા હતા.